Columns

હોમ સિક્યુરિટી સિસ્ટમકેટલી કારગર છે?

શહેરોના પોશ વિસ્તારોમાં હોમ સિક્યુરિટી અગત્યનો મુદ્દો છે. હોમ સિક્યુરિટીમાં કેટકેટલું આવે છે તેની માહિતીથી હજુય સામાન્ય માણસ ખાસ્સો દૂર છે પણ હોમ સિક્યુરિટી નેક્સ્ટ લેવલ પર પહોંચી ચૂકી છે. સૈફ અલી ખાનના કિસ્સામાં હોમ સિક્યુરિટી સિસ્ટમ કામ નથી આવી તેવું હાલમાં આવી રહેલા ન્યૂઝ રિપોર્ટ્સ પરથી ખ્યાલ આવે છે પરંતુ આજે સેલિબ્રિટીઝથી માંડીને ઉદ્યોગપતિઓ અને સમૃદ્ધ લોકોની ઊંઘ હોમ સિક્યુરિટી સિસ્ટમથી સુરક્ષિત બની છે. ઘર-ઑફિસ કે પોતાના ક્ષેત્રને સુરક્ષિત કરવા માટે હવે જંગી ખર્ચ થાય છે અને તે ખર્ચથી પ્રોપર્ટીને નુકસાન ન પહોંચે તેવું ‘અભયદાન’ આપનારી સિક્યુરિટી સિસ્ટમ આવી ચૂકી છે. તેમાં ફિંગર પ્રિન્ટ એક્સેસ, ફેસ રિડીંગ, સેન્સર, સર્વેલન્સ, એલાર્મ અને હવે આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ [AI]ની મદદથી સિક્યુરિટી સિસ્ટમ સિક્યુર થાય છે. હોમ સિક્યુરિટી સિસ્ટમ અંગે ઇન્ટરનેટ પર સર્ચ કરીએ તો તેમાં સૌથી વધુ રિઝલ્ટ અલગ-અલગ પ્રકારના CCTV કેમેરાના મળે છે. CCTV કેમેરા હવે સ્માર્ટ થઈ ચૂક્યા છે, જે વાઇફાઇ સાથે જોડાયેલા હોય છે અને તેના દ્વારા ઘર માલિકને સતત લાઇવસ્ટ્રીમ ફૂટેજ મળે છે. કેમેરામાં કોઈ મુવમેન્ટ નોંધાય તો તમને મોબાઈલ પર તેનું નોટિફિકેશન મળે તેવી વ્યવસ્થા હોય છે. ઘણા આ કેમેરા કલર નાઇટ વિઝનથી સજ્જ હોય છે. આ કેમેરામાં જે કંઈ પણ કેપ્ચર થાય છે તે ક્લાઉડ અથવા લોકલ સ્ટોરેજમાં એકઠું થાય છે. ઓડિયો મેળવવાના પણ તેમાં વિકલ્પ મળે છે અને તદ્ઉપરાંત તેનું જોડાણ ગૂગલ આસિસ્ટન્ટ સાથે પણ થઈ શકે છે. સૈફ અલી ખાન કે અન્ય અનેક ગુનાઓમાં કેમેરાથી જ ગુના કરનારનો ચહેરાનો અંદાજ મળે છે.
હોમ સિક્યુરિટી સિસ્ટમમાં મુખ્ય ગેઝેટ્સ છે તેમાં એક મોશન સેન્સર છે. સામાન્ય રીતે મોશન સેન્સર ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રી પોઇન્ટ અથવા મુખ્ય હૉલના માર્ગમાં મુકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સિસ્ટમની આસપાસ હથિયાર લઈને આવે ત્યારે એલાર્મ વાગે છે અને ઘરમાં રહેનારને સચેત કરે છે. એવી રીતે એન્ટ્રી સેન્સર આવે છે. એન્ટ્રી સેન્સર દરવાજા અને બારીઓમાં ફીટ થાય છે. આ સાધનનું મુખ્ય કામ એટલું છે કે ઘરની એન્ટ્રી ક્યારે ખુલ્લી થાય છે. જો સેન્સર મુજબ એન્ટ્રીમાં કોઈ આવી જઈ શકે તો તે તમને એલર્ટ કરે છે. ઘરની એન્ટ્રીમાં કે પછી દરવાજા કે બારી દ્વારા કોઈ આવે તો તેના દ્વારા એલર્ટ મળી શકે તેમ ઘરમાં કોઈ કાચ તોડીને ઘૂસવાની કોશિશ કરે તો તે માટે ગ્લાસ બ્રેક સેન્સર આવે છે. ઘરમાં જ્યાં પણ ગ્લાસ બ્રેક થાય એટલે તેનું સેન્સર તુરંત ઘરના લોકોને એલર્ટ કરે છે.
આટલી સિસ્ટમ રાખ્યા છતાં જો કોઈ ઘરમાં આવી ગયું તો તેનો તોડ પણ હોમ સિક્યુરિટી સિસ્ટમમાં છે. સૈફ અલી ખાનના ઘરમાં પણ આ સિસ્ટમથી સૌ એલાર્મથી એલર્ટ થયા હતા. એવું કહેવાય છે કે સૈફના ઘરમાં ઘૂસનાર વ્યક્તિએ સૌથી પહેલાં ઘરમાં કામ કરતાં બહેનો સાથે માથાકૂટ કરી હતી, તેમાંથી એક બહેને એલાર્મ વગાડતાં જ સૈફ અલી ખાન આવ્યો હતો. એલાર્મ એલર્ટ જરૂર કરે છે પણ તેનાથી આરોપી વિરુદ્ધ કોઈ પુરાવો મળતો નથી અને એટલે આજે પણ હોમ સિક્યુરિટી સિસ્ટમમાં સૌથી વિશ્વસનીય વીડિયો સર્વેલન્સને ગણવામાં આવે છે. વીડિયો સર્વેલન્સનો સૌથી મોટો લાભ એ છે કે તેના દ્વારા શકમંદ વ્યક્તિની મુવમેન્ટ પર ધ્યાન રાખી શકાય અને તેના પુરાવા પણ મળી શકે. વીડિયો સર્વેલન્સમાં કેમેરા, મોનિટર, સર્વર અને સ્ટોરેજનો સમાવેશ થાય છે. હવે તેમાં હાઇ ડેફિનેશન કેમેરા, પેનારોમિક કેમેરા અને સ્પાય કેમેરા પણ ઉપલબ્ધ છે. વિડિયો સર્વેલન્સ ઘણા કિસ્સામાં કેટલીક કંપનીઓ પણ પૂરી પાડે છે. જેમ કે, તમારા ઘરે કે ઑફિસે કોઈ હાજર નથી અને કોઈ તમારા ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે તો તમારા વતી કંપની પોલીસ અથવા જે-તે ઓથોરિટીને જાણ કરે છે. સ્વાભાવિક છે કે આ સર્વિસનો ખર્ચ વધુ હોય પણ તેના દ્વારા તમારી ગેરહાજરીમાં પણ સુરક્ષા મળે છે.
હોમ સિક્યુરિટી સિસ્ટમનો કન્સેપ્ટ ભારતમાં વિકસી રહ્યો છે. અમેરિકામાં તો હોમ સિક્યુરિટી સિસ્ટમ આવશ્યક છે એટલે અમેરિકામાં હોમ સિક્યુરિટીનો બિઝનેસ ડગલે ને પગલે વધી રહ્યો છે. અમેરિકામાં ચાર કરોડ ઘરોમાં આ સિસ્ટમ લાગી ચૂકી છે. આવનારા 12 મહિનામાં વધુ સવા કરોડ ઘરોમાં હોમ સિક્યુરિટી સિસ્ટમ લાગશે. આપણા દેશમાં લોકો હવે શહેરોની પરિઘથી બહાર વસી રહ્યા છે. અહીંયા ચોરી કે અન્ય ગુનાઓની ભીતિ વધુ હોય છે. અમદાવાદ, સુરત કે રાજકોટના અનેક બહારી વિસ્તારોમાં સમૃદ્ધ લોકોના બંગલા નિર્માણ પામ્યા છે અથવા તો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બન્યા છે. આ જગ્યાએ હોમ સિક્યુરિટી સિસ્ટમ આવશ્યક છે. સિક્યુરિટી એજન્સીના ભરોસે બંગલો કે એપાર્ટમેન્ટની બહારની સુરક્ષા થઈ શકે પરંતુ ઘરની અંદર હોમ સિક્યુરિટી સિસ્ટમ પર જ વધુ ભરોસો કરવામાં આવે છે. હોમ સિક્યુરિટીનું એક ગેઝેટ સ્માર્ટ ડોર લોક છે. આ લોક ફિંગર એક્સેસથી ખૂલે છે. આ ઉપરાંત તેને પિન દ્વારા પણ ખોલી શકાય છે. વાઇફાઇ દ્વારા સ્માર્ટ લોકનો એક્સેસ મળવી શકાય છે. બીજું કે સામાન્ય તાળાંની જેમ તેને ચાવી લાગે છે. ઉપરાંત તેમાં LCD ડિસપ્લે આધારિત કેમેરા જોડી શકાય છે. સ્માર્ટ લોકથી આ બધું થઈ શકે છે. હોમ સિક્યુરિટી સિસ્ટમના આ બધા ગેઝેટ્સ બનાવતી કંપનીઓ હવે ભારતમાં શરૂ થઈ છે. બાકી તો વિશ્વભરમાં અમેરિકા, ચીન અને યુરોપની કેટલીક કંપનીઓનો દબદબો છે.
આ ટેક્નોલોજી એટલી આધુનિક થઈ ચૂકી છે કે ઘરમાં પ્રવેશતાં અજાણી વ્યક્તિ અને પાળેલાં પશુઓની વચ્ચે ભેદ કરે છે. એટલે જ્યારે પાળેલાં પશુઓની મુવમેન્ટ હોય ત્યારે એલાર્મ વાગતા નથી. આ ઉપરાંત ‘થેફ્ટ પ્રોટેક્શન’-ના નામે ચોરીથી સુરક્ષિત રાખતા સેન્સર આવે છે. આ સેન્સર તમારી ઘરની અતિ કિંમતી ચીજવસ્તુઓની આસપાસ લગાવવામાં આવે છે. જો આ કિંમતી ચીજવસ્તુઓને કોઈ અજાણી વ્યક્તિ સ્પર્શ કરે કે તેની આસપાસ જાય તો તમને તેનો એલર્ટ મેસેજ મળે છે. એક સમય હતો જ્યારે ઘરોની સુરક્ષા તાળા પર અવલંબિત હતી. ઘરને મજબૂત તાળું માર્યું પછી ઘર માલિક નિશ્ચિંતતા અનુભવતો હતો પણ સમયના બદલાવ સાથે હવે સિક્યુરિટી સિસ્ટમ ધરમૂળથી બદલાઈ ચૂકી છે. બેશક, સામાન્ય લોકોને સિક્યુરિટીનો આ ખર્ચ પોસાય નહીં પણ જેઓ અતિ સમૃદ્ધ છે તેમને આ સિક્યુરિટી સિસ્ટમ એક લાખથી લઈને પાંચ લાખ સુધી ઉપલબ્ધ થઈ શકે છે. પછી જેમ જેમ તેમાં ગેઝેટ્સ અને સગવડ ઉમેરાય તેમ તે મોંઘી થતી જાય છે.
હોમ સિક્યુરિટી સિસ્ટમથી ચોક્કસ જ ચોરી અને ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે. તેમ છતાં આપણા દેશમાં હજુ તે પ્રત્યે બેફિકરાઈ જોવા મળે છે. જેઓ હોમ સિક્યુરિટી સિસ્ટમથી ઘરને સજ્જ કરે છે, તેઓ પણ પછીથી તેનું અપગ્રેડેશન કરતા નથી. આ ટેક્નોલોજીમાં અપગ્રેડેશન અગત્યનું છે. હોમ સિક્યુરિટી સિસ્ટમ બનાવતી કંપનીઓએ આ અંગેની કેટલીક માહિતી આપી છે, જેથી સૌ આ સિસ્ટમથી પોતાના ઘર સુરક્ષિત કરવા માટે પ્રેરાય. જેમ કે હોમ સિક્યુરિટી સિસ્ટમ પૂરી પાડતી કંપનીની વેબસાઇટ પર એવી માહિતી છે કે ભારતમાં ચોરીના ગુનાઓ ઉકેલવાનું પ્રમાણ માત્ર 13% છે. 2022ના આંકડા મુજબ દેશમાં 4,93,172 ચોરીની ઘટના બની હતી. આ દર સતત વધી રહ્યો છે. જો કે હોમ સિક્યુરિટી સિસ્ટમ કેટલી પણ સજ્જ બનાવીએ, આખરે તો સમાજ એ રીતે ઘડવાનો છે જેમાં ગુનાહિત પ્રવૃત્તિ ઘટે. જો દિવસે ને દિવસે ગરીબ-તવંગરનું અંતર વધશે તો ગુનાહિત પ્રવૃત્તિ વધતા કોઈ રોકી નહીં શકે. સિક્યુરિટી સિસ્ટમ બેશક ઘરની અંદર સુરક્ષા આપી શકે પરંતુ સમાજને સુરક્ષિત નહીં બનાવી શકે.

Most Popular

To Top