SURAT

સુરતની ચોંકાવનારી ઘટના: યુવકે મિત્રતા કરી વોચમેનને બોલાવી ફ્લેટ બહારથી બંધ કરી દીધો પછી…

સુરતઃ મહિધરપુરા ખાતે રહેતા અને વોચમેનની નોકરી કરતા યુવક સાથે 6 મહિના પહેલા અજાણ્યાએ બાઈકમાંથી પેટ્રોલ આપી મિત્રતા કેળવી હતી. બાદમાં ત્રણેક દિવસ પહેલા તેને મળવા બોલાવી ઉધના ખાતે એપાર્ટમેન્ટમાં લઈ જઈ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં ત્યાં પોલીસ હોવાની ઓળખ આપી ચારેક જણાએ રેઈડ કરી તેની પાસે 5 લાખની માંગણી કરી હતી. અંતે 50 હજાર વોચમેનના મિત્ર પાસે મંગાવ્યા હતા. અને તેની પત્નીના કાર્ડમાંથી પણ પૈસા ઉપાડી લીધા હતા. વોચમેને ઉધના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

  • પોલીસ તરીકેની ઓળખ આપી ઘુસેલા ચાર જણાએ વોચમેન પાસે 50 હજાર પડાવ્યા
  • ઉધનામાં વોચમેનના મોપડનું પેટ્રોલ પુરૂ થતા 6 મહિના પહેલા મદદ કરનાર જીતુએ તેને મળવા બોલાવ્યો હતો
  • પોલીસના સિમ્બોલનું ખાખી માસ્ક અને બે જણા પાસે હાથકડી પણ હતી, પોલીસથી બચવા 5 લાખની માંગણી કરી
  • વોચમેનન સાથે મિત્રતા કરી ફ્લેટમાં બોલાવી બહારથી બંધ કરી દીધો

મહિધરપુરા ખાતે સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાશીનાથ ભીમન્ના મડગુ વોચમેનની નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તે મુળ તેલંગણાના વતની છે. 6 મહિના પહેલા સવારે તે પત્ની સાથે મોપેડ ઉપર પલસાણા શેઠના ફાર્મ હાઉસમાં સફાઈ કરવા ગયા હતા. બપોરે ત્યાંથી આવતી વખતે ઉધના મેઈન રોડ પાસે મોપેડનું પેટ્રોલ પુરૂ થઈ જતા ધક્કો મારીને આવતો હતો. ત્યારે બાઈક ઉપર ત્યાંથી પસાર થઈ રહેલા અજાણ્યાએ તેની બાઈકમાંથી પેટ્રોલ કાઢીને આપી મદદ કરી હતી. તેને પોતાનું નામ જીતુ હોવાનું કહીને કાશીનાથનું નામ, સરનામું અને મોબાઈલ નંબર મેળવ્યો હતો. બાદમાં જીતુ અવારનવાર કાશીનાથને ફોન કરતો હતો.

દશેક દિવસ પહેલા જીતુએ ફોન કરીને કાશીનાથને મળવા બોલાવતા કાશીનાથે ના પાડી દીધી હતી. દરમિયાન બે દિવસ પહેલા 6 તારીખે બપોરે ફોન કરીને જીતુએ મળવા બોલાવ્યો હતો. બપોરે બીઆરસી મંદિરની સામે આવીને કાશીનાથે ફોન કરતા જીતુ ત્યાં આવ્યો હતો. અને પોતે ત્યાં સામે આવેલી શિવશક્તિ એપાર્ટમેન્ટમાં આઠમા માળે રહેતો હોવાનું કહ્યું હતું. અને તેને ઘરે આવવા કહ્યું તો કાશીનાથે ના પાડી હતી. પરંતુ આગ્રહ કરીને ફ્લેટમાં લઈ ગયો હતો. અને કાશીનાથને અંદરના રૂમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી લીધો હતો.

અંદર એક છોકરી આવતા કાશીનાથે તેનો મિત્ર જીતુ બહારથી દરવાજો બંધ કરી ગયાનું કહેતો હતો. ત્યારે જ ચારેક અજાણ્યા અંદર આવ્યા હતા. અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. બે જણાએ કમરના ભાગે હાથકડી લટકાવી હતી. પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેમને કાશીનાથને બળજબરી કપડા કઢાવી મારમારી બેડ ઉપર સુવડાવી આ છોકરીની સાથે નગ્ન ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા. પછી જો પોલીસથી છુટવું હોય તો 5 લાખ માંગ્યા હતા. કાશીનાથે આટલા રૂપિયા ન હોવાનું કહેતા છેલ્લે બે લાખ તો આપવા જ પડશે તેમ કહીને માર માર્યો હતો. કાશીનાથે 50 હજાર આપવાનું કહ્યું હતું. બાદમાં એક વ્યક્તિને મોકલી પૈસા મેળવી લીધા હતા. કાશીનાથે આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

મેડિકલ ઇમરજન્સી હોવાનું કહીને પૈસા મંગાવ્યા
કાશીનાથે તેના મિત્ર પ્રવીણને ફોન કરીને મેડિકલ ઇમરજન્સી હોવાથી અરજન્ટ 50 હજારની માંગણી કરી હતી. કાશીનાથે એપ્પલ હોસ્પિટલની બહાર બોલાવતા એકાદ કલાકમાં પ્રવિણે એપ્પલ હોસ્પિટલ પાસે આવી ગયો હતો. ત્યાં આ ટોળકીનો સાગરીત ઉભો હતો. કાશીનાથે ફોન પર વાત કરી આ પેસા તે અજાણ્યાને આપવા કહ્યું હતું. અને તે પૈસા લઈને નીકળી હયો હતો.

પત્નીના ક્રેડિટકાર્ડમાંથી પણ 18999 રૂપિયા ઉપાડી લીધા
બાદમાં ફ્લેટમાં ઉભેલા આ અજાણ્યાએ કાશીનાથના પર્સમાંથી તેની પત્નીનું બેંકનું ક્રેડિટકાર્ડ કાઢી લીધું હતું. અને તેનો પાસવર્ડ પુછીને લઈને ત્યાંથી જતો રહ્યો હતો. અને નીચે કોઈ એટીએમમાંથી 18999 રૂપયા ઉપાડી લીધા હતા. બાદમાં જો કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Most Popular

To Top