Comments

થોભો! વ્યંગ્ય અને રમૂજ પ્રતિબંધિત છે!

‘ગાઝાના રહીશો, ભાગો અહીંથી.’આવું બીજું કોઈ નહીં, ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ કહી રહ્યા છે. તેમણે હાથમાં બૉક્સિંગનાં મોજાં ચડાવ્યાં છે. આવાં મોજાં પહેરેલા એક હાથમાં તેમણે શસ્ત્રક્રિયામાં વપરાતી નાનકડી છરી પકડેલી છે અને તેઓ પોતાના ખુલ્લા પેટ પર દોરાયેલા નિશાન પર ચીરો મૂકી રહ્યા છે. આ ચીરાનો આકાર ગાઝા પટ્ટીના નકશા જેવો છે. આ કંઈ વાસ્તવિકતા નથી, પણ એક કાર્ટૂન છે, જે સ્ટીવ બેલ નામના વરિષ્ઠ કાર્ટૂનિસ્ટે લંડનના અખબાર ‘ધ ગાર્ડિઅન’ માટે ચીતર્યું હતું. આ કાર્ટૂનને ‘યહૂદીવિરોધી’ગણાવીને તેને ચિતરવા બદલ સ્ટીવ બેલને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. અલબત્ત, સ્ટીવે તેને ટ્વીટર પર મૂક્યું છે. આ ઘટના સાથે વધુ એક વાર અભિવ્યક્તિસ્વાતંત્ર્ય અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. પણ એ પહેલાં આ કાર્ટૂનથી લોકો, ખાસ કરીને યહૂદીઓ શાથી ખફા થયા છે અને એ બાબતે કાર્ટૂનિસ્ટનો પોતાનો શો પક્ષ છે એ જાણવા જેવું છે.

કાર્ટૂનિસ્ટ બેલના જણાવ્યા અનુસાર તેમણે સવારે અગિયારેક વાગ્યે આ કાર્ટૂન મોકલ્યું એના ચારેક કલાક પછી પોતે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને એક વિચિત્ર, અનામી સંદેશો મળ્યો, જેમાં લખેલું: ‘પાઉન્ડ ઑફ ફલેશ’. કાર્ટૂનિસ્ટે પોતે કશું ન સમજ્યા હોવાનું જણાવતાં જવાબ આવ્યોઃ ‘જ્યુઈશ બ્લોક, પાઉન્ડ ઑફ ફલેશ, એન્ટી-સેમીટીક ટ્રોપ.’આનો મતલબ સાફ હતો. યહૂદીઓની સામાન્ય છાપ વ્યાજખોર વ્યાપારી તરીકેની છે. શેક્સપિયરના ખ્યાતનામ નાટક ‘ધ મર્ચન્ટ ઑફ વેનિસ’માં શાયલોક નામનો એક વ્યાજખોર વ્યાપારી આન્તોનિયોને નાણાં ધીરે છે અને એ નાણાં પરત કરવામાં આન્તોનિયો નિષ્ફળ જાય તો પોતે આન્તોનિયોના શરીરમાંથી એક પાઉન્ડ માંસનો ટુકડો કાઢી લેશે એવી શરત મૂકે છે. નાટ્યાત્મક વળાંક ધરાવતી આ કથામાં છેવટે પોર્શિયા આન્તોનિયોને ઉગારે છે. યહૂદી વ્યાપારી પોતાનાં નાણાંની વસુલાત માટે ક્રૂરતાની કઈ હદ સુધી જઈ શકે એ આ નાટકમાં આબાદ ચિતરાયું છે. મોટા ભાગના યહૂદીઓના મતે સ્ટીવ બેલના આ કાર્ટૂનમાં ‘એક પાઉન્ડ માંસ’નો શેક્સપિયરવાળો સંદર્ભ આપવામાં આવેલો છે અને તેથી તેમને આ કાર્ટૂન અપમાનજનક જણાયું છે.

કાર્ટૂનિસ્ટ સ્ટીવ બેલે આ કાર્ટૂનને શાયલોક સાથે કશો સંબંધ હોવાનો ઈનકાર કર્યો છે. તેને બદલે તેમણે આ કાર્ટૂનનો સંબંધ અમેરિકી પ્રમુખ લીન્ડન બી. જહોનસન સાથે હોવાનું જણાવ્યું છે. વિએતનામ પર કરેલા અમેરિકી આક્રમણ દરમિયાન અમેરિકી પ્રમુખ જહોનસને પિત્તાશયની શસ્ત્રક્રિયા કરાવી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ખમીસ ઊંચું કરીને પોતાના પેટ પરનો ચીરો સૌને દેખાડ્યો હતો. આ ઘટનાથી પ્રેરિત થઈને કાર્ટૂનિસ્ટ ડેવિડ લિવાઈને પ્રમુખ જહોનસનનું કાર્ટૂન ચિતર્યું હતું. કાર્ટૂનમાં તેમણે ખમીસ ઊંચું કરીને પેટ પરનો ચીરો દેખાડતા પ્રમુખને દર્શાવ્યા હતા અને ચીરાનો આકાર વિએતનામ જેવો ચિતર્યો હતો.૧૯૬૬માં પ્રકાશિત આ કાર્ટૂન અતિશય જાણીતું બન્યું હતું.

આ જ કાર્ટૂનની તરાહ પર સ્ટીવ બેલે નેતાન્યાહુનું કાર્ટૂન ચિતર્યું, જેમાં તેમણે ‘આફટર ડેવિડ લિવાઈન’(ડેવિડ લિવાઈન પછી વધુ એક વાર) લખેલું છે. કાર્ટૂનમાં આ પદ્ધતિ સામાન્ય છે, જેમાં અગાઉના કોઈ એક જાણીતા બનેલા કાર્ટૂનનું પુનર્કથન અન્ય કાર્ટૂનિસ્ટ કરે. સ્ટીવનું આ કાર્ટૂન ઘણાને યહૂદીવિરોધી જણાયું. હજી થોડા મહિના અગાઉ, ‘ધ ગાર્ડિઅન’કાર્ટૂનિસ્ટ માર્ટિન રૉસન દ્વારા ચિતરાયેલા એક કાર્ટૂન માટે મુશ્કેલીમાં મૂકાયું હતું. આ કાર્ટૂનમાં માર્ટિને બી.બી.સી.ના ચેરમેન રિચર્ડ શાર્પને બતાવાયા હતા. આ કાર્ટૂન પર પણ તે યહૂદીવિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ‘ધ ગાર્ડિઅને’ તેને પોતાની વેબસાઈટ પરથી હટાવી લેવું પડ્યું હતું.

બ્રિટન અને અમેરિકા જેવા દેશો પોતાની રમૂજવૃત્તિ માટે, પોતાની જાત પર હસવા માટે જાણીતા છે. બન્નેની રમૂજવૃત્તિના પ્રકાર અને તીવ્રતામાં ઘણો ફરક છે, છતાં એ હકીકત છે કે તેઓ આકરામાં આકરા વ્યંગ્ય કરી શકે છે, એમ વેઠી પણ શકે છે. કાર્ટૂન દ્વારા લાગણી દુભાવાની ઘટનાઓ જે રીતે વધી રહી છે એ જોતાં મહાન ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોનું કથન યાદ આવ્યા વિના રહે નહીં. પોતાના વાર્તાસંગ્રહમાં તેમણે લખેલું: ‘વર્તમાન યુગના જે સમયમાંથી આપણે હાલ પસાર થઈ રહ્યાં છીએ તેનાથી તમે અજાણ હો તો મારી વાર્તાઓ વાંચો. તમે એ વાર્તાઓને સહન ન કરી શકતા હો તો એનો અર્થ એ થયો કે આ જમાનો જ અસહ્ય બની ગયો છે. મારામાં જે ખરાબીઓ છે એ આ યુગની ખરાબીઓ છે. મારા લખાણમાં કશો દોષ નથી. જે દોષને મારા નામે ચડાવવામાં આવે છે એ ખરેખર તો પ્રવર્તમાન સમયનો દોષ છે.’

મંટોનું આ કથન તેમના પોતાના સમયમાં સાચું હતું, એમ એ પછીના દરેક યુગે તે સત્ય ઠરતું આવ્યું છે. અભિવ્યક્તિનાં માધ્યમો બેફામ રીતે વધ્યાં છે, તો તેની સામે અસહિષ્ણુતાએ પણ માઝા મૂકી છે. લાગણી દુભાવવી જાણે કે પ્રવર્તમાન સમયનું પ્રમુખ લક્ષણ બની રહ્યું છે. હાસ્યાસ્પદ, અવાસ્તવિક અને એક કાર્ટૂનિસ્ટની અંતિમ છેડાની કલ્પનાઓ રોજબરોજ સમાચાર બનીને અખબારનાં પાને આવે છે. લાગણી દુભાય તો તેનાથી દુભાય. તેને બદલે આવી હકીકત પર કટાક્ષ કરનાર પર નિશાન સાધવામાં આવે છે. ચિંતાજનક બાબત એ છે કે આ વલણનો વ્યાપ કોઈ એકલદોકલ સ્થળે નહીં, પણ સાર્વત્રિકપણે વિસ્તરવા લાગ્યો છે. હાસ્ય અને રમૂજ કદાચ પ્રતિબંધિત બની રહે કે ભૂતકાળની બાબત બની જાય તો નવાઈ ન લાગે એ હદે અચાનક લાગણી દુભાઉ સમૂહની હાજરી દેખાવા લાગી છે. કોને ખબર, બહુ ઝડપથી પોતાની જાત પર હસવાનું પણ ગેરકાનૂની ગણાઈ જાય!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top