મહારાષ્ટ્રના સોલાપુરમાં મંદિર દર્શન કરવા જઈ રહેલા એક પરિવારની કારને ટ્રક સાથે ભયાનક ટક્કર લાગી. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. તેમજ કારમાં સાથે રહેલું નવપરિણીત દંપતી પણ ગંભીર રીતે ઘાયલ થયું છે. પરિવાર તુલજાપુરના પ્રસિદ્ધ ભવાણી માતાના મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની.
શું છે આખી ઘટના?
આ અકસ્માત બાર્શી તાલુકાના પાંગરી ગામ નજીક જાંભલાબેટ પુલ પર બન્યો હતો. પરિવાર તુલજાપુરના પ્રસિદ્ધ ભવાણી માતાના મંદિરમાં દર્શન કરવા નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં તેમની કાર એક ટ્રક સાથે જોરદાર અથડાઈ. અથડામણ એટલી ગંભીર હતી કે કાર પૂરી રીતે કચડાઈ ગઈ.
મૃતકોમાં ગૌતમ કાંબલે, જયા કાંબલે, સંજય વાઘમારે, સારિકા વાઘમારે અને અન્ય એક મહિલાનો સમાવેશ થાય છે. પરિવાર માટે આ ઘટના અત્યંત દુઃખદ બની.
નવપરિણીત દંપતી બચ્યું
અકસ્માત સમયે કારમાં નવપરિણીત દંપતી અનિકેત ગૌતમ કાંબલે અને તેમની પત્ની મેઘના અનિકેત કાંબલે પણ હાજર હતા. ચાર જ દિવસ પહેલાં એટલે કે તા.26 નવેમ્બરે બંનેના લગ્ન થયા હતા. પરિવાર નવદંપતીને તુલજાપુર દર્શન માટે લઈ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો.
બન્નેને ગંભીર ઈજાઓ થતાં તેમને બાર્ષીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ બંનેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.