20 ખાસ ટ્રેનો, ડબલ હોલ્ડિંગ એરિયા અને ચુસ્ત સુરક્ષા સાથે તંત્ર સજ્જ
હોળીના પાવન પર્વે વતન જવા આતુર મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને Western Railway ના સુરત અને ઉધના સ્ટેશનો સંપૂર્ણ તૈયારી સાથે મેદાને ઉતર્યા છે. તહેવાર પહેલાં જ ટિકિટ વિન્ડોઝ અને પ્લેટફોર્મ પર મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે રેલવે તંત્રએ સુવિધા અને સલામતી બંનેને પ્રાથમિકતા આપી વ્યાપક આયોજન અમલમાં મૂક્યું છે.
બે દિવસ દરમિયાન કુલ 20 ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જેમાંથી છથી વધુ સ્પેશિયલ અનરિઝર્વડ ટ્રેનો હશે. ઉપરાંત, પાંચ ટ્રેનના તમામ ડબ્બાઓ જનરલ કેટેગરીમાં ફેરવવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ મુસાફરો પોતાના માદરે વતન પહોંચી શકે. મુંબઈ અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યો માટે ખાસ ટ્રેનો આજે અને 1 માર્ચે દોડશે.
ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ને હાઈ-લેવલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અહીં નવા શેડ, પૂરતી લાઈટો અને પંખાની સુવિધા સાથે ગરમી સામે રાહત માટે વોટર કુલર્સ મુકાયા છે. કાયમી હોલ્ડિંગ એરિયાની ક્ષમતા બમણી કરી દેવામાં આવી છે અને વિશાળ કામચલાઉ ટેન્ટ એરિયા તૈયાર કરાયો છે, જ્યાં મુસાફરો આરામ કરી શકે. નવા કાયમી કામચલાઉ શૌચાલયોની પણ વ્યવસ્થા કરાઈ છે.
ભીડ નિયંત્રણ માટે RPF, GRP અને સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. વધારાના કોમર્શિયલ સ્ટાફની નિમણૂક સાથે દર 8 કલાકે ઉચ્ચ અધિકારી મોનિટરિંગ કરશે. રેલવે તંત્રનો વિશ્વાસ છે કે સુવ્યવસ્થિત આયોજનથી તમામ મુસાફરો સુરક્ષિત અને સમયસર વતન પહોંચી શકશે.