એક સિદ્ધ સાધુ હતા. વર્ષોથી ગુફામાં રહીને બસ ભગવાનનું નામસ્મરણ કરતા રહેતા અને ક્યારેક જ ગુફાની બહાર નીકળતા. આ સાધુ બાબાનું નામ શું છે તે તો કોઈને ખબર ન હતી પણ તેઓ આરોગ્ય દાની બાબા તરીકે ઓળખાતા કારણ કે એવી લોકવાયકા હતી કે આ સિદ્ધ સાધુ બાબાનું તપ એવું કઠોર અને ફળદાયી છે કે તેઓ જયારે જયારે ગુફાની બહાર આવે અને ગુફામાં ફરી અંદર જાય તેટલા સમયમાં જેને જેને તેમનો સ્પર્શ થઇ જાય તેના શરીરના બધા રોગ દૂર થઇ જાય છે. સાધુ બાબાનો એક સ્પર્શ રૂપી આશીર્વાદ મેળવવા લોકો દૂર દૂરથી આવતા. એક દિવસ વહેલી સવારે સાધુ બાબા ગુફાની બહાર નીકળ્યા અને ભક્તો તેમના પગે પડવા લાગ્યા.
બધાને પ્રેમથી આશિષ આપી આરોગ્યદાન કરતા સાધુ બાબા આજે સાંજ સુધી ગુફાની આસપાસના જંગલમાં ફરતા રહ્યા.આટલો લાંબો વખત તેઓ ભાગ્યે જ ગુફાની બહાર રહેતા…સૂર્યાસ્ત થતાં સાધુબાબા બધાને આશિષ આપતા ગુફા તરફ વળ્યા અને બસ ગુફામાં અંદર પગ મૂકવામાં હતા ત્યાં એક માણસ સાધુ બાબા … સાધુ બાબા …ની બૂમો પાડતો પાછળથી દોડીને આવ્યો અને સાધુ બાબાની કામળી પકડી લીધી અને કહેવા લાગ્યો, ‘બાબા સાંભળ્યું છે કે આપના સ્પર્શથી બધાના રોગ દૂર થઈ જાય છે. મને આમ તો કોઈ રોગ નથી પણ મને ડર રહે છે કે મને કંઈ થશે તો મારા કુટુંબનું શું થશે, માટે તમે મારા આખા શરીરને સ્પર્શ કરી દો જેથી મને કોઈ રોગ થાય જ નહિ.’
સાધુ બાબા માણસની પાસેથી કામળી છોડાવી ગુફામાં પ્રવેશવા લાગ્યા.ત્યાં પેલા માણસે કામળી વધુ કસીને પકડી અને કહ્યું, ‘ના, ના, બાબા મને સ્પર્શ કરી દો. પછી જ હું કામળી છોડીશ.’સાધુ બાબા હસ્યા અને બોલ્યા, ‘મૂર્ખ માણસ, મારું કામ ભગવાનનું કામ કરવાનું છે, તેમનું સ્થાન લેવાનું નહિ.તને કોઈ તકલીફ નથી છતાં તું ખોટી જીદ કરે છે.આ મારો અને તારો ભગવાન જુએ છે કે તેં પરમાત્માનો પાલવ પકડવાને બદલે મારી કામળી પકડી છે.ખરો મુક્તિદાતા તો ભગવાન જ છે. જો તને જીવનમાં દરેક દુઃખોમાંથી મુક્તિ જોઈતી હોય તો છોડ મારી કામળી અને સાચા હ્રદયથી ભગવાનને ભજવાનું શરૂ કર. ભગવાનનો પાલવ પકડ …તેના શરણે જા, તો કોઈ ચિંતા નહિ રહે.’સાધુ બાબા કામળી ત્યાં જ મૂકીને પોતે ગુફામાં ચાલ્યા ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.