Charchapatra

એક મુસ્લીમ પરિવારની ઈમાનદારી

આજે દેશમાં એવો માહોલ છે કે મુસ્લીમો હિંદુઓને શંકાથી જુવે છે અને હિંદુઓ મુસ્લીમોને દેશદ્રોહી ગદ્દારના રૂપે શંકાથી જુવે છે. એક કોમને બીજી કોમ સાથે લડાવવામાં રાજકારણનો મોટો હાથ છે. પરંતુ બધા મુસ્લીમો ખરાબ નથી અને બધા હિંદુઓ સારા નથી! મારી નાનકડી દૂકાને એક મુસ્લીમ RTO એજન્ટ નિયમીત આવે ઉમલ લગભગ 75ની આજુબાજુ લગભગ 10 વર્ષથી મારો એમની સાથે પરીચય. મારા પરિવારના તેમજ અન્યોના RTO ને લગતા કામ હું એમને જ સોંપુ. ખુબ ઈમાનદારી પૂર્વક તેઓ બધા કામ કરી આપતા.

કોરોના કાળ પહેલા તેઓને એટેક આવ્યો બાઈપાસ સર્જરી થઈ. ચાર છ દિવસ પછી ઘરે લાવ્યા પરંતુ ફરી સ્ટ્રોક આવ્યો ને બચી ન શક્યા. તેઓ જન્નત નશીન થયા તે સમયે મેં એમને જુદા જુદા RTO કામ માટે સાતેક હજાર રૂપિયા આપેલા અને એ કામો બાકી હતા. મારા જેવા ઘણા લોકોના રૂપિયા એમની પાસે જમા હતા. તેઓ ગુજરી જતા અમે ચિંતામાં પડ્યા કે હવે બધાના રૂપિાય ગયા. પરંતુ એમની ધંધાની ડાયરીમાં અમારા નામોની નોંધ હતી તે એમના પુત્રોના હાથે ચડી એમણે નામ નંબર ચેક કર્યા. મરહુમનો જનાજો કાઢતાં પહેલાં જેમના રૂપિયા ડાયરીમા લેખેલે તેમને રૂબરુ મળવા ગયા અને વાલીદને (પપ્પાને) કામ માટે કેટલા રૂપિયા આપે તે પુછી ચેક કર્યા અને તુરંત રોકડા કાઢી રૂપિયા પરત કરી ડાયરીમાં જમા કરાવ્યા જેની નાની રકમો હતી .

એમણે તો લેવાનો ઈન્કાર કર્યો પરંતુ મરહુમના પુત્રોએ સાથે મળી તમામના રૂપિયા ચુકવ્યા અને કહ્યું અમે મરનારનું ઋણ (દેવું) ન ચુકવીએ તો અલ્લાતાલા એને જન્નતમા જગ્યા ન આપે! એમણે તમામ લેણદારોનું દેવું ચુકવ્યું પછી જ જનાજો ઘરમાંથી કાઢ્યો! સલામ છે આવી ઉચ્ચ ભાવના અને આદર્શોવાળા એ મુસ્લીમ પરિવારને. આની સામે હિંદુ, જૈન, સિંધી યા અન્ય વેપારીઓના હીરા બજારના કાપડ મારકેટના ત્થા અન્ય વેપાર ધંધાના ઉઠમણાંના રોજીંદા બનાવો યાદ કરો તમે રૂપિયા માટે શું શું ધંધા કરો છો? કેવા કેવા છલ-કપટ દગા ફટકા તમારા ભાઈ-ભાંડુ-મિત્રો – સ્નેહીઓ સાથે કરો છો એ વિચારી જજો અને બધા મુસ્લીમો ખરાબ નથી એ યાદ રાખી જીવજો. આ કે તે ધર્મનો છે તેના આધારે નહીં, માનવીય દૃષ્ટિથી જ સહુને મૂલવો. કોઈ અમુક ધર્મનો હોય એટલે ખરાબ અને અમુક ધર્મનો હોય એટલે સારો એવું નથી હોતું.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હોમગાર્ડ ના જવાનો
શહેરમાં વાર તહેવાર કે કોઇપણ રાજકીય પ્રંસગો વખતે આપણા પોલીસ વિભાગના જવાનો જે મુજબ વ્યવસ્થામાં પોતાની ફરજ બજાવતા હોય છે તેવી જ રીતે આપણા હોમગાર્ડ ના જવાનો પણ ફરજ બજાવે છે.ગણપતિ હોય કે નવરાત્રિ, રથયાત્રા હોય કે જુલુસ તમામ તહેવાર મા પોતાના પરિવારના સભ્યોથી દુર રહી આપણા તહેવાર સુખ શાંતિમાં અને આનંદ તેમજ હર્ષોલ્લાસથી ઉજવાય તેની સંપુર્ણ કાળજી હોમગાર્ડ ના જવાનો રાખે છે. શહેરમાં વિવિધ ટ્રાફિક જંકશન પર પણ તેઓ ખડેપગે પોતાની ફરજ બજાવતા નજરે પડે છે.સામાન્ય લોકો ને હાલાકી ન પડે તે માટે આ જવાનો હંમેશા કાર્યરત રહે છે. પરંતુ ઘણીવાર અેવા કિસ્સાઓ ધ્યાન પર આવતા હોય છે કે આ હોમગાર્ડ ના જવાનોની અવગણના થતી હોય. કેટલીક વાર અમુક લોકો દ્વારા હોમગાર્ડ ના જવાનોનું અપમાન કે તેમની સાથે અશોભનીય વર્તન થતું હોય છે. આ બાબતમાં સરકાર દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આપણા પોલીસ ના જવાનો જેટલી જ મહેનત હોમગાર્ડ ના જવાનો પણ કરે તો એમને યોગ્ય વેતન, ભથ્થા અને માન સન્માન મળે તે જોવાની આપણા સૌની જવાબદારી છે. હોમગાર્ડ ના જવાનો ને સલામ.
સુરત     – કિશોર પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top