Comments

હો રસિયો રૂપાળો રંગરેલીયો…!

ઘેર જાવું ગમતું નથી…! (સખણા રહો ને, યાર..! સહેજ કડી મળે એટલે કૂદકા મારવાના..? ધરતીનો છેડો ઘર, છતાં ઘણાને ગમતું ના પણ હોય, તેમાં ઝંડો કાઢીને બરાડા શું પાડવા બેઠા..?  યાદ છે ને,  રાત પડે ને તમામ બસોએ ડેપોમાં હાજર થઇ જવું પડે, એમ ઘરે તો પહોંચવું જ પડે મામૂ..! નહિ તો ઘરવાળી જેલર બની જાય..! તંઈઈઈઈ..! સ્વીમીંગ પુલ હોય ત્યાં જ તરવા માટે કપડાં ઉતારાય. ખાબોચિયાં દેખીને કપડાં નહિ ઉતારાય.! બાકી, રસિયો તો રૂપાળો હોવો જ જોઈએ.  સારી વાત છે, પણ લખ્ખણ સારાં જોઈએ.

તો જ લગનના માંડવા બંધાય. ચાલ ચલગતની ‘પ્રીલીમરી’ માં નાપાસ થયા તો છોલે ભગો દાજી. હાડકે પીઠી જ નહિ લાગે..!. એકાદ લફરૂનું પણ પેપર ફૂટ્યું એટલે ‘પરીક્ષા’ રદ..! એના કપાળમાં કાંદા ફોડું, સાલી ડગલે ને પગલે પરીક્ષા..! એ પછી NEETની હોય કે, UPSC ની હોય, બધા કરતાં લગનની પરીક્ષા બહુ અઘરી..!  હવે તો લગનનું પાક્કું કરવા પહેલાં છોકરા-છોકરીની પ્રાઈવેટ શિખર મંત્રણા થાય..! એને ઓરલ પરીક્ષા કહેવાય. એમાં એવી અઘરી પ્રશ્નોતરી થાય કે, પોચા-પોચા પ્રશ્નોના જવાબ આપવામાં પણ, નીચલા થરની ઠંડીમાં પરસેવાન થઈ જવાય. ટાંટિયા જ નહિ આખી બોડી પણ હલી ઊઠે..! ભલે ને છોકરીનું નામ શાંતિ ને છોકરાનું નામ પ્રશાંત કેમ ના હોય..? એવાએવા  પ્રશ્નો કાઢે  કે, સમય બેભાન અને સેકંડ કાંટો વિકલાંગ થઇ જાય.

પ્રથમ મુલાકાતમાં મોટી મોટી તો ફેંકવી જ નહિ કે મારા લગન માટે તો દૂર દૂરથી માંગાં આવે. ચતુર હોય તે તરત ક્યાસ કાઢી લે કે, નજીકવાળા પૂરેપૂરા ઓળખતા હોય તો ક્યાંથી માંગાં આવે..? માટે સતર્ક રહેવાનું. લગનની પ્રિલિમરીમાં ફેઈલ ગયા તો સાસરાભિષેક નહિ થાય..! ફેઈલ..! એરેન્જ મેરેજમાં આ જ માથાકૂટ. ઘણા કોઠામાંથી પસાર થવું પડે. ત્યારે લવ-મેરેજમાં કોઈ  ખટાખટ જ નહિ..! જેની સાથે લફરું તેની સાથે જ ડમરું વગાડવાનું ચાલુ .! ચમનિયાએ એક વાર મને પૂછેલું કે, ‘ આ લવ મેરેજ સારા કે,એરેન્જ મેરેજ?’ મેં કહ્યું, “કારેલાનું શાક બાફીને ખાઓ, તળીને ખાઓ કે વઘારીને..! કોઈ ફરક નહિ પડે,  કડવાશ તો આવે જ..!’’ પ્રેમ ચીકણી ભોંય જેવો છે, સંભાળીને ચાલવું પડે. પગ  ક્યારે લપસી જાય, ભરોસો નહિ.  હું પણ આજે  પ્રેમરસના વિષયમાં  લપસી જ પડ્યો ને ? કબીર સાહેબે  સરસ કહ્યું છે કે…

રહિમન ધાગા પ્રેમકા જબ તોડો ચટકાય
તોડે ફિર યે ના જુડે, જુડે ગાંઠ પડ જાય

પ્રેમ મખમલી છે દાદૂ..! સુકાઈ ગયેલા શ્વાસવાળાને પણ પ્રેમના રાફડામાં ફૂંક મારવાની ઈચ્છા થાય..!  એમાં ઉંમર આડી આવતી નથી. પ્રેમની મઝા જ અનોખી. જે ઉંમરે પ્રેમ થાય, એ ઉંમર યુવાનીનું પ્રમાણપત્ર છે. કઇ  ઇન્દ્રિય કઇ ઘડીએ જાગૃત થાય, એનો કોઈ ભરોસો છે..? પછી ભલે ને  નવડે મીંડે નેવું થાય, ને માથા હાટે દેવું થાય..!’ લયલા-મજનુ, શીરી- ફરહાદ કે શેણી-વિજાણંદનાં બાવલાં મુકાયાં નથી છતાં, ભાગ્યે જ કોઈ ગામ એવું બાકી હોય કે, જ્યાં  છાનોછપનો પણ પ્રેમ જીવંત ના હોય..?  અમુકને તો એટલો પચી ગયેલો કે, ગર્લ ફ્રેન્ડની પણ સંગ્રહખોરી રાખે. પ્રેમનો બંધકોસ થાય ત્યારે એકાંત પકડીને રાગડા તાણવા માંડે, “તું છુપી હૈ કહાં, મૈં તડપતા યહાં..! ઘરડો ઘોડો પણ ‘વેલેન્ટાઇન’ ઉજવવામાં પાછળ નહિ પડે..!

પછી ભલે ગુલાબની જગ્યાએ ગલગોટાના ફૂલ બગાડે..!  જોબનિયું, પાઘડીને બદલે ખિસ્સામાં રાખીને જ ફરતા હોય..! ઘરડાની તો વ્યાખ્યા જ અલગ છે ને બોસ..!  વરસાદ પડે ને ન્હાવા દોડે, એવો ગમે એટલી ઉંમરનો વૃદ્ધ રસિયો રૂપાળો રંગ રેલીયો યુવાન કહેવાય ને જે યુવાન હોવા છતાં, ભીંજાવાની બીકે, ઝાડવાની ઓથ શોધે એને વૃદ્ધ કહેવાય..! ખિસ્સામાં ઉઘરાણાંનાં બીલ કરતાં, પ્રેયસીનાં સરનામાં ભલે ને વધારે હોય..!  પ્રેમને ઉંમરના ટોલનાકાં આડાં આવતાં નથી. પ્રેમ શુદ્ધ સચોટ અને સંસ્કારી હોવો જોઈએ. પછી જે ઉંમરે પ્રેમ થાય એ જ એની સાચી ઉંમર.! માલાસિંહાના જમાનાનો માણસ સોનાક્ષી સિંહાના સમયમાં પ્રેમની વરાળ કાઢે, એ ઓછો પુરાવો છે..?

એક ભિખારી સાથે મારે બનેલો બનાવ જણાવું. વાત જાણે એમ છે કે, વલસાડના બસ સ્ટેન્ડ પાસે એક ભિખારીએ મને જોઇને બૂમ પાડી..!
રમેશ…..!
એઈઈઈઈ રમેશ ચાંપાનેરી…!
આજુબાજુ નજર કરી તો એક ભિખારી મારા નામ સાથે મને બોલાવતો હતો. અવાજ સાંભળીને આંખ આડા કાન તો કર્યા, પણ ફરી બૂમ પાડી…
એઈઈઈ  રમેશિયા…
મેં કહ્યું, “ તું મને ઓળખે છે..?
કેમ નહિ, આપણે બંને તો ફેસબુક ઉપર જૂના  ‘ફ્રેન્ડ’ છીએ. તું મને લાયક આપે, હું તને આપું..! 
તારા કપાળમાં કાંદા ફોડું..! ત્યારે  સળગી કે, ફેસબુકમાં આપણે આડેધડ કેવા કેવાને  ફ્રેન્ડ બનાવીએ છીએ..! ‘બોલ શું કામ છે..?
ઉછીના પચાસ રૂપિયા જોઈએ છે, મોબાઈલ રીચાર્જ કરાવવો છે..!
વ્હોટ..? તું ભિખારી થઈને મોબાઈલ રાખે છે..?
હાસ્તો..! મારી પાસે આઈ ફોન છે. ગર્લ ફ્રેન્ડ સાથે વાત કરવા તો જોઈએ ને..?
વ્હોટ..? તું ભિખારી થઈને આઈફોન રાખે, અને ગર્લ ફ્રેન્ડ પણ..?
એમાં નવાઈની શું વાત છે યાર..? ગર્લ ફ્રેન્ડ રાખવામાં તો ભિખારી થઇ ગયો…! બાકી હું પણ એક બેંકનો મેનેજર હતો..!

ત્યારે મને થયું કે, પ્રેમ રંગીન બરફ ગોળા જેવો છે.  ખાવ ત્યાં સુધી ટેસ્ટી લાગે, એને પીગળવામાં વાર લાગતી નથી. રોટી, કપડાં અને મકાન પછીની મહત્ત્વની જરૂરિયાત હોય તો એ પ્રેમ છે. પ્રેમ એ માનવીનું વેન્ટીલેટર છે. પ્રેમ એટલે પહાડ, પ્રેમ એટલે ખાબોચિયું, પ્રેમ એટલે દરિયો, પ્રેમ એટલે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનું સ્થાનક, અને પ્રેમ એટલે વૃંદાવન,..! પ્રેમ હોય ત્યાં તાકાત હોય, વિશ્વાસ હોય અને શ્રદ્ધા હોય..! આજે તો પ્રેમમાં પણ ‘ડીજીટલ’ જંતુ પડવા માંડ્યા..! એકાદ પુસ્તક વાંચતાં વાંચતાં ઝોકું આવી જાય, ને કોઈ છોકરી પુસ્તકના ખોલેલા પાના ઉપર આપણી જ પેન્સિલથી I LOVE YOU લખી જાય તો, બહુ હરખઘેલા નહિ થવાનું. 

એને પ્રેમ નહિ, વહેમ કહેવાય..! પ્રેમ એમને એમ થતો પણ નથી અને નિભાવાતો પણ નથી. નાકથી  ફુગ્ગા ફુલાવવા જેટલું અઘરું છે. સળગતા અંગારા ઉપર ચાલવાનો અગનખેલ છે. પ્રેમ દેવતા છે, બાકી જેઠાલાલ અને બબીતા જેવા પ્રેમથી પણ રંગાખુશ તો થવાય..! રાધા અને મીરાં જેવા પ્રેમની કલ્પના નહિ થાય. મીરાંના પ્રેમમાં સ્વાર્થ હતો, રાધાના પ્રેમમાં નિ:સ્વાર્થ હતો. મીરાંનો પ્રેમ પુખ્ત હતો, રાધાના પ્રેમમાં નિજાનંદ હતો. મીરાંના પ્રેમમાં ભક્તિનો માર્ગ હતો, જ્યારે રાધાના પ્રેમમાં, પ્રેમના માર્ગે ભક્તિ હતી. મીરાંએ પ્રેમ કરીને શ્રીકૃષ્ણને પરણવું હતું.

જ્યારે રાધાનો પ્રેમ પ્લેટોનિક હતો. રાધાજીએ ક્યારેય  શ્રીકૃષ્ણ સાથે પરણવાની વાત  કરી જ નથી. મીરાં તો અનેક વાર કહેતાં કે, “હું પરણું તો ગિરધર ગોપાલને…!” એટલે તો  શ્રીકૃષ્ણને મીરાંના પ્રેમમાં રાધા જેવી અસર થતી જોવા મળી નહિ. પ્રેમ એક દોડ છે. ‘તું છુપી હૈ કહાં, મૈં તડપતા યહાં.!’  થી શરૂ થયેલી આ દોડ. ‘તું ક્યાં મરી ગઈ’ સુધી અને વેલેન્ટાઈનથી વેલણ સુધીની અવસ્થાએ આવી હોવા છતાં, એ ગુલાબી ક્ષણો હજી ય અકબંધ છે, એટલે જ પ્રેમને દેવતા કહ્યો છે.

લાસ્ટ બોલ
શૈલીએ એક વાર જીદ પકડી
શાહજહાંએ મુમતાઝ માટે તાજમહલ બંધાવેલો તો?
હું મરી જાઉં તો તમે શું બંધાવો?
શાંતાબહેનનું ટીફીન…!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top