રાજકારણ અને ખૂબસૂરત લલનાઓ વચ્ચેનો નાતો પ્રાચીન કાળથી જાણીતો છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઝેર પાઈને તૈયાર કરવામાં આવતી વિષ કન્યાઓની વાત આવે છે, જેમનો ઉપયોગ રાજાની હત્યા કરવા માટે કરવામાં આવતો હતો. રાજકારણીઓ માટે કહેવામાં આવે છે કે તેઓ લંગોટના ઢીલા હોય છે. કોઈ ખૂબસૂરત કન્યાને જોઈને તેમનાં મોંઢામાંથી લાળ ટપકવા લાગે છે. રાજકારણીઓની નબળાઈનો ઉપયોગ જાસૂસી માટે પણ કરવામાં આવે છે.
કોંગ્રેસના એક નેતા કેન્દ્રમાં પ્રધાન હતા ત્યારે પાકિસ્તાનની મહિલા પત્રકારનો ઉપયોગ તેમની જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. આવો જ વિવાદ હાલમાં કર્ણાટકમાં ચાલી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં જ્યારે સહકાર મંત્રી કે. એન. રાજન્નાએ કહ્યું કે રાજ્યમાં ૪૮ રાજકારણીઓ હની ટ્રેપમાં ફસાયા છે ત્યારે ખળભળાટ મચી ગયો હતો. આ પછી કર્ણાટકના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે કેટલાંક લોકો પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે હની ટ્રેપનો ઉપયોગ કરી રહ્યા છે. કર્ણાટકના રાજકારણમાં હની ટ્રેપનો મુદ્દો નવો નથી. સરકાર હવે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની વાત કરી રહી છે.
કર્ણાટકમાં હની ટ્રેપની આ પહેલી ઘટના નથી. હની ટ્રેપ એક પ્રકારની જાસૂસી તકનીક છે. આમાં કોઈ પુરુષ કે સ્ત્રીનો ઉપયોગ કોઈને આકર્ષવા અને તેનો વિશ્વાસ મેળવવા માટે થાય છે. સામાન્ય રીતે તેનો હેતુ માહિતી મેળવવાનો, છબી ખરાબ કરવાનો અથવા વ્યક્તિને ચોક્કસ કાર્ય કરવા માટે પ્રેરિત કરવાનો હોય છે. દુનિયાભરમાં હની ટ્રેપના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
સહકાર મંત્રી કે.એન. રાજન્નાએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૪૮ લોકો હની ટ્રેપનો ભોગ બન્યા છે અને તેમના અશ્લીલ વીડિયો પ્રસારિત થયા છે, જ્યારે રાજ્યના જાહેર બાંધકામ મંત્રી સતીશ જરકીહોલીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યના એક વરિષ્ઠ મંત્રીને હની ટ્રેપમાં ફસાવવાના બે નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકો કહે છે કે કર્ણાટકમાં એક ફેક્ટરી છે જે સીડી અને પેન ડ્રાઇવ બનાવે છે. મને ખબર પડી છે કે રાજ્યમાં ૪૮ લોકોની સીડી અને પેન ડ્રાઇવ હાજર છે. આ નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ પણ તેની જાળમાં ફસાયેલા છે.
તુમકુરુ જિલ્લામાં બે મહિલાઓની ભાજપના નેતાને હની ટ્રેપમાં ફસાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ભાજપના નેતા અન્નપ્પા સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એક મહિલાએ ફેસબુક પર તેમની સાથે મિત્રતા કરી અને બાદમાં તેમના અંતરંગ વીડિયો દ્વારા તેમને બ્લેકમેલ કર્યા. કર્ણાટકના જાહેર બાંધકામ મંત્રી સતીશ જરકીહોલીએ ખુલાસો કર્યો કે રાજ્યના એક વરિષ્ઠ મંત્રીને હની ટ્રેપમાં ફસાવવાના બે પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
કર્ણાટકમાં હની ટ્રેપની ઘટના પ્રકાશમાં આવી હોય તેવી આ પહેલી ઘટના નથી. કેટલાક લોકો તેનો ઉપયોગ રાજકીય લાભ માટે કરે છે. પીડિત મંત્રીને ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી પોલીસ આ મામલાની યોગ્ય રીતે તપાસ કરી શકે. સતીશ જરકીહોલીએ કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના ગણાતા કે.એન. રાજન્નાને હની ટ્રેપમાં ફસાવવાની બે વાર કોશિષ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા આ મામલાની તપાસનો આદેશ આપવામાં આવશે.
છેલ્લાં ૨૦ વર્ષમાં ૪૮ ધારાસભ્યોને હની ટ્રેપ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. કર્ણાટકના મંત્રી કેન રાજન્નાએ ગુરુવારે વિધાનસભામાં કહ્યું કે એવી ચર્ચા છે કે ટુમકુરુના એક મંત્રી હની ટ્રેપનો ભોગ બન્યા છે. ટુમકુરુથી અમારામાંથી ફક્ત બે જ છીએ, એક હું અને બીજા ગૃહમંત્રી. આ કોઈ નવી ચર્ચા નથી. એવા ૪૮ સભ્યો છે જે આનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે. તેમાંથી ઘણાએ હાઈકોર્ટમાંથી સ્ટે પણ લીધો છે. બંને બાજુ આવા લોકો છે અને હવે મારું નામ પણ લેવામાં આવી રહ્યું છે. હું ગૃહમંત્રીને અપીલ કરું છું કે તેઓ આ મામલાની સંપૂર્ણ તપાસ કરે. ઓછામાં ઓછું આપણને ખબર હોવી જોઈએ કે તેનો દિગ્દર્શક કોણ છે અને અભિનેતા કોણ છે.
ભાજપના નેતા મુનિરત્નનો આરોપ છે કે શિવકુમાર અને તેમના ભાઈ ડી.કે. સુરેશે અગાઉ ભાજપના ધારાસભ્ય રમેશ જરકીહોલીને પણ હની ટ્રેપમાં ફસાવ્યા હતા, જેના કારણે તેમને ૨૦૨૧ માં જળ સંસાધન મંત્રી પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત જેડી (એસ)ના ધારાસભ્ય એચ.ડી. રેવન્ના, તેમના પુત્ર અને એમએલસી સૂરજ રેવન્ના અને હવે સહકાર મંત્રી કે.એન. રાજન્ના પર પણ આવી જ રીતે નિશાન બનાવવામાં આવ્યું હતું. મુનિરત્નએ દાવો કર્યો હતો કે તેમની સામે ખોટો બળાત્કારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેની પાછળ પણ શિવકુમારનો હાથ છે.
શિવકુમાર રાત્રે બે વાગ્યે મીટિંગ કરે છે અને હની ટ્રેપની ટીમો મોકલે છે. રમેશ જરકીહોલી ફસાયા ત્યારે મને તેની જાણ થઈ હતી. ૨૦૧૯ માં ભાજપમાં જોડાયા પછી મારી સામે પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હું સતર્ક હતો, તેથી હવે મારી સામે ખોટો બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ બધું શિવકુમારની નારાજગીનું પરિણામ છે કારણ કે, ભાજપના ઉમેદવાર ડૉ. સી.એન. મંજુનાથે લોકસભા ચૂંટણીમાં તેમના ભાઈ સુરેશને હરાવ્યા હતા. ભાજપના કહેવા મુજબ ડી.કે. શિવકુમાર હની ટ્રેપના કાવતરાંના મુખ્ય સૂત્રધાર છે.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે હની ટ્રેપના આરોપો પર તાત્કાલિક પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ અગાઉ કહ્યું હતું કે આવા કેસોની તપાસ પોલીસ ફરિયાદ દાખલ કરીને થવી જોઈએ. બીજી તરફ ભાજપના ધારાસભ્યો વી. સુનિલ કુમાર અને બસનાગૌડા પાટિલ યત્નાલે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને દાવો કર્યો કે રાજકીય હરીફોને ખતમ કરવા માટે બ્લેકમેઇલિંગનો આશરો લેવામાં આવી રહ્યો છે. વી. સુનિલ કુમારે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જે લોકો પોતાના વિરોધીઓને હરાવી શકતા નથી, તેઓ પોતાના રાજકીય લક્ષ્યો હાંસલ કરવા માટે બ્લેકમેઇલિંગનો આશરો લઈ રહ્યા છે.
આ વિવાદ કર્ણાટકના રાજકારણમાં એક નવું તોફાન સર્જી શકે છે. અત્યાર સુધી આ કેસમાં કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી, પરંતુ આરોપો અને પ્રતિઆરોપોનો દોર ચાલુ છે. તપાસના પરિણામો જ આ નાટકનું સત્ય બહાર લાવી શકે છે. હની ટ્રેપ આરોપો પર કર્ણાટકના મંત્રી કે.એન. રાજન્નાના પુત્ર અને એમએલસી રાજેન્દ્ર રાજન્નાએ કહ્યું હતું કે છેલ્લા ૬ મહિનાથી મારી અને મારા પિતા સાથે આ ચાલી રહ્યું છે. અમને લાગ્યું કે તે એક સામાન્ય ફોન કોલ અથવા વિડીયો કોલ હશે, પરંતુ દિવસેને દિવસે, વધુ કોલ આવી રહ્યા છે. મેં વિધાનસભામાં વાત કરી છે અને રાજ્યના ગૃહમંત્રીને તપાસ કરવા વિનંતી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી અને તેમના પુત્ર દ્વારા લગાવવામાં આવેલા હની ટ્રેપના આરોપો વિશ્વસનીય લાગે છે, પરંતુ સત્ર દરમિયાન રાજન્નાએ આ મુદ્દાને પ્રકાશમાં લાવવાનો જે સમય લીધો તે શંકાઓ ઊભી કરે છે. ઘણા લોકો માને છે કે રાજ્યમાં શાસક પક્ષમાં બધું બરાબર નથી. આ ઘટનાક્રમે ચાલુ સત્તા સંઘર્ષની શંકાઓને વધુ મજબૂત બનાવી છે. રાજન્ના કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કટ્ટર સમર્થક તરીકે જાણીતા છે. તાજેતરમાં તેમને એમ.યુ.ડી.એ. કેસમાં ભ્રષ્ટાચારના આરોપોનો પણ સામનો કરવો પડ્યો હતો. બીજી રસપ્રદ વાત એ છે કે, રાજન્ના સત્રમાં બોલે તે પહેલાં જસિદ્ધારમૈયાના સમર્થક અને પ્રભાવશાળી મંત્રી સતીશ જરકીહોલીએ હની ટ્રેપ કેસ વિશે વાત કરી હતી અને રાજન્ના ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, પાછલી ભાજપ સરકાર દરમિયાન સતીશ જરકીહોલીના ભાઈ રમેશ જરકીહોલી, જે તે સમયે મંત્રી હતા, તેમણે પણ હની ટ્રેપ અને જાતીય શોષણના આરોપો બાદ રાજીનામું આપ્યું હતું.
ગૃહમાં પણ રાજન્નાએ સ્વેચ્છાએ આ મુદ્દો ઉઠાવ્યો ન હતો. બજેટ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ભાજપના ધારાસભ્ય યતનાલે તેમનાં ભાષણના અંતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. હાલમાં કર્ણાટકમાં બળવાખોર ધારાસભ્ય યતનાલને ઘણીવાર રમેશ જરકીહોલીનો ટેકો મળે છે. છેલ્લા દાયકામાં કર્ણાટકનું રાજકારણ ભ્રષ્ટાચારના આરોપો, સેક્સ કૌભાંડો, ઓપરેશન કમલા, ઓપરેશન હસ્તા અને બીજા ઘણા કેસોથી ઘેરાયેલું રહ્યું છે. જો કે, રાજકીય લાભ માટે હની ટ્રેપિંગ એક નવીન નીચી સપાટી દર્શાવે છે. કર્ણાટકના લોકો આનો અંત લાવવા માટે માગણી કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
