World

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની નિર્મમ હત્યા, 50 વાર હથોડીના ઘા મરાયા

નવી દિલ્હી: અમેરિકામાં (America) ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા (Murder) કરવામાં આવી હતી. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા (Lithonia) શહેરમાં બની છે. અહીં એક ભારતીય વિદ્યાર્થીએ બેઘર ડ્રગ એડિક્ટરને (Drug Addict) મદદ કરી હતી. આ ઘર વિહોણા વ્યક્તિએ ભારતીય વિદ્યાર્થીની 50 વાર હથોડીના ઘા મારી હત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ હરિયાણાના પંચકુલાનો વતની 25 વર્ષિય વિવેક સૈનીએ લિથોનિયાથી MBA કર્યું હતું. તેમજ તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ પણ કરતો હતો. વિવેકે બે વર્ષ પહેલા જ બી.ટેક પૂર્ણ કર્યું હતું. તેમજ વધુ અભ્યાસ માટે તે અમેરિકા ગયો હતો. જ્યાં તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

વિવેક જે સ્ટોરમાં કામ કરતો હતો તેની સામે જુલિયન ફોકનર નામના ડ્રગ્સ એડિક્ટે ઘણા સમયથી ખેમો નાખ્યો હતો. ફોકનર બેઘર હતો તેથી દયાથી વિવેક તેને છેલ્લા 3-4 દિવસથી મફત ચિપ્સ, કોક અને પાણી આપી રહ્યો હતો. એટલું જ નહીં પણ વિવેકે ડ્રગ એડિક્ટ ફોકનરને ઠંડીથી બચાવવા માટે એક જેકેટ પણ આપ્યું હતું.

ત્રણ-ચાર દિવસ વીતી ગયા પછી પણ જુલિયન ફોકનર વિવેક પાસે દરરોજ ફ્રીમાં સામાન આપવાની માગણી કરતો હતો. વિવેકે તેને ઘણી વખત ના પાડી હતી. 16 જાન્યુઆરીએ ફોકનરે ફરી એકવાર વિવેકને સામાન મફતમાં આપવા કહ્યું. વારંવાર હેરાન થવા પર વિવેકે ફોકનરને ત્યાંથી જવાનું કહ્યું. વિવેકે ફોકનરને કહ્યું કે જો તે નહીં જાય તો તેણે પોલીસને બોલાવવી પડશે. આનાથી ગુસ્સે થઈને ફોકનરે વિવેક પર હુમલો કર્યો અને તેના માથા પર હથોડીથી 50 વાર ઘા મારી હત્યા કરી નાંખી. તેમજ વિવેકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાં જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ફોકનર વિવેકના મૃતદેહ પાસે ઊભો હતો.

ભારતીય વિદ્યાર્થી સાથેની દર્દનાક ઘટના બાદ ભારતીય કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસ વતી કહેવામાં આવ્યું છે કે અમેરિકન અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલી રહી છે. તેમજ વિવેક સૈનીના પરિવાર સાથે વાત કરવામાં આવી છે. દૂતાવાસ તેમના પાર્થિવ દેહને ભારત પરત મોકલવામાં મદદ કરી રહ્યું છે. આ સાથે જ એમ્બેસી પરિવાર સાથે સતત સંપર્કમાં છે.

Most Popular

To Top