તમિલનાડુના તેનકાસી જિલ્લામાં આજે સોમવારે ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. બે બસ વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ જાનલેવ ટક્કરમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી.
તમિલનાડુમાં બે બસ વચ્ચે ભયાનક ટક્કર
માહિતી અનુસાર તમિલનાડુના તેનકાસી જિલ્લામાં મદુરેથી સેનકોટ્ટઈ જઈ રહેલી એક ખાનગી બસ અને તેનકાસીથી કોવિલપટ્ટી જઈ રહેલી બીજી બસ વચ્ચે આજે સોમવારે તા. 24 નવેમ્બર સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ ભયંકર ટક્કર થઈ હતી. અચાનક થયેલી આ ટક્કરે બંને બસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને મુસાફરોમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. જેમાં 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત?
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મદુરેથી સેનકોટ્ટઈ જઈ રહેલી બસનો ડ્રાઈવર વધુ સ્પીડમાં હતો અને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ બેદરકારીને કારણે બસ સામે આવતી બીજી બસ સાથે ભયાનક રીતે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અનેક મુસાફરો બસના અંદરના ભાગમાં ફસાઈ ગયા હતા.
જેસીબી અને કટર વડે મુસાફરોને બહાર કાઢાયા
અકસ્માત એટલો ગંભીર હતો કે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે JCB અને કટર મશીનની મદદ બસના આગળના અને બાજુના ભાગને કાપીને મુસાફરોને એક પછી એક બહાર કાઢ્યા હતા. બંને બસમાં મળીને લગભગ 55 મુસાફરો સવાર હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
દુર્ઘટનામાં ઘાયલ થયેલા 30થી વધુ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે. ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેની ખાતરી કરવા માટે 25 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
હાલમાં પોલીસે બસ ડ્રાઇવરની ધરપકડ કરી છે. અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળની તપાસ, સીીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે પોલીસ ડ્રાઈવર સામે આગળની કાર્યવાહી કરશે.