છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. રાજ્યમાં ડ્રગ્સનું ઉત્પાદન, હેરફેર, સેવનને ડામવામાં પોલીસ અને રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે ત્યારે સુરતમાં આજે આપના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો યોજી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીએ ગુજરાતના તમામ જિલ્લાઓના કલેકટરના માધ્યમથી ડ્રગ્સના દુષણને રોકવામાં સદંતર નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માંગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યું હતું. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેમ છતાં માફિયાઓ સાથે મિલિભગતમાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપીને દેખાવો યોજવામાં આવ્યાં હતાં.
અદાણી મુન્દ્રા પોર્ટ પર વર્ષ 2021માં પકડાયેલ 20,000 કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો, તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં. આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે 7,350 કરોડનું ડ્રગ્સ પકડાયું છે.
બીજી બાજુ ભરૂચ અંકલેશ્વર સુરતની જીઆઇડીસીમાં અનેકવાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાની મિલીભગત છે તેવી શંકા ધારાસભ્ય ચૈતર વસાવા વ્યક્ત કરી ચૂક્યા છે.
પાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી, જેના કારણે ડ્રગ્સનો વેપાર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ તમામ ઘટનાઓ સરકાર અને પોલીસની સામે ઘટી રહી છે તેમ છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, જેના કારણે અમને શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ ગાંધીનગરના કમલમ સુધી પોતાનો હપ્તો પહોંચાડતા હશે.
તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતની જનતાને ડ્રગ્સથી મુક્તિ અપાવવામાં આવે.
