સુરત (Surat) જિલ્લના ઓલપાડ (Olpad) ખાતે આવેલ ડભારી (Dabhari Beach) દરિયા કિનારે સાયણ યુનિટના કમાંડર (Sayan Unit Commander) સહિત કેટલાક હોમગાર્ડના જવાનો દરિયા કિનારે પહોંચી ફિલ્મી ગીત પર ઠૂમકા મારી દારૂ પીતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે. આ કર્મચારી પાંચ જેટલી દારૂની બોટલ દારૂ પી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના (Homeguard) જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હતી. હોમગાર્ડના જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવતા નજરે પડી રહ્યા છે. વીડિયો વાયરલ થઈ ગયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ હોમગાર્ડ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા છે તે દિશા માં પણ તપાસ શરુ કરવામાં આવી છે.
આ વીડિયો 26 જાન્યુઆરી (26 january) નો હોવાનું કહેવાય છે. વીડિયોમાં 6 થી 7 યુવકો દારૂની પાર્ટી (liquor party) માણતા દેખાઈ રહ્યાં છે. યુવકો બીચ પર હંગામો કરતા દેખાઈ રહ્યાં છે. પહેલા તો દારૂની બોટલ અને બાઈટિંગ નજરે પડે છે. તો બાદમાં યુવકો માથા પર દારૂની બોટલ મૂકીને નાચવા લાગે છે. ફિલ્મો ગીતો વગાડીને યુવકોએ ઠુમકા માર્યા હતા. દરિયા કિનારે નાચગાન કરી રહેલા આ યુવકો નશામાં ચૂર થયેલા દેખાઈ રહ્યાં છે.
કર્મચારીઓએ એક બે નહિ પણ પાંચ જેટલી દારૂની બોટલ પુરી કરી આ બોટલ દરિયા કિનારે મૂકી હતી. આ મામલે પોલીસ વિભાગમાં પણ ભારે ચર્ચા ઉઠી છે. જાણવા મળ્યા મુજબ આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાઈ કરવા માટે હોમગાર્જના કમાન્ડન્ટને સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છૂપી રીતે ઘૂસાડાતો દારૂ પણ અનેકવાર પકડાય છે. આવામાં ઓલપાડના ડભારી દરિયાકાંઠેથી હોમગાર્ડના જવાનો જ દારૂની મસ્તીમાં ટૂન થઈને બીચ પર પાર્ટી કર્યાનો વીડિયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.
સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. 26મી જાન્યુઆરીના દિવસે એક તરફ દેશમાં અને શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ સાયણ યુનિટના ઇન્ચાર્જ કમન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો આ રીતે પાર્ટી કરી રહ્યા હોવાની ઘટના શરમજનક કહી શકાય.