સુરતઃ હીરા કંપનીમાં અગાઉ કામ કરતી યુવતીએ સહકર્મચારીને મળવાના બહાને ફ્લેટમાં લઇ જઇ હનીટ્રેપમાં ફસાવી રૂ.20 લાખની માંગણી કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સ્વાંગમાં આવેલા ગઠીયાઓ પૈસા લેવા કિરણ હોસ્પિટલ પાસે ગયા પણ પૈસા ન મળતા મારીને નાસી ગયા હતા.
- યુવક સહકર્મી યુવતી સાથે ફ્લેટમાં ગયો ને પોલીસ ત્રાટકી
- પોલીસના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ હાથકડી પહેરાવી બળાત્કારનો ગુનો નોંધવાની ધમકી આપી
- યુવક પાસેથી 20 લાખની ખંડણી માંગી, જો કે 5 લાખ પણ નહીં અપાતા મારીને ભાગી છૂટ્યા
પોલીસ પાસે મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં રહેતો 45 વર્ષીય યુવકે કતારગામ પોલીસમાં અસ્મિતા ભરડવા, સુમિત મશરૂ, અલ્પેશ પટેલ, રાજુભાઈ અને અમિત મશરૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અસ્મિતાબેન બાબુભાઈ ભરડવા, જેઓ અગાઉ યુવક સાથે કંપનીમાં કામ કરતી હતી. ગત 9મીના રોજ યુવક સંબંધીને ફોન લગાવતા ત્યારે અસ્મિતા ભરડવાને કોલ લાગ્યો હતો. જે બાદ બન્ને વચ્ચે કોલ અને વોટ્સપ પર વાતચીત શરૂ થઈ હતી. જે બાદ16 જુલાઈ 2025ના રોજ, અસ્મિતાએ મળવા માટે મોકલેલા લોકેશન પર યુવક કતારગામ ખાતેની લીમ્બાચીયા ફળિયા નજીક ગયો હતો. ત્યાંથી અસ્મિતા નજીકના સ્વસ્તિક ફ્લેટ્સ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના એક ફ્લેટમાં લઈ ગઈ હતી, જ્યાં બે મહિલાઓ અગાઉથી હાજર હતી.
ફ્લેટના રૂમમાં બેસીને વાતચીત દરમિયાન, અસ્મિતાએ અયોગ્ય વર્તન કરવાનું શરૂ કર્યું, અને તે જ સમયે ત્રણ અજાણ્યા શખ્સ રૂમમાં પ્રવેશ્યા હતા. પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપનાર સુમિતભાઈ મશરૂ, અલ્પેશ પટેલ અને રાજુભાઈએ યુવક અને અસ્મિતાબેનનો વીડિયો અને ફોટા લેવાનું શરૂ કર્યું હતું.
બાદમાં યુવકને હાથકડી પહેરાવી બળાત્કારનો કેસ નોંધવાની ધમકી આપી રૂ.20 લાખની માંગણી કરી હતી, જે બાદમાં રૂ.5 લાખ નક્કી કર્યા હતા. ડરના માર્યા યુવકે તેના મિત્રને ફોન કરીને પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, પરંતુ મિત્ર રૂ.5 લાખની વ્યવસ્થા કરી શક્યા ન હતા. નકલી પોલીસે યુવક સાથે ગાળા ગાળી કરી અને બે મુક્કા માર્યા અને કિરણ હોસ્પિટલ પાસે છોડી ફરાર થઈ ગયા હતા.
યુવકે સમાજમાં બદનામીના ડરથી શરૂઆતમાં ફરિયાદ નહોતી કરી, પરંતુ પરિવારના સભ્યોની હિંમત અને આ શખ્સો નકલી પોલીસ હોવાની ખાતરી થતાં તેમણે પોલીસનું શરણું લીધું હતું. કતારગામ પોલીસે 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો. હાલ મળતી માહિતી મુજબ SOG પોલીસે આરોપીને પકડી પાડ્યા છે.