National

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, ડબલડેકર બસ અને ટ્રક અથડાયા, 8ના મોત

નવી દિલ્હીઃ યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

એક્સપ્રેસ વે પર સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે આટલો મોટો અકસ્માત થયો. બસમાં કુલ 40 મુસાફરો હોવાનું કહેવાય છે. ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

આ દુર્ઘટના આજે શુક્રવારે તા. 6 ડિસેમ્બરની બપોરે કન્નૌજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગરા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઔરૈયા બોર્ડર પાસે બની હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા.

તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલતી બસ કાબુ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં બૂમાબૂમ મચી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેને બચાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા.

આ સમગ્ર મામલે કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 6 થી વધીને 8 થયો છે અને ઘાયલોની સંખ્યા 19 છે. હાલ બચાવ કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top