Comments

પ્રામાણિક ઈરાદા આવકારદાયક છે પણ જાહેર જીવનમાં તેની અમલવારી પણ દેખાવી જોઈએ

માનનીય નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર તેના શાસનનાં અગિયાર વરસ પૂરાં કરી ચૂકી છે અને ગુજરાતમાં ભાજપ સરકાર છેલ્લ્લાં ત્રીસ વરસથી છે. વર્તમાન ભાજપ સરકાર અને ખાસ તો વડપ્રધાનશ્રીની સહુથી મોટી સિદ્ધિ હોય તો એ છે કે તેમનાં પગલાંઓ માટે તેમની નીતિઓ માટે અસંમત લોકો પણ તેમના ઈરાદા માટે શંકા નથી કરતા અને તે જે કંઈ કરે છે તે સ્વાર્થ વગર કરે છે તેવું મને લાગે છે પણ જ્યારે લોકો તમારામાં ખૂબ વિશ્વાસ મૂકે અને તમારા આધારે સપનાં જુવે ત્યારે તમારી જવાબદારી ખૂબ વધી જાય છે અને એક સમય પછી માત્ર પ્રામાણિક ઈરાદા કામ નથી લાગતા. પ્રામાણિક અમલ પણ જોઈએ.

જવાબદારી પણ જોઈએ. પ્રત્યેક પગલાં, નવી અમલમાં મૂકેલી વ્યવસ્થાનું સતત મૂલ્યાંકન થવું જોઈએ અને ભૂલ હોય ત્યાં સ્વીકાર થવો જોઈએ. રાજકારણમાં નેતાઓ નિર્ણય કરે છે પણ એની સમગ્ર ઝીણવટભરી તપાસ લાભાલાભ અધિકારીઓ તપાસતા હોય છે અને તેમના માર્ગદર્શન મુજબ નેતાઓ નિર્ણય લેતા હોય છે. માટે જ રાજનીતિમાં સલાહકાર સારા હોવા જોઈએ. પ્રજાએ પણ નેતા માટે માન હોય તો પણ અધિકારીઓ માટે આંધળો પ્રેમ રાખવો જોઈએ નહિ.

ભારતની પ્રજા લાંબા અનુભવ પછી શીખનારી પ્રજા છે. છેલ્લાં વર્ષોમાં આપણને થયેલા અનુભવો યાદ કરો તો માત્ર સરકારના સારા ઈરાદા સિવાય આપણા ભાગે કાંઈ આવ્યું નથી.‘નોટબંધી’ જ લો ને! કાળા નાણાંને નાથવા આતંકવાદને ડામવા કરચોરોને દંડવા નોટબંધી લાગુ થઇ હતી પણ થયું શું? ખેડૂતોને પાક નાંખી દેવો પડ્યો. નાનાં કારખાનામાં કામ બંધ રહ્યાં. શરૂઆતમાં કેશ-લેસ થયા પછી વળી પાછો રોકડ વ્યાપાર વધી ગયો.

આતંકવાદમાં કોઈ ફેર ના પડ્યો. પુલવામાથી દિલ્હી એટેક સુધી અને કાળાનાણાં કે ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો ના થયો તો પેલા લાઈનમાં ઊભા રહ્યાં, રોજગારી ગુમાવી, આવક ગુમાવી, તેનું શું? કાંઈ નહિ? સારા ઈરાદાની કેટલી કિંમત ચૂકવી દેશે! ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સેમેસ્ટર પ્રથાના અને વાહન વ્યવહારમાં બી. આર. ટી. એસ. ના ઈરાદા તો સારા જ હતા પણ તે વ્યવહારમાં નિષ્ફળ ગયા. અમલમાં નબળા પડ્યા અને બંધ કરવામાં પણ સમય લાગે છે તે બતાવે છે કે સારા ઈરાદાની કેટલી કિંમત દેશ ચૂકવે છે.

દેશના સરકારી નાણાંકીય વર્ષને જાન્યુઆરીથી ડિસેમ્બરમાં ગણવાની તૈયારી ચાલી રહી છે. નાણાંકીય વરસ બદલાવાથી દેશને ફાયદો થશે એવું હાલ તો લાગી રહ્યું છે કારણકે જાન્યુઆરીમાં જ નાણાંસાધનોની ફાળવણી થઇ જશે અને ફેબ્રુઆરીથી કામ ચાલુ થઇ જશે. અગાઉ એપ્રિલમાં મજૂરી મળતી. મેમાં કામ ચાલુ થતાં અને જૂનમાં વરસાદ થતાં જ કામ બંધ થઇ જતાં. ખેડૂતોને બિનખેત સમયમાં રોજગારી મળે તે માટે આ બજેટના સમયમાં પરિવર્તન ખૂબ જરૂરી હતું. હવે આ ઈરાદો તો સારો છે પણ તેનો અમલ પણ સારો થવો જોઈએ. કામ થવાં જોઈએ. રોજગારી મળવી જોઈએ. જી.એસ.ટી. માં ઈરાદો તો સારો જ છે કે રાજ્યો વચ્ચે સમાન દરે વેરા લેવાય પણ જો જી.એસ.ટી. નો અમલ બરોબર નહિ થાય તો ભ્રષ્ટાચાર વધશે અને અધિકારીઓની દખલ વધશે. નાનાં રાજ્યોને નુકસાન થશે તથા આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ વધશે. રાજ્યોની વિશિષ્ટતા ખતમ થશે અને લાંબે ગાળે અર્થતંત્રને નુકસાન થશે.

આ સરકારે લીધેલો એક મહત્ત્વનો નિર્ણય ન્યાય ક્ષેત્રે કોલોનિયલ સીસ્ટમ બંધ ન કરવાનો હતો જેમાં અમલમાં વાર થઇ છે પણ જાણકારોનું માનવું છે કે આ ન્યાયતંત્રમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારની દખલ વધારનાર પગલું છે જ્યારે તરફદાર માને છે કે આ જૂની પરમ્પરામાંથી મુક્ત થવાના પ્રયત્ન છે. આ સરકારે આયોજન પંચ બંધ કર્યું અને નીતિ આયોગ ચાલુ કર્યું જે કઈ રીતે કામ કરે છે તે કોઈ સમજાવી શકતું નથી. શિક્ષણમાં યુજીસી દ્વારા નાણાં ફાળવણી બંધ કરી દેવામાં આવી છે. અહીં પણ વિવાદ છે અને નહોર વગરની નાણાં ફાળવતી સંસ્થાને ( યુ. જી. સી. ને ) હવે નિયંત્રણ કરનારી સંસ્થા બનાવી દેવાઈ છે તેવી તરફેણ થાય છે.

આ સરકાર મૂળ જે મુદ્દા સાથે સત્તામાં આવી હતી તેમાંથી રોજગારી-સર્જન નથી થયું.મોંઘવારીમાં ઘટાડો નથી થયો. કાળું નાણું પકડાયું નથી. આતંકવાદ અને પાકિસ્તાનના કાર્યક્રમો ઓછા થયા નથી. ખેડૂતોના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા એક લાખ સુધીનાં દેવાં માફીની જાહેરાત હવે દેશભરમાં મંગની બની ગઈ છે. સરકાર પાસે હવે થોડાંક વ્યવહારુ પગલાં અને રોજબરોજની મુશ્કેલી માટે તંત્રની સુધારણાની અપેક્ષા રખાય છે. થોડો સમય પ્રધાન મંત્રી દેશમાં નાના મુદ્દા પર ધ્યાન આપે અને બેન્કિંગ તંત્ર, શિક્ષણ તંત્ર, ન્યાય અને કાયદાની સમીક્ષા કરે તો તેમના પ્રામાણિક ઈરાદા સાથે અમલ પણ જોવા મળશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top