Gujarat

દોઢ વર્ષમાં સુરતમાં 70 ટકાથી વધુ રેસ્ટોરન્ટ અને 50 ટકા જેટલા ગેસ્ટ હાઉસ અને હોટલો બંધ થઇ ગયા

સુરત. (Surat) સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત એસોસીએશન ઓફ ટ્રાવેલ એજન્ટ, ટ્રાવેલ એજન્ટ્‌સ એસોસીએશન ઓફ ઇન્ડિયા અને અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓએ કોરોના મહામારીને કારણે તેઓના ઉદ્યોગ – ધંધાને પડી રહેલી મુશ્કેલી અંગે આજે ચેમ્બરના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોને હોટેલ રેસ્ટરોરન્ટ અને ટુરિઝ્મ ઉદ્યોગને (Hotel Restaurant and Tourism Industry) બચાવવા સંયુક્ત રજૂઆત કરી હતી. આ રજૂઆતનો એક કોમન ડ્રાફ્ટ બનાવી ચેમ્બર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્ર સરકારના સંબંધિત ખાતાઓને રાહત આપવા માટે મોકલાશે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશને રોજગારી આપતો તેમજ અર્થવ્યવસ્થાને મજબૂત રાખતો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે કારમી મંદીના માહોલમાં સપડાયો છે. સંગઠનોની જે રજૂઆતો મળી છે તે મુજબ છેલ્લા દોઢ વર્ષમાં જ ૭૦ ટકાથી વધુ રેસ્ટોરન્ટ અને પ૦ ટકા જેટલા ગેસ્ટ હાઉસ અને હોટલો બંધ થઇ ગઇ છે અને અન્ય બંધ થવાના કગાર પર છે. તદુપરાંત ટ્રાવેલ્સ સંચાલકોની હાલત પણ કફોડી થઇ ગઇ છે. આથી તેઓને સરકારને ચૂકવવાના વિવિધ ટેકસ જેવા કે જીએસટી, લાઇટબીલના મહત્તમ ચાર્જીસ અને એના ઉપરનો વિદ્યુત કર, ગેસબીલના મહત્તમ ચાર્જીસ અને એના ઉપરનો વેટ, પ્રોપર્ટી ટેકસ, ઉંચો એજ્યુકેશન સેસ અને અન્ય મેન્ટેનન્સના ખર્ચ ચૂકવવું અઘરુ થઇ ગયું છે. બેઠકમાં સહારાના પ્રમુખ અરૂણ શેટ્ટી અને સીનિયર ઉપપ્રમુખ સનત રેલિયાએ ઉદ્યોગની સ્થિતિ રજૂ કરી હતી.

  • સહારાની માંગણીઓ
    ૩ વર્ષ માટે મિલ્કત વેરો (પ્રોપર્ટી ટેકસ)માં રાહત આપવામાં આવે અને એજ્યુકેશન સેસ અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા પાણી વેરા અને અન્ય તમામ વેરામાં માફી આપવામાં આવે.હોટલ/રેસ્ટોરન્ટને ર ટકાના વ્યાજે પાછલા વર્ષના ટર્નઓવર મુજબ ટર્મલોન આપવામાં આવે. દા.ત. હોટલનું પાછલા વર્ષમાં ૧ કરોડનું ટર્નઓવર હોય તે હોટેલિયરને ર૦ લાખ એટલે કે ટર્નઓવરના ર૦ ટકા મુજબ ૬ વર્ષની મુદત માટે ર ટકાના વ્યાજદરે લોન આપવામાં આવે.
  • એલપીજી અને પીએનજી પર લાગતો વેટ ૩ વર્ષ માટે માફ કરવામાં આવે. ઇલેકટ્રીસિટી ડયુટીમાં હોટલ/રેસ્ટોરન્ટને ૩ વર્ષ માટે સંપૂર્ણ માફી આપવામાં આવે.
  • પીએફ અને ઇએસઆઇસીમાં એમ્પ્લોઇ અને એમ્પ્લોયર્સ આમ બંને કન્ટ્રીબ્યુશન સરકાર દ્વારા ૩ વર્ષ માટે આપવામાં આવે.
  • ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના પ્રાવધાન મુજબ હોટલ/રેસ્ટોરન્ટ માટે પ્રોફેશનલ ટેકસ નાબુદ કરવામાં આવે.
  • હોટલ/રેસ્ટોરન્ટના ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હોટલ/રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે વહેલી તકે વેકસીનેશન કેમ્પ રાખી તેઓને કોરોનાની વેકસીન આપવામાં આવે.
  • વર્ષ ર૦ર૧–રર–ર૩ એમ ૩ વર્ષ હોટલ/રેસ્ટોરન્ટને ઇન્કમ ટેકસ હોલિડે આપવામાં આવે.
  • હોટેલ/રેસ્ટોરન્ટમાં કુલ ક્ષમતાના પ૦ ટકા ક્ષમતા સાથે ડાયનીંગની મંજૂરી આપવામાં આવે.

  • લક્ઝરી બસ સંચાલકોના સંગઠને આ માંગણીઓ કરી
  • લકઝરી બસોને પણ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે, જેથી કરીને ટ્રાવેલ્સ સંચાલકો આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે.
  • લકઝરી બસનો રોડ ટેકસ એડવાન્સમાં દર મહિને ભરવાનો આવે છે, પરંતુ કોરોનાની વર્તમાન સ્થિતિમાં જ્યાં સુધી બસો બંધ છે ત્યારે સંચાલકોને રોડ ટેકસમાંથી મુકિત આપવામાં આવે તેમજ બસના વપરાશ પ્રમાણે રોડ ટેકસ લેવામાં આવે.સુરત શહેરમાં લકઝરી બસની પાર્કીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ભૂતકાળમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મંજૂરી અપાઇ હતી પણ વ્યવસ્થા થઇ ન હતી.
  • શહેરના નાકાઓ ઉપર આરટીપીસીઆર ચેકીંગના કાયદાનું અમલીકરણ થતું ન હોવાથી તેમજ ભ્રષ્ટાચારને અટકાવવા માટે આરટીપીસીઆર ચેકીંગના કાયદામાં સુધારો લાવવામાં આવે. દેશમાં આરટીપીસીઆર ચેકીંગ માટેની એક જ ગાઇડલાઇન બનાવવામાં આવે.
  • છેલ્લા દોઢ વર્ષથી ટ્રાવેલ્સ સંચાલકો તેમજ એજન્ટોનો ધંધો – રોજગાર બંધ હોવાથી તેઓને નાણાંકીય રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે
  • ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસો.એ કરેલી માંગણીઓ
  • ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા અનઓર્ગેનાઇઝડ સેકટરમાં હોવાથી તેઓને બેંકો દ્વારા લોન આપવામાં આવતી નથી. આથી તેઓ આરબીઆઇ દ્વારા અપાતી રાહતનો લાભ લઇ શકતા નથી. આ દિશામાં સરકાર દ્વારા વિચારવામાં આવે.એરલાઇન્સ દ્વારા ટિકિટ બુકીંગ થયા બાદ તેના કેન્સલેશનની સામે રૂપિયા રીફંડ તરીકે ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
  • દર મહિનાની રપ તારીખે ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સની ગાઇડલાઇન જાહેર થતી હોવાથી લોકો મુસાફરી માટે અગાઉથી આયોજન કરી શકતા નથી. જેને કારણે ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા બુકીંગ લેવાતું નથી. જેના નિવારણ માટે લાંબા સમય સુધી ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સની ગાઇડલાઇન જાહેર થાય તે માટે વિનંતી છે.
  • ભારતીય રેલ્વે દ્વારા ટિકિટ બુક થયા બાદ તેમના દ્વારા જ ટ્રેન કેન્સલ કરવામાં આવે છે ત્યારે ટ્રેન કેન્સલેશનની સામે તુરંત જ મુસાફરોને રીફંડ આપવામાં આવે.
  • બુકીંગ એજન્ટોએ આઇઆરસીટીસી પોર્ટલ ઉપર લાયસન્સની ફીપેટે રૂપિયા ૪ હજાર ભરવાના હોય છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી તેઓ આ સેવાનો લાભ લઇ શકયા નથી ત્યારે આવા સંજોગોમાં તેઓને રીફંડ આપવામાં આવે.વિદેશ પ્રવાસ કરનાર મુસાફરને પ ટકા ટીસીએસ ભરવાની નવી જોગવાઇ આવેલી છે. આ જોગવાઇનું અમલીકરણ કોરોનાની વર્તમાન પરિસ્થિતિ પૂરતું એક વર્ષ માટે મુલત્વી રાખવામાં આવે.
  • ટ્રાવેલ બુકીંગ ઓપરેટરની ઇન્કમ ટિકિટ બુકીંગના કમિશન ઉપર ગણાય છે ત્યારે કમિશનનો આધાર રાખી ટર્નઓવરની ગણતરી કરવામાં આવે અને ઇસીએલજીએસ સ્કીમ અંતર્ગત ટર્નઓવરના ર૦ ટકા પ્રમાણે તેઓને લોન મળવી જોઇએ તે માટે નાણાં મંત્રી અને વિવિધ બેંકોને રજૂઆત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top