નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન સ્વરૂપ માને છે અને બીજા કમલ હાસન. પરંતુ રજનીકાંત તો બિમાર પડયા એટલે તેમણે ચૂંટણીમાં ઊભા રહેવાની અને રાજકારણમાં આવવાની ના પાડી દીધી.
કમલ હાસને તો પોતાનો ચૂંટણી માટેનો એજન્ડા પણ બહાર પાડી દીધો અને તેમાં એક વાહિયાત અને ચર્ચાને એરણે ચઢે તેવી વાત બહાર પાડી. એમણે કહયું કે મારો પક્ષ મક્કલ નિધિમય્યમ સત્તામાં આવશે તો ગૃહિણીઓને ઘરકામ બદલ વેતન આપવામાં આવશે. આ રીતે તેમના ગૃહિણીના કામની કદર થશે.
નારી તું નારાયણી કહેવાય ત્યારે કમલ હાસને નોકરાણી બનાવી દીધી પગારદાર સ્ત્રી. એ તો હાલમાં ભણેલી ગણેલી નહીં અને પૈસા તથા પ્રશંસા પાછળ પડેલી આધુનિક યુવતીઓએ પોતાની કિંમત ઘટાડી નાંખી છે. પરંતુ હજી ભારતમાં એવી નારીઓ છે જે પૂજાય છે અને ત્યાં સ્વર્ગ વસે છે.
ઓગણીસમી સદીથી પૈસો મારો પરમેશ્વર થઇ ગયો અને નાણાંના ભ્રષ્ટાચાર થવા માંડયા એટલે મધ્યમ વર્ગના લોકોને પતિ પત્ની બંનેએ કમાવું પડે છે તો જ કુટુંબનો નિર્વાહ થઇ શકે. એટલે મધ્યમ વર્ગની ભણેલી સ્ત્રીઓને નોકરી યા ધંધો કરવો પડે છે.
પરંતુ સરકાર ગૃહિણીને વગર નોકરીએ પગાર આપશે એ વાત સંસ્કારગત લાગતી નથી. એમાં તો નારીની કિંમત કોડીની થઇ જશે અને સરકાર પગાર આપે તેમાં ભ્રષ્ટાચારને પણ ખૂબ અવકાશ રહેશે. રાજકારણીઓ મત મેળવવા કેટલી નિમ્ન કક્ષાએ ઊતરી પડે છે તેનો નમૂનો કમલ હાસને દર્શાવ્યો છે. લશ્કરમાં પણ નારી જોડાઇને ઘણાં હિંમતભર્યાં કાર્યો પણ કર્યાં છે.
શહીદ પણ થઇ છે. તેમ વિદેશોની સરકારમાં પણ ભારતીય નારી ઉચ્ચપદે બેસાડાય છે. ભારતમાં પણ ઘણી નારી સીઇઓમાં છે. જૂજ નારી ઉદ્યોગો પણ ચલાવે છે. આમ નારીનાં ઘણાં બધાં સારાં નરસાં સ્વરૂપો જોવા મળે છે. પરંતુ અમુક ટકા બાદ કરતાં ભારતની નારી સન્માનનીય છે.
એક વાતનો અફસોસ જરૂર છે કે ભારતમાં નારીનું ખરું સ્વરૂપ જાણી યોગ્ય સ્થાન અપાયું નથી. અમુક ટકા ભારતીય નારી લગ્ન બાદ માનસિક તાણમાં રહે છે. હદ વટાવી જાય ત્યારે છૂટાછેડા તથા આપઘાતના કિસ્સાઓ પણ નોંધાય છે. ભારત સરકારે તથા પ્રજાએ ભારતની નારીને યોગ્ય સ્થાન આપવું જોઇએ. સરકારે યોગ્ય નોકરીમાં સ્થાન આપવું જોઇએ!
પોંડીચેરી -ડો. કે.ટી. સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.