દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તાની વચ્ચે કેટલાક યુવાને એક વૃદ્ધ વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ બનાવ દક્ષિણપૂર્વ દિલ્હીના અલીગાંવ વિસ્તારનો છે. તા. 24 ઑક્ટોબરના રોજ રઘુરાજ સિંહ નામના એક વૃદ્ધ વ્યક્તિ પર મોહિત નામના યુવક દ્વારા લાકડીઓ અને સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે વૃદ્ધ વ્યક્તિને બચવાનો પણ સમય મળ્યો નહોતો. રસ્તાની વચ્ચે આ હુમલાનો વીડિયો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો અને ત્યારબાદ તે ઇન્ટરનેટ પર વાયરલ થયો.
રઘુરાજ ઓફિસ જતો હતો ત્યારે થયો હુમલો
પોલીસના જણાવ્યા મુજબ રઘુરાજ સિંહ પોતાના ઘરેથી ઓફિસ જવા નીકળ્યો હતો ત્યારે મોહિત તેના રસ્તામાં આવ્યા. પહેલા તો તેમણે રઘુરાજની કારના કાચ તોડી નાખ્યા. ત્યારબાદ તેને કારમાંથી બહાર ખેંચી કાઢ્યો અને લાકડીઓ તથા સળિયાથી નિર્દયતાથી માર માર્યો.
બંને પગમાં ફ્રેક્ચર, હાલ હોસ્પિટલમાં સારવાર
હુમલામાં રઘુરાજને ગંભીર ઈજાઓ થઈ છે અને તેના બંને પગમાં ફ્રેક્ચર થયું છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરિવારજનોએ આ હુમલાને સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ ગણાવ્યો છે.
જમીન વિવાદમાંથી ઉપજ્યો ઝઘડો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોહિતે બે વર્ષ પહેલાં અલીગાંવમાં એક પ્લોટ ખરીદ્યો હતો અને તેમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. પરંતુ થોડા સમય પછી ડીડીએ (દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી) એ તે પ્લોટ તોડી પાડ્યો હતો. મોહિતને શંકા હતી કે આ કાર્યવાહી પાછળ રઘુરાજનો હાથ છે અને તે ડીડીએમાં ફરિયાદ કરી હતી. આ શંકાના આધારે મોહિતે ગુસ્સામાં આવીને રઘુરાજ પર હુમલો કર્યો હતો.
આ સમગ્ર મામલે સરિતા વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. પોલીસે મોહિત અને તેના સાથીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ વાયરલ થયેલા વીડિયોની પણ તપાસ ચાલી રહી છે. જેથી અન્ય આરોપીઓની ઓળખ કરી શકાય.
આ ઘટના પછી વિસ્તારના લોકોમાં ભયનું માહોલ છે અને પરિવારજનોએ આરોપીઓને ઝડપથી પકડીને કડક સજા કરવાની માંગ કરી છે.