Charchapatra

 ‘જય હિન્દ’ અને વંદેમાતરમ્ શબ્દનો ઇતિહાસ

 ‘જય હિન્દ’ શબ્દનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ‘જય હિન્દ’ શબ્દના પ્રયોજક એક મુસ્લિમ સૈયદ આબિદ હસન સફરાની(1911-1984) હતા. તેઓ સુભાષચંદ્ર બોઝના ખાસ સાથી હતા. આઝાદ હિંદ ફોજના અગ્ર સિપાઈ હતા. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજમાં સિપાઈઓ યુનિફોર્મમાં એક બીજા સાથે કયા શબ્દમાં એક બીજાનું અભિવાદન કરે તે અંગે વિચારી રહ્યા હતા. તે સમયે આબિદ હસને નેતાજીને ‘જય હિન્દુસ્તાન કી’ શબ્દ સૂચવ્યો હતો. તેનું ટૂંકું સ્વરૂપ નેતાજીએ ‘જય હિન્દ’ તરીકે સૂચવ્યું. આમ ‘જય હિન્દ’ શબ્દ આઝાદ હિંદ ફોજમાં અભિવાદનના માધ્યમ તરીકે પ્રસિદ્ધ થયો. વંદે માતરમ્ વિશે: ઇ.સ. 1875ના દુર્ગા પૂજાના તહેવાર નિમિત્તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (1838-1894) પોતાના વતન કાન્તાલ્પાડા ટ્રેઇનમાં જઇ રહ્યા હતા. ટ્રેઈનના ડબ્બાની બહાર દેખાતાં ખેતરો, વૃક્ષો, ફૂલો, ફળો, નદી અને ઝરણાંને જોઇ બંકિમચંદ્રને પ્રેરણા મળી અને તેમણે ટ્રેઇનના ડબ્બામાં જ એક ગીત રચ્યું એ ગીત તે જ ‘વંદેમાતરમ્.’ પછી તો તેમણે એ ગીત તેમની નવલકથા ‘આનંદમઠ’માં મૂકયું. આનંદમઠ, નવલકથામાં એક મુસ્લિમ અંગ્રેજ શાસકો સાથે મળીને આમ પ્રજાનું શોષણ કરે છે એ શોષણ સામે પ્રજા પ્રચંડ બંડ પોકારે છે ત્યારે પ્રજા ‘વંદે માતરમ્’ ગાઈ ઊઠે છે.

રાષ્ટ્રીય જાગૃતિપ્રેરક ‘આનંદમઠ’ નવલકથાને કારણે ‘વંદેમાતરમ્’ ગીત ઘણું પ્રચલિત થયું. પરિણામે ઇ.સ. 1896માં કલકત્તા મુકામે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે તે અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે પ્રથમ વાર વંદેમાતરમ્ ગીત સ્વર અને સંગીત સાથે ગાયું. કલકત્તાના કોંગ્રેસના આ અધિવેશનના પ્રમુખ એક પ્રખર મુસ્લિમ મહમ્મદ રહેમતુલ્લા સયાની હતા. તેમણે પણ આ વંદેમાતરમનું ગીત લોકો સાથે ગર્વભેર ગાયું હતું. 1905ના બંગાળના ભાગલા સમયે ‘વંદેમાતરમ્’, ગીત હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું હતું. ઇસ. 1906માં કોંગ્રેસનું બાવીસમું અધિવેશન કલકત્તામાં મળ્યું ત્યારે જ ‘વંદેમાતરમ્’ ગીતને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. (તે સમયે મહમ્મદ અલી જિન્નાહ પ્રારંભના દિવસોમાં વંદેમાતરમ્ ગીત ઉત્સાહપૂર્વક ગાતા હતા. પરંતુ 1935 પછી તેમનો રાજકીય અભિગમ બદલાયો હતો.
સુરત     – કિરીટ ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top