ઉતરપ્રદેશના બરેલી જિલ્લાના બિસલપુર રોડ પર ગત રોજ તા. 18 ઓક્ટોબર શુક્રવારની મોડી રાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બસ અને ઇકો વાન વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે અને દસ લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનને કટરથી કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા.
આ દુર્ઘટના શુક્રવારની રાત્રે લગભગ 1:30 વાગ્યે બરેલીના ભુતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બરેલીથી મુસાફરોને લઈ જતી એક ઇકો વાન બિસલપુર તરફ જઈ રહી હતી. ત્યારે મિર્ચી ધાબા નજીક તેની સામસામે આવતી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી અને કટર અને અન્ય સાધનોની મદદથી વાનને કાપીને મુસાફરોને બહાર કાઢ્યા હતા. જોકે ઘટના સ્થળે જ બે લોકોનાં મોત થયા હતા. જ્યારે ત્રીજાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
મૃતકોમાં ઇકો વાનના ડ્રાઇવર રાકેશ (30), ગૌરવ (19) અને જીતેન્દ્ર (32)નો સમાવેશ થાય છે. જે પીલીભીત જિલ્લાના અલગ-અલગ ગામોના રહેવાસી હતા. બધા મુસાફરો પીલીભીત જઇ રહ્યા હતા.
મૃતકોના નામ:
- રાકેશ ઉમર 30 વર્ષ (ઇકો ડ્રાઇવર), ગામ ખાગરિયા, પોલીસ સ્ટેશન દિયોરિયા, જિલ્લો પીલીભીતનો રહેવાસી.
- ગૌરવ ઉંમર 19 વર્ષ પીલીભીત જિલ્લાના દિયોરિયા પોલીસ સ્ટેશનના લમહુઆ ગામનો રહેવાસી.
- જીતેન્દ્ર ઉંમર 32 વર્ષ પારેવતુરરા, પોલીસ સ્ટેશન બિલસંડા, જિલ્લા પીલીભીતના રહેવાસી.
તેમજ ઘાયલોમાં ધરમપાલ, રામપાલ, બાબુરામ, મહેન્દ્ર, કાન્તાપ્રસાદ, અજય, અમિત અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેની હાલત ગંભીર હોવાનું જણાય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માતનું મુખ્ય કારણ ઓવરટેક કરવાનો પ્રયાસ હતું. બસ ચાલકે ઝડપથી આગળ નીકળવાનો પ્રયાસ કરતા જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર પછી બસ ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો અને બસમાં કોઈ મુસાફર હાજર ન હતું.
પોલીસે બંને વાહનોને કબજે લઈને આ અકસ્માતની તપાસ શરૂ કરી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને માહિતી આપવામાં આવી છે.
આ અકસ્માત પછી વિસ્તારના રહેવાસીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે બિસલપુર રોડ પર વારંવાર અકસ્માતો થતા હોવાથી અહીં ટ્રાફિક નિયંત્રણ અને રાત્રી સમયની દેખરેખ વધારવાની જરૂર છે.