જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના માલપુરના (Malpur) જૂના સરપંચ ફળિયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારનાં બે મકાનમાં અચાનક વિકરાળ આગ (Fire) લાગતાં ઘરવખરીનો સામાન, રોકડ રકમ, કપડાં સહિતનો સામાન ભસ્મીભૂત થઇ ગયો હતો.
માલપુર ગામે અચાનક રહેણાક મકાનમાં આગ લાગ્યાની જાણ ગ્રામજનોને થતાં તાત્કાલિક ગ્રામજનોએ લગભગ બે કલાક આગને કાબૂમાં કરવા પાણી મારો ચલાવ્યો હતો. જો કે, આગ બેકાબૂ બનતાં નજીકની ઓએનજીસી તથા પીઆઇ કંપનીની ફાયર ટીમને ગ્રામજનોએ જાણ કરવા છતાં લાંબો સમય સુધી આવી પહોંચ્યા ન હતા. સમગ્ર ઘટનાની જાણ જંબુસર મામલતદાર તેમજ કાવી પોલીસ તંત્રને થતાં સ્થળ પર આવી પહોંચ્યા હતા. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
વલસાડમાં થાંભલા પર ધડાકા થતાં અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ
વલસાડ : વલસાડમાં આજે બેથી ત્રણ વીજળીના થાંભલા પર કોઈ કારણોસર ધડાકા થયા હતા. જેની સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આજે સવારે સ્ટેડિયમ રોડ પર થાંભલા પર કોઈ કારણોસર ધડાકો થયો હતો. જેના કારણે સ્ટેડિયમ રોડ પર એક કલાક સુધી વીજળી ડૂલ થઈ ગઈ હતી. ત્યારબાદ તિથલ રોડ પર ગવર્મેન્ટ કોલોની પાછળના વીજળીના થાંભલા પર પણ ધડાકો થયો હતો. જેના કારણે તિથલ રોડના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.
સ્ટેડિયમ રોડ, તિથલ રોડ પર ધડાકા થતા વીજળી ડૂલ થઈ અને લોકો ઘરમાં પણ પરસેવાથી રેબઝેબ થઇ ગયા
ડિજીવીસીએલએ તાત્કાલિક ફોલ્ટ શોધી તેને રીપેર કરવા પહોંચી ગયો
ઉનાળામાં ગરમીની મોસમમાં વીજળી ડૂલ થતા લોકો ઘરમાં પણ પરસેવાથી રેબઝેબ થઇ ગયા હતા. જોકે આ ધડાકા સાથે પાવર કટની જાણ ડિજીવીસીએલને થતા તેમનો સ્ટાફ તાત્કાલિક ફોલ્ટ શોધી તેને રીપેર કરવા પહોંચી ગયો હતો.