નવી દિલ્હી: હવે તમારે રેસ્ટોરામાં (Restaurant) જમ્યા પછી સર્વિસ ચાર્જ (Servive Charge) નહીં આપવો પડે. રેસ્ટોરાં હવે ગ્રાહકને સર્વિસ (Service) આપવા ફરજ પાડી શકશે નહીં. ગ્રાહકોની વધતી ફરિયાદો (Complaint) વચ્ચે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ(સીસીપીએ) દ્વારા હોટલો અને રેસ્ટોરાંઓને ફૂડ બિલમાં (Food Bill) ઓટોમેટિકલી અથવા બાય ડીફોલ્ટ સર્વિસ ચાર્જ ગ્રાહકો પાસેથી લેવા પર આજે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધનો ભંગ થાય તો ફરિયાદ કરવાની ગ્રાહકોને છૂટ આપવામાં આવી છે. ગ્રાહકને જરૂર જણાતા રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકે છે. મોટાભાગનાં રેસ્ટોરાં અને હોટલમા આ પ્રકારના ચાર્જ વસૂલવામાં આવતો હોય છે. મોટાભાગના બિલમાં સૌથી નીચે લખેલું હોય છે તેમજ સર્વિસ ચાર્જનો દર સામાન્ય રીતે 5 ટકા જોવા મળતો હોય છે.
સીસીપીએ દ્વારા સર્વિસ ચાર્જ લેવા સંદર્ભમાં ગેરવાજબી વેપાર વ્યવહારો અને ગ્રાહક અધિકારોનો ભંગ અટકાવવા માટે આજે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. કોઇ હોટલ અથવા રેસ્ટોરાં તેના બિલમાં ઓટોમેટિકલી અથવા બાય ડીફોલ્ટ સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં એમ સીસીપીએના ચીફ કમિશ્નરે ગાઇડ લાઇનમાં જણાવ્યું હતું. રેસ્ટોરાં અને હોટેલો સામાન્ય રીતે ફૂડ બિલ પર દસ ટકા સર્વિસ ચાર્જ લે છે. માર્ગદર્શિકામાં વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અન્ય કોઇ નામ હેઠળ પણ સર્વિસ ચાર્જ લઇ શકાશે નહીં. કોઇ પણ હોટેલ અથવા રેસ્ટોરાં ગ્રાહકને સર્વિસ ચાર્જ ચુકવવાની ફરજ પાડી શકે નહીં. તેમણે ગ્રાહકને સ્પષ્ટપણે જણાવવાનું રહેશે કે આ ચાર્જ મરજિયાત, વૈકલ્પિક છે અને ગ્રાહકની વિવેક બુદ્ધિ પર આધારિત છે. એમ ગાઇડલાઇનમાં કહેવાયું છે.
આ માર્ગદર્શિકા અંગે પ્રતિભાવ આપતા ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસીએશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ ગુરુબક્ષિસ સિંઘ કોહલીએ પીટીઆઇને જણાવ્યું હતું કે સંસ્થા આ આદેશનો અભ્યાસ કરશે કારણ કે તેમાં દૂરગામી અસરો રહેલી છે અને અભ્યાસ કર્યા બાદ સરકારનો સંપર્ક કરશે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે આદેશનો ભંગ થતો જણાય તો ગ્રાહકો ગ્રાહક પંચ સમક્ષ ફરિયાદ કરી શકશે. ઝડપી નિકાલ માટે ઇ-દાખિલ પોર્ટલ પર ઇલેકટ્રોનિક સ્વરૂપે પણ ફરિયાદ કરી શકાશે. જિલ્લા કલેકટરને પણ આ બાબતે ફરિયાદ કરી શકાય છે.