આણંદ : આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતો હોમગાર્ડ જવાન રૂ.સાડા સાત હજારની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયો હતો. જીટોડીયા ગામે બે પિતરાઇ ભાઈ વચ્ચે થયેલા ઝઘડામાં સામેવાળા સામે પગલાં ભરવા માટે તેણે ફરિયાદી પાસે લાંચ માંગી હતી. જોકે, પોલીસ વિભાગની જાણ બહાર જ હોમગાર્ડ કર્મચારી દ્વારા આવા વહિવટ કરતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. જીટોડીયા ગામે રહેતા રીક્ષા ચાલકને તેના કાકાના દિકરા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાના પગલે તેણે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપી હતી. તે વખતે પોલીસ મથકે હાજર હોમગાર્ડ જવાન વિજય કાંતિભાઈ રાઠોડે ફરિયાદીને મળી પોતે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતો હોવાનું જણાવી ફરિયાદ બાબતે કાયદેસરની કાર્યવાહી કરાવી આપવાનું જણાવી પોતાનો મોબાઇલ નંબર આપ્યો હતો.
જે બાદ ફરિયાદીની આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ બબતે કોઇ કાર્યવાહી થયેલી ન હોવાથી ફરિયાદીએ વિજય રાઠોડનો સંપર્ક કર્યો હતો અને કોઇ કાર્યવાહી થઇ નથી. તેમ જણાવ્યું હતું. આથી, વિજયે ફરિયાદ બાબતે સામાવાળા વિરૂદ્ધ કાર્યવાહી કરાવવી હોય તો રૂ.સાડા સાત હજાર ખર્ચો આપવો પડશે. તેમ કહી લાંચની માંગણી કરી હતી. જોકે, રીક્ષા ચાલકે આ અંગે આણંદ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. જે સંદર્ભે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. રાજપૂત સહિતની ટીમ જીટોડીયા ખાતે ચરોતર સીએનજી ગેસ સ્ટેશન સામે ગોઠવાઇ હતી અને વિજય રાઠોડને લાંચની રકમ લેવા માટે બોલાવ્યો હતો. જેથી વિજય રાઠોડ આવતાં જ તે લાંચની રકમ લેતા રંગેહાથ પકડાઇ ગયો હતો. તપાસમાં વિજય રાઠોડે અગાઉ પણ ફરિયાદ કરતા સમયે રૂ.200 રિક્ષા ચાલક પાસેથી લીધાં હતાં.