ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં નેત્રંગ વિસ્તારએ દારૂ (Alcohol) રેલમછેલનું એપી સેન્ટર કહેવાય. હાલમાં કેલ્વીકૂવા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતાં આશ્રર્યજનક ઘટના બની છે. નેત્રંગના કેલ્વીકૂવાની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલા વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. મહિલાના ઘર (House) અને બાજુમાં આવેલા જૂના ઘરમાંથી વિવિધ સ્થળે સંતાડેલો દારૂ અને બિયરની ૭૪ બોટલ મળી આવી હતી. મહિલાએ જૂના મકાનમાં રસોડામાં ખાડો ખોદી તેમજ માટલામાં બોટલો સંતાડી રાખી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ.૧૨ હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂ.૨૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી હતી. તેમજ કબોડિયા ગામેથી બાઈક ઉપર એક વર્ષથી મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ દરોડા વખતે ખુદ મહિલા બુટલેગરે અને તેની દીકરીઓએ બૂમરાણ મચાવી દીધી હતી. એક પુત્રીએ તો ફીનાઇલ પી લીધું હતું. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે અડધેથી દરોડાની કામગીરી અટકાવી ફિનાઇલ પી જનારી યુવતીને ૧૦૮માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં મહિલાએ કઠિત કાર્યકરને પણ ઘરે બોલાવી લઈ દરોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
અંકલેશ્વરમાં દારૂના જથ્થા સાથે બે બુટલેગર ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. તેઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે આંબોલી રોડ સ્થિત ગ્રીન પાર્ક સોસાયટીમાં ઈંગ્લિશ દારૂનો ધંધો કરતાં મિતેશ વસાવા તેમજ મોહમ્મદ ઇબ્રાહિમ શેખને ત્યાં રેડ કરી ૬૫ નંગ વ્હીસ્કીનાં પાઉચ કિંમત રૂ.૬૫૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીખલી હાઇવે પરથી માલસામાનની આડમાં ટેમ્પોમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો
ઘેજ : ચીખલી પોલીસે થાલા હાઇવે પરથી માલસામાનની આડમાં ટેમ્પોમાં લઇ જવાતો 93,000 રૂા.નો વિદેશ દારૂનો જથ્થો ઝડપી ત્રણની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલીના પીઆઇ કે.જે. ચૌધરી, પોલીસ કર્મી વિજયભાઇ સહિતના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર વોચ ગોઠવી થાલાની સીમમાં સાંઇ હોટલની નજીક એમએચ 47 વાય 6163 નંબરના આઇસર ટેમ્પાને અટકાવી તપાસ કરતા કંપનીના સામાનની આડમાં છૂપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ 93નો કુલ 93000 રૂપિયાનો જથ્થો ઝડપી પાડી ચાર મોબાઇલ અને ટેમ્પો સહિત 4044500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે પોલીસે દિનેશચંદ્ર દેવીપ્રસાદ યાદવ તથા શાંતાબેન ગજુભાઇ ઉર્ફે નારૂ રામસિંઘ સોલંકી, શારદા રોહીર જોરૂ બુટીયાની ધરપકડ કરી જથ્થો ભરાવી આપનાર ભાઉ તથા મંગાવનાર કુલદીપ રમેશ માંડલીયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.