સાપુતારા : રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓને સુવ્યવસ્થિત મનોરંજન મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રની ટીમ સજાગ બની છે. ગિરિમથક સાપુતારાનાં વિવિધ સ્થળોએ પ્રવાસીઓને આકર્ષવા માટે ચાલતી હોર્સ રાઈડ અને કેમલ રાઇડમાં ઉપયોગમાં લેવાતા ઘોડા અને ઉંટ તંદુરસ્ત રાખવામાં આવે છે કે કેમ તથા આ પશુઓની માલિકો દ્વારા યોગ્ય કાળજી રાખવામાં આવે છે કે નહી તે અંગે સાપુતારા નોટિફાઈડ એરીયા કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશ પટેલે સાપુતારામાં પ્રવાસીઓના મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા ઘોડા અને ઉંટની તંદુરસ્તીની તપાસ અંગે સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાનાં આધારે સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર સાગર મોવાલીયા તથા નાયબ મામલતદાર પી.વી.પરમાર તેમજ નાયબ પશુપાલન નિયામકની ટીમ દ્વારા આ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીનાં નાયબ મામલતદાર પી.વી. પરમારનાં માર્ગદર્શન હેઠળ પશુ ચિકિત્સા અધિકારી ડો. વિષ્ણુ આર.પાલવા અને ડો. વિરલ જે.પટેલની ટીમે મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા કુલ 29 જેટલા ઘોડા અને ઊંટનાં સ્વાસ્થ્યની તપાસણી કરી પશુઓનાં માલિકોને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. સાથે ઘોડા અને ઊંટનાં માલિકોને સમયસર કાળજી રાખવા અનુરોધ કરાયો હતો.
સાપુતારા ઘાટમાં કન્ટેનર-ટ્રક સામસામે ભટકાતા ટ્રાફિક જામ
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં માલવાહક કન્ટેનર અને ડુંગળીનો જથ્થો ભરેલી ટાટા ટ્રક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે થોડા સમય માટે માર્ગ બ્લોક થતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ડુંગળીનો જથ્થો ભરી રાજકોટ જઈ રહેલી ટાટા ટ્રક ન. કે.એ.28.એ.એ.3704 અને અમદાવાદ તરફથી માલસામાનનો જથ્થો ભરી પુણે તરફ જઈ રહેલું કન્ટેનર જે બન્ને સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કન્ટેનરનાં બોનેટનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો. જ્યારે ડુંગળીનો જથ્થો ભરેલી ટાટા ટ્રક ધડાકાભેર પલ્ટી મારી જતા ડુંગળીનો જથ્થો વેરવિખેર થઈ જવાની સાથે જંગી નુકસાન થયુ હતુ. સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતનાં પગલે થોડા સમય માટે માર્ગ બ્લોક થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. અને વાહનોની કલાકો સુધી કતારો જામી હતી. જોકે આ બનાવ અંગેની જાણ સાપુતારા પી.આઈ. આર.એસ.પટેલની ટીમને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે ધસી ગયા હતા.અને સ્થળ પર પરિસ્થિતિને કાબુમાં લેતા એક સાઈડનો માર્ગ ખુલ્લો કરી માર્ગ પૂર્વરત કર્યો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલમાં આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.