હું એક તબીબ છું, અમલસાડ ખાતે ૧૯૭૬થી ખાનગી દવાખાનું ચલાવતો હતો. ૧૫ વર્ષ બાદ ૧૯૯૪માં મેં અમારા સાથીઓ જોડે ખારેલ ગામે એક ગ્રામ સેવા ટ્રસ્ટ નામની ચેરીટેબલ સંસ્થા સ્થાપી એક હોસ્પિટલ ચલાવીએ છીએ. અમારી હોસ્પિટલમાં હમણા ૧૫-૨૦ દિવસ પર એક કાકા અમલસાડની બાજુમાં ભેંસલા ગામના, જે મારા દર્દી હતા અને મને મળવા ખારેલ આવ્યા. અગાઉ એક બે વખત મને મળવા આવ્યા હતા, પરંતુ હું બહાર હોવાથી મળી શક્યો ન હતો. મેં એમને મારી ઓફિસમાં બોલાવ્યા. કાકાની ઉંમર ૮૬ વર્ષની હતી, એમણે એક પોસ્ટકાર્ડ બતાવ્યો જેમાં મારા નામ વાળું રબર સ્ટેમ્પથી લખેલ લખાણ હતું.
જેમાં ‘આપના ખાતામાં હિસાબ ૧૯૮/- રૂ.બાકી નીકળે છે. જે આપવા મહેરબાની કરશોજી. પોસ્ટકાર્ડ પર ૧૯૯૧ની સાલનો સિક્કો હતો. કાકા પોતે વધુ વયના હોવાથી એક કેરટેકરની સાથે આવ્યા હતા. એમનું મૂળ ગામ ખારેલથી આશરે ૨૦ થી ૨૫ કિ.મી દૂર હતું. મેં તો ’૯૧ થી દવાખાનાની ઉઘરાણીના બુક્સ કાઢી નાંખ્યા હતા, ભૂલી પણ ગયો હતો. કાકાને ઘરનો જૂનો કચરો સાફ કરતા આ પત્ર મળ્યો હતો. આ મારી બાકી લેણા આપવા છેલ્લા પાંચ મહિનાથી પ્રયાસ કરતા હતા. એમની આપવાની પ્રમાણિકતા જોતા હું દંગ રહી ગયો. કાકાને વંદન કરી આ પૈસા અમારી દાન પેટીમાં નંખાવી દીધા. આવી “પ્રમાણિકતા” જોવા મને ખૂબ આંનદ થયો.
ખારેલ – ડો.અશ્વિન શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રોફેશનલ મેરેજબ્યુરો (કમીશન એજન્ટ)
લાકડે માંકડ ભટકાડવાની અનઓફિશ્યલ, અન રજીસ્ટર્ડ સંસ્થા, એમ.પી.અને યુપીથી ભાગેડુ દુલ્હન (ભાડુતી) નો વ્યાપાર. ફુંવારો, ડાયવોર્સી, વધતી ઉંમર,ને લાભ (ગેરલાભ) ઉડાવનાર કમીશન એજન્ટ. ભાડુતી દુલ્હન ઝવેરાત, ઘરેણા રોકડ લઈ છુમંતર થનારને પોલીસ ફરિયાદથી કાંઈ વળતુ નથી. સાથે છછુંદર ગળ્યા જેવો ઘાટ થાય છે, ન કહેવાય ન સહેવાય.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
