એક રાત્રે એક માણસને ખૂબ જ વિચિત્ર સપનું આવ્યું.સપનું કંઈક આવું હતું. ‘માણસે સપનામાં પોતાની જાતને એક પાંખવાળા માણસના રૂપમાં જોઈ.તેના હાથ પણ હતા અને ખભાથી પાંખો પણ જોડાયેલી હતી.સપનામાં પાંખવાળો માણસ બની તે માણસ સતત કામ કરી રહ્યો હતો, ઊડી રહ્યો હતો.
આખો દિવસ અને મોડી રાત સુધી કામ કરી તે થાક્યો અને આરામ કરવા બેઠો. સતત કામ કરી કરી તે થાક્યો હતો.અમુક કામ થઇ જતાં ખુશ હતો.અમુક કામ ન થતાં નાસીપાસ પણ થયેલ હતો.’
‘આરામ કરતા માણસની બંને પાંખમાંથી ધીમે ધીમે લોહી વહી રહ્યું હતું.એક હાથ બાજુની પાંખના ઘા ને તેના જ સ્વજનો તેની આજુબાજુ ઘેરાઈને વધુ ખોતરી રહ્યા હતા અને માણસની વેદના વધારી રહ્યા હતા અને બીજી બાજુ બીજા હાથ બાજુની પાંખમાં પડેલા ઘા ને પોતાના સ્વજનો પાણી છાંટી રાહત આપી ઘા પર મલમ લગાડી વેદના ઓછી કરવાની કોશિષ કરી રહ્યા હતા.’ આવું વિચિત્ર સપનું જોઈ માણસ ડરી ગયો. થોડો મૂંઝાઈ ગયો.
તેને આવા સપનાનો કોઈ અર્થ ન સમજાયો.તેણે સવારે ચા પીતાં પીતાં પત્નીને વાત કરી.આખું સપનું કહ્યું અને પોતાની મૂંઝવણ જણાવી.પત્નીએ કહ્યું, “મારા વયોવૃદ્ધ ૯૬ વર્ષનાં દાદીમા અનુભવી છે. ચાલો,તેમને જઈ મળીએ અને સપનાનો અર્થ પૂછીએ.”બંને પતિ પત્ની દાદીમા પાસે જઈ; સપનું કહ્યું અને તેનો અર્થ પૂછ્યો.
દાદીમા શાંતિથી વિચાર કરી બોલ્યાં, “આ સપનું તારી મારી અને દરેક મનુષ્યના જીવનની એક હકીકત સમજાવે છે.સપનામાં માણસને પાંખ હતી તે બતાવે છે કે આ જીવનની ઘટમાળમાં દરેક માણસ એક ઘાયલ પરિંદા જેવો છે જે સતત પોતાની અને પોતાના કુટુંબ માટે દોડતો રહે છે, થાકે છે, છતાં અટકતો નથી અને બંને પાંખના ઘા તેના દુઃખ, પસ્તાવો,હતાશા છે.
જે બાજુ સ્વજનો ઘા ખોતરી રહ્યા છે તે માણસની એવી આશાઓનાં પ્રતીક છે જે તે રાખે છે અને તે આશા અભિલાષા પૂરી થતી નથી અને માણસને દુઃખ અને પીડા આપે છે અને બીજી બાજુના હાથ તરફ જ્યાં સ્વજનો ઘા ને દવા લગાવી પીડા દૂર કરી ફરી ઊડવાનું જોમ પૂરું પાડી રહ્યા છે તે પણ એવી આશા અને અભિલાષાના પ્રતીક છે જે માણસને નવા જોમથી આગળ વધવાની અને ઊડવાની પ્રેરણા આપે છે.”દાદીમાએ સમજાવ્યું કે માણસ ઘાયલ પણ પોતાની આશા અને ઈચ્છાઓને લીધે થાય છે અને જીવંત પણ નવી આશા અને ઇચ્છાઓથી જ રહે છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.