વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં બુધવારની મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે ધુમાડો પ્રસરી ગયો હતો. જેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે નાસભાગ મચી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રીગેડના લાશ્કરો તાત્કાલીક સ્થળ પર પહોંચી ગયા હતા. અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર કાઢી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે આગની આ ઘટનામાં દાખલ દર્દીઓને કોઇ જાનહાની પહોંચી ન હતી.
વડોદરામાં સયાજી હોસ્પિટલ બાદ વધુ એક કોવિડ હોસ્પિટલની સારવાર આપતી હોસ્પિટલમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના માંડવી વિસ્તારમાં આવેલા જમનાબાઇ હોસ્પિટલની સામે સાંકડી ગલીમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં રાત્રે 9 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી.
હોસ્પિટલમાં આગની ઘટના બનતા દર્દીઓ અને તેમના સગાઓમાં નાસભાગના મચી હતી. આગની જાણ થતાંની સાથે જ વિસ્તારનાં સ્થાનિકો દર્દીઓનો જીવ બચાવવા માટે દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટનાની જાણ થતાં ફાયર બ્રીગેડના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જ્યાં ફાયર બ્રીગેડના લાશ્કરો, સ્થાનિકો અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે. પહેલા માળે કોમ્પ્યુટર રૂમમાં
લાગેલી આગનાં ધુમાડા ચોથા માળ સુધી ફેલાયા હતા. તેને કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ દરેક માળનાં બારીના કાચ તોડી ધુમાડો બહાર કાઢ્યો હતો. અહીં કોરોનાનાં
17 દર્દીઓ સારવાર માટે દાખલ થયેલા હતા અને હ 13 અન્ય દર્દીઓ સારવાર હેઠળ હતા. તમામ દર્દીઓને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે બહાર કાઢીને સયાજી હોસ્પિટલ અને પ્રાણાયામ હોસ્પિટલ ખાતે સલામત રીતે ખસેડવા માં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ બહાર આવ્યું છે.ફાયર બ્રીગેડે મેજર કોલ જાહેર કરતા લાશ્કરો સાથે 6થી 7 ફાયર બ્રીગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
આગનાં બનાવની જસન થતાં મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટર, શહેરના નવનિયુક્ત મેયર કેયુર રોકડીયા, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિનાં ચેરમેન સહિત સ્થાનિક કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી અને પરિસ્થિતિ નો તાગ મેળવીને શહેરની અન્ય હોસ્પિટલમાં આગની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સંચાલકોને જરૂરી સૂચનાઓ આપી હતી.