Top News

ગુરુગ્રામમાં ભયાનક માર્ગ અકસ્માત: થાર ડિવાઇડર સાથે અથડાઈ, 5 યુવાનોનાં મોત

હરિયાણાના ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઇવે પર આજે સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ યુવાનોનાં મોત થયા છે. થાર કાર ડિવાઇડર સાથે અથડાતા આ ઘટના બની હતી. મૃતકોમાં ત્રણ યુવતીઓ અને બે યુવકોનો સમાવેશ થાય છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ છે.

આ અકસ્માત આજે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ઝારસાડા ફ્લાયઓવર નજીક એક્ઝિટ 9 પર થયો હતો. કાળી થાર કાર જેમાં યુપી નંબરનું રજીસ્ટ્રેશન હતું. દિલ્હીથી જયપુર જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કાર વધારે ઝડપે દોડી રહી હતી જેના કારણે ચાલકનો કાબુ છૂટી ગયો અને થાર સીધી જ ડિવાઇડર સાથે અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામી ગયો હતો.

વાહનમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ત્રણ યુવતીઓ અને ત્રણ યુવકો સામેલ હતા. ઘટનાસ્થળે જ બે યુવકો અને ત્રણ યુવતીઓનાં મોત થયા. એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને તાત્કાલિક ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં એક યુવતીનું નામ પ્રતિષ્ઠા મિશ્રા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોનો કબજો લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તારણ મુજબ અકસ્માતનું મુખ્ય કારણ ઓવરસ્પીડિંગ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે વધારે ઝડપે દોડતી કાર એક પળમાં કાબુ ગુમાવી શકે છે અને આવી બેદરકારી ઘાતક સાબિત થાય છે.

આ ઘટના પછી માર્ગ સલામતી અંગે ફરીથી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે દેશભરમાં દરરોજ સેંકડો લોકો રસ્તા પરનાં અકસ્માતોમાં જીવ ગુમાવે છે. છતાં ઘણા ડ્રાઇવરો ઝડપનો શોખ રાખે છે અને નિયમોનું પાલન કરતા નથી. એક નાની ભૂલ પોતાનો જ નહીં પરંતુ બીજા ઘણા પરિવારોનો જીવ જોખમમાં મૂકી શકે છે.

ગુરુગ્રામમાં થયેલો આ અકસ્માત સ્પષ્ટ કરે છે કે માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરવું કેટલું જરૂરી છે. પોલીસ હવે અકસ્માત અંગે વધુ તપાસ કરી રહી છે અને પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top