Editorial

માનનીય શ્રી હર્ષભાઇ, સુરતને ઇવેન્ટ કરે તેવા નહીં સુભાષ ત્રિવેદી અને ગગનદીપ જેવા બાહોશ અધિકારીની જરૂર છે

સુરતને ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. સુરત ગુજરાતનું એક એવું શહેર છે જ્યાં કાશમીરથી લઇને કન્યાકુમારી અને બંગાળથી લઇને રાજસ્થાન સુધીના લોકો રોજી રોટી માટે સ્થાયી થયા છે. જેમાં કામદારોથી લઇને ઉદ્યોગપતિ સુધીનો સમાવેશ થાય છે. એટલે સુરતમાં જે કોઇ ઘટના બને છે તેની ઉપર સમગ્ર દેશની નજર હોય છે અને આજ કારણ છે કે, સુરતને મીની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરત સિવાય રાજ્યની વાત કરીએ તો તેને ભાજપનું મોડેલ સ્ટેટ પણ ગણવામાં આવે છે અને તેના કારણે જ ભાજપ  પહેલો અખતરો ગુજરાત પર કરે છે. દેશના ઇતિહાસમાં અત્યાર સુધી આખેઆખુ મંત્રી મંડળ બદલી નાંખવામાં આવ્યું હોય તેવો કોઇ કિસ્સો નોંધાયો નથી. આગામી વિધાનસભાના ઇલેકશનમાં  ભાજપને ફાયદો થાય તે માટે આ અખતરો કરવામાં આવ્યો છે.

જો કે, આખે આખું મંત્રી મંડળ બદલાઇ ગયું પછી પણ હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી આ ત્રણ મંત્રીઓ જ લોકો વચ્ચે દોડતા જોવા મળી રહ્યાં છે. હર્ષ સંઘવીને નાની ઉંમરે જે ગૃહમંત્રાલય મળ્યું છે તે કોંગ્રેસને નહીં ગમે તે તો સ્વાભાવિક છે પરંતુ ભાજપના જ કેટલાંક લોકોને આ પસંદગી ગમી નથી અને તેઓ જ તેમની વિકાસકૂચની સામે રોડા નાંખવાના પ્રયત્નો કરી રહ્યાં છે. હર્ષ સંઘવીએ ડ્રગ્સ વિરોધી જે અભિયાન ઉપાડ્યું છે તે કાબિલેદાદ છે. યુવા પેઢીને આ દળદળમાંથી બહાર કાઢવાની તેમની ઝુંબેશને સમગ્ર ગુજરાતની પ્રજા આવકારી રહી છે. કોઇ મોટી ઘટના બને કે કોઇ પરિવાર અપરાધનો ભોગ બને તો હર્ષ સંઘવી જાતે જઇને પરિવારને સાંત્વના આપે છે. અત્યાર સુધી ભાજપ કે કોંગ્રેસના કોઇ ગૃહમંત્રીને આવું કરતાં જોવા મળ્યા નથી. તેમની અને સરળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યપદ્ધતિ દર્શાવે છે કે તેઓ સંવેદનશીલ છે. પરંતુ જ્યારે કાયદો અને વ્યવસ્થાની વાત આવે ત્યારે આ સંવેદના ગૌણ થઇ જાય છે.

ખાસ કરીને જ્યાં રાજ્યના જુદા જુદા શહેર અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી હજારો કામદારો સ્થાયી થયા હોય તે સુરત શહેરની વાત કરીએ અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી એ સૌથી મોટો પડકાર છે. થોડા મહિના પહેલાની જ વાત કરીએ તો શહેરમાંથી એક બાળક કે બાળકી ગુમ થઇ જાય તો આખી પોલીસની ટીમ રસ્તા પર ઉતરી આવતી હતી. 300થી 400 જણાંની આ ટીમ જુદા જુદા કેમેરા ચેક કરીને ગણતરીની મિનિટોમાં જ બાળકને શોધીને માતા પિતાને હવાલે કરી દેતા હતાં. તે સમયે એવું લાગતું હતું કે, શહેરમાં બાળકો સલામત છે અને તેમના માટે પોલીસ ખૂબ જ સંવેદનશીલ છે. પરંતુ આ વાત તો જેતે સમયની હતી.

પરંતુ હાલમાં સુરતમાં જે ઘટનાઓ બની રહી છે તે સારી કહેવાય તેવી તો નથી જ. સુરત પોલીસની વાત કરીએ તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કમિશનર કે કલેક્ટરને આવેદન પત્ર આપવા જાય ત્યારે તેઓ મોટા આરોપી હોય તે રીતે તેમને અટકાવવા 70 થી 80 પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને ગુજસીટોકના આરોપી સાજુ કોઠારીને લાજપોર જેલમાંથી લેવા જવાનો હોય ત્યારે માત્ર બે પોલીસ મોકલવામાં આવે. આ કઇ રીતનું ગણિત છે તે સામાન્ય લોકોની સમજમાં આવે તેવું નથી. જેમના નામથી ગુનેગારો રીતસર ફફડે છે અને ગ્રાઉન્ડ લેવલ પર જેમનું બાતમીદારોનું મોટુ નેટવર્ક છે તેવા એએસઆઇ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને સાઇડ ટ્રેક કરી નાંખવામાં આવ્યા છે. બ્રાન્ચીસ અને સર્વેલન્સ સ્ટાફમાં જેમણે કામ કરવું જોઇએ તેવા બાહોશ કર્મચારીઓનો હાલમાં કોઇ અતો પતો નથી.

એક સમય હતો જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં જે.કે.ઝાલા પીઆઇ હતાં ત્યારે પીઆઇની વાત તો દૂર પરંતુ તેમના પીએસઆઇ એસ.જી.પાટીલ, કે.કે.પટેલ, કે.એસ.પટેલ અને અજય ગખ્ખરને સુરતમાં લોકો નામથી ઓળખતા હતાં. હાલમાં ક્રાઇમબ્રાન્ચના પીઆઇ કોણ છે તે પણ કોઇ જાણતું નથી. સુરતની વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશન, બેન્ડ કોમ્પિટિશન સહિતની જુદી જુદી ઇવેન્ટનું આયોજન કરે છે. આવા આયોજન કરવા માટે તો શહેરમાં અનેક સંસ્થાઓ છે. પરંતુ ગુનેગારો ધાક જમાવવાના બદલે પોલીસ આવી ઇવેન્ટ યોજી રહી છે.  જુદી જુદી ગેંગ ગુજસીટોક દાખલ થયા પછી પણ સક્રિય છે. જુદી જુદી ગેંગના આરોપીઓ જેલમાંથી પણ ધમકીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. પોલીસ ઇવેન્ટ યોજે તેમાં ખોટુ કંઇ નથી પરંતુ શહેરીજનો રોજેરોજ થઇ રહેલી હત્યાઓથી ફફડી રહ્યાં છે તેમનો ડર પહેલા પોલીસે દૂર કરવો જોઇએ. એટલે ગૃહમંત્રીને એટલી જ અપીલ છે કે, આ શહેરને સુભાષ ત્રિવેદી, ગગનદીપ ગંભીર, નિર્લિપ્ત રાય કે સમશેરસિંહ જેવા બાહોશ અધિકારી આપે કે જેમના નામ માત્રથી ગુનેગારો ફફડી ઉઠે છે.

Most Popular

To Top