વડોદરા: શહેરનું સર્કિટ હાઉસ કેટલાક લોકો માટે ખાણીપીણી અને મોજશોખ કરવાનો અડ્ડો બની ગયું હોય તેમ લાગે છે. સર્કિટ હાઉસ કેટલાક નીતિ નિયમો સાથે મહેમાનોને ભાડે આપવામાં આવતું હોય છે પરંતુ અહીં તો સર્કિટ હાઉસને ધર્મશાળા બનાવી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. કોઈના પણ નામે રૂમ બુક કરાવી કોઈ અન્ય વ્યક્તિ પણ અહીં રહે છે ત્યારે સર્કિટ હાઉસની સુરક્ષાની સર્કિટમાં જ છીંડા હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, સરકાર માન્ય કાર્ડ ધરાવતા વ્યક્તિઓ માટે સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યા છે. આ સર્કિટ હાઉસ માટે પણ નીતિ નિયમો અન્ય હોટલો જેવા જ લાગુ પડે છે પરંતુ કેટલાક સ્થળોએ સર્કિટ હાઉસનો બેફામ અને નીતિ નિયમો વિરુદ્ધ જઈને ઉપયોગ થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
સર્કિટ હાઉસમાં મોટા મોટા રાજકીય આગેવાનો પણ રહેતા હોય છે ત્યારે સર્કિટ હાઉસના જ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતના કારણે સુરક્ષા જળવાતી ન હોય તેમ લાગી રહ્યું છે. સર્કિટ હાઉસમાં કોઈ વગધારી વ્યક્તિના નામે રૂમ બુક કરાવી તેઓના સ્થાને ત્રાહિત વ્યક્તિ જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ સર્કિટ હાઉસમાં વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત અનેક મોટી હસ્તીઓ અહીં રોકાય છે ત્યારે સુરક્ષા સામે આવા છીંડા કેવી રીતે સાખી લેવાય. જાણવા મળ્યા મુજબ સર્કિટ હાઉસના અંદરના અધિકારીઓ દ્વારા જ લોલમ લોલ જોવા મળી રહી છે. ત્યારે આવા કર્મચારીઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી માંગ છે.