Gujarat

વાવાઝોડાની ગુજરાતમાં અસર: 13ના મોત, સેંકડો ગામડાઓ સંપર્ક વિહોણા, અનેક લોકો બેઘર, ગામોમાં અંધારપાટ

ગુજરાત અને સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ગઈકાલે ત્રાટકેલા વાવાઝોડાએ (Cyclone) ભારે વિનાશ (Destruction) સર્જ્યો છે. સંખ્યાબંધ વૃક્ષો તેમજ લાઈટના પોલ ધરાશાયી થઇ થઈ ગયા છે. રાજ્યમાં વાવાઝોડાને કારણે ખુબ નુકસાન પણ થયું છે. આ દરમિયાન 13 લોકોના મૃત્યુ પણ થયા છે. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તો વીજ પોલ પણ પડી ગયા છે. પરિણામે જનજીવન ખોરવાઈ ગયું છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતા જણાવ્યું હતું કે 425 કોવિડ હોસ્પિટલમાંથી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં આવેલી છે. જેમાંથી 39 હોસ્પિટલમાં કામ ચાલુ છે. રાજ્યમાં 674 રસ્તાઓ બંધ થયા હતા તેમાંથી 562 શરૂ કરી દેવામાં આવ્યા છે. અન્ય રસ્તા ચાલુ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉમરગામમાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 96 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યભરમાં 5951 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2101 ગામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. 165 સબસ્ટેશનને નુકસાન પહોંચ્યું છે. 950 ટુકડીઓ ઈલેક્ટ્રિસિટી શરૂ થાય તે માટે કામ કરી રહી છે. રાજ્યમાં આવતીકાલ સુધીમાં તમામ લાઈટો શરૂ થઈ જશે. મુખ્યમંત્રીએ આ માહિતી આપી છે. 

સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે ઉના-દિવ વચ્ચે ટકરાયા બાદ પોરબંદથી ભાવનગર સુધી ભારે વિનાશ વેરીને હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જે બોટાદ, ધોલેરા, બરવાળા, રાણપુર થઈને આ વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાં કડી, વિઠ્ઠલાપુર, બેચરાજી – માંડલ તરફ સરકીને પાલનપુર તરફ આગળ વધશે અને પાલનપુરને ક્રોસ કરીને રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. આ વાવાઝોડાના કારણે ૧૧૨૭ જેટલા ગામોને અસર સાથે નુકસાન થવા પામ્યુ હતું. અંદાજે ૧ લાખ જેટલા વૃક્ષો રાજ્યભરમાં તૂટી પડ્યા છે. અમરેલી (Amreli) જિલ્લાના રાજુલામાં ભારે વરસાદને પગલે એક મકાનની દીવાલ ધરાશાયી થતા પિતા પુત્રનું મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે. રાજુલા ખાતે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ત્રણ વર્ષની બાળકી અને તેના પિતાનું મૃત્યુ (Death) નીપજયું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ થવા પામી હતી.

વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં વિનાશ નોતર્યા બાદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાા કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ અમદાવાદના ધોલેરા વટામણ હાઈવે પર પીપળી ગામથી નજીક આવેલી બાપા સીતારામ હોટલ પાસે વીજળીનો હાઈટેન્શન વાયર તૂટી પડ્યો હતો. જેના પગલે હાઈવે બ્લોક થઈ ગયો હતો. આ અંગેનો મેસેજ ધોલેરા (Dholera) તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલરુમ ખાતે મળ્યો હતો. સંદેશ મળતા “ટીમ ધોલેરા” સક્રિય બની. અને ગણતરીની મિનિટોમાં જ હાઈવે પરની અડચણ દૂર કરી વાહન-વ્યવહાર પૂર્વવત કર્યો.

એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પરિવહન સેવા સંપૂર્ણ બંધ રાખવાનો રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમે નિર્ણય કર્યો છે. એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેશે. જ્યાં સુધી વાવાઝોડું ફંટાય નહીં ત્યાં સુધી પરિવહન સેવા બંધ રહેશે. વાવાઝોડામાં રાહતકાર્ય માટે એસટી બસ ફાળવાઇ છે. અચાનક બસો બંધ થઈ જતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા.

વેરાવળના દરિયા કાંઠેની 5 બોટ દરિયામાં ખેંચાય- આઠ ખલાસીઓ ફસાયા

વાવાઝોડું ગઈકાલે રાત્રે દીવ નજીક લેન્ડફોલ થયા બાદ ભારે તારાજી સર્જી છે. લગભગ 120 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડાને પગલે વેરાવળના દરિયા કાંઠે લંગારવામાં આવેલી બોટ પૈકી પાંચ બોટો દરિયાઈ પાણીમાં ખેંચાઈ જવા પામી હતી. આ બોટમાં આઠ ખલાસીઓ સવાર હતા. આ અંગે મળતી માહિતી મુજબ વાવાઝોડું તોફાની બનતા વેરાવળ દરિયા કાંઠે અગમચેતીના ભાગરૂપે માછીમારી કરતી તમામ મોટોને સલામત રીતે દરિયાકિનારે લંગારવામાં આવી હતી. જોકે તોફાની પવન અને વરસાદને પગલે દરિયાકાંઠે લંગારાવામાં આવેલી બોટો પૈકી પાંચ બોટ દરિયાઈ પાણીમાં ખેસાઈ ગઈ હતી. જેમાં એક બોટમાં આઠ ખલાસીઓ સવાર હોવાનું બહાર આવ્યું હતું. આ ખલાસીઓને બચાવવા માટે એનડીઆરએફની ટીમ સ્થાનિક મામલતદાર, કોસ્ટ ગાર્ડ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભારે પવન અને વરસાદને પગલે બચાવ રાહત કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.

અમરેલીના બગસરામાં 8 ઈંચ, ગીર ગઢડામાં 7 ઇંચ, સાવરકુંડલાના પાલીતાણામાં 7 ઇંચ, મહુવામાં 6 ઇંચ, અમરેલી, ખાંભા, બાબરા, રાજુલામાં 5, વલભીપુર, વિસાવદર, ભાવનગરમાં 4 ઈંચ,જ્યારે તળાજામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવાઝોડાના કારણે રાજ્યના લગભગ ૨૦ જેટલા જિલ્લાઓને અસર થવા પામી છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે નુકસાન થવાના અહેવાલો મળી રહ્યા છે.

Most Popular

To Top