વ્યારા: સોનગઢ-ઓટા રોડ પર સિનોદ ગામ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાળજું કંપાવી દેનારી ઘટનામાં ૨૫થી ૩૦ વર્ષની એક મહિલાનું ગળાના ભાગેથી માથું છૂટું પડી જતાં મોત નીપજ્યું હતું. જ્યારે એક નાની બાળકીનો પગ તૂટીને છૂટો પડી ગયો હતો. આ બનાવમાં ૩૦ જેટલા મુસાફર પૈકી ૧૫થી ૨૦ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા.
સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં તા.૧૨/૧૧/૨૦૨૪ના રોજ મળસકે ત્રણ વાગ્યાના અરસામાં અરુણાચલ પાસિંગની લક્ઝરી બસ નં.(AR-01-R-1144)ના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. લક્ઝરી બસમાં બેસેલા વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં બીઇ કરતા વિદ્યાર્થી દેવ હિતેશ ભરવાડાએ પોલીસને વાકેફ કરી હતી. લક્ઝરી બસ સ્લિપર કોચ હતી, તેમાં બીજા પેસેન્જર પણ બેઠેલા હતા. બસ મહારાષ્ટ્રના જાલના ગામ પછી ઔરંગાબાદ ચાલીસગાંવ તથા ધુલિયાથી બીજા પેસેન્જર બેઠા હતા. આશરે ૩૦થી ૩૫ પેસેન્જર્સ લક્ઝરી બસમાં બે ડ્રાઇવર તથા એક કંડક્ટર સાથે સવાર હતા. ત્યાર બાદ રાત્રિના સાડા આઠેક વાગેના સમયે એક જયદેવ હોટલ ઉપર જમવા માટે લક્ઝરી બસ રોકાયેલી હતી. ત્યાંથી લક્ઝરી બસ અમદાવાદ જવા રવાના થઈ હતી. દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સ સૂઇ ગયા હતા. દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ઘટનામાં મોતને ભેટનારનું નામ રિયા સુશાંત કર્માકર (રહે.,અડાજણ, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે ન આવ્યું
કેટલાક પેસેન્જર્સ બસમાં ફસાયા તો કેટલાક બસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. રાત્રિના સમયે ચિચિયારી, રડવાનો અવાજ તેમજ બૂમબરાડા પાડવા છતાં કોઈ મદદે આવ્યું નહોતું. આ દરમિયાન લક્ઝરી બસમાં બેસેલા પેસેન્જર્સમાંથી કોઇકનો મોબાઇલ ચાલુ હતો તેમણે પોલીસ ૧૦૦ નંબર પર અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘાયલ ૧૫થી ૨૦ મુસાફરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા, જીવ બચાવવા બૂમાબૂમ કરવા લાગ્યા
બીઈનો વિદ્યાર્થી દેવ ભરવાડાએ આ કરુણ ઘટના અંગે પોલીસે કહ્યું હતું કે, હું બસની સીટ ઉપર જાગતો હતો. એ વખતે આશરે રાત્રે ત્રણેક વાગેના સમયે ઓટા ગામ રોડ પર આવેલા સિનોદ ગામના પાટિયા પાસે વળાંકમાં આવતાં આ લક્ઝરી બસના ડ્રાઇવરે વળાંકમાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ અચાનક પલટી ખાઈ જતાં મુસાફરો ફેંકાઈ ગયા હતા. મોટા ભાગના પેસેન્જર્સ લક્ઝરી બસમાં ફસાઈ ગયા હતા. તેઓ એકદમ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આથી તેઓ તેમની રીતે, ડ્રાઇવરના દરવાજા મારફતે તેમજ આગળનો કેબિનનો કાચ તૂટી ગયો હોય ત્યાંથી બહાર નીકળી ગયા હતા. એક મહિલાના ગળાના ભાગેથી માથું છૂટું પડીને દૂર પડ્યું હતું. તેની લાશ લક્ઝરી બસની પાછળનાં ભાગે પડી હતી. તેમજ એક નાની છોકરીનો પગ તૂટીને છૂટો પડી ગયેલી હાલતમાં પડ્યો હતો. જેને સારવાર માટે સુરત ખસેડાઈ હતી.
ડાંગ કલેક્ટરે ઈજગ્રસ્ત મુસાફરોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા કરાવી
સાપુતારા: આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ડાંગ જિલ્લાનાં કલેક્ટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માતની જાણ થતાંની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબરઅંતર પૂછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. અકસ્માતમાં એક મહિલા જેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી. સેન્ટરમાં 18 ઇજાગ્રસ્તને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આહવા સિવિલ હોસ્પિટલમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.