વિશ્વ પ્રસિધ્ધ જર્મન ઇતિહાસકાર લીયોપોલ્ડ વોન રાન્કેએ (1795-1886) ક્હયું: No, Document no history. તેને અનુસરીને વિશ્વના સંખ્યાબંધ ઇતિહાસકારોએ રાન્કેની વાતને ટેકો આપ્યો કે જો સોર્સ મટીરિયલ વગર ઇતિહાસ લખવામાં આવે તો તે માત્ર દંતકથા કે પરીકથા જ બની જાય છે. તેથી ઇતિહાસના આલેખન માટે વિવિધ સ્વરૂપના સ્ત્રોતોની જરૂર પડે છે. આવા નક્કર પ્રોફેશનલ માહોલમાં ડૉ.પીયૂષ સુરેશચંદ્ર અંજીરિયાએ 2017માં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રસ્તુત કરેલો નીચેનો મહાશોધ નિબંધ નવી ભાત પાડે છે.
‘1928 થી 1947 દરમિયાન સ્વાધીનતા સંગ્રામમાં દક્ષિણ ગુજરાતના પ્રદાનના આલેખન માટેના સાધનોનો અભ્યાસ: પત્રિકાઓ, સામયિકો અને અહેવાલોના વિશેષ સંદર્ભમાં.’ તેમના માર્ગદર્શક વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇતિહાસના પ્રોફેસર ડૉ. ધર્મેશ સી. પંડયા હતા. આપણે ત્યાં મહાનિબંધો ઉત્તમ હોવા છતાં પબ્લિકેશન ગ્રાન્ટ વગર વર્ષો સુધી પડયા રહે છે. તેથી મારો ઉદે્શ આ મહત્ત્વના સંશોધનને દક્ષિણ ગુજરાતના તમામ વાચકો સુધી પહોંચાડવાનો છે.
અત્રે એક વાત ખાસ યાદ રહે કે સમગ્ર ભારત વર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની સામાન્ય પ્રજાએ અનોખો ભાગ ભજવ્યો હતો. ખરેખર તો બારડોલી સત્યાગ્રહને દોરવણી આપતી વખતે સરદાર પટેલે કહ્યું હતું: ‘મોટી મોટી માસ મુવમેન્ટસ ખેડૂતો, આદિવાસીઓ અને મહેનતકશ શ્રમજીવીઓ દોરે છે. મને પોતાને બારડોલી સત્યાગ્રહની દોરવણી ખેડૂતોની ખુમારીમાંથી મળી હતી.’ સંશોધકે આ પ્રકારના સ્ત્રોતો જોઇ- તપાસીને બારડોલી સત્યાગ્રહથી શરૂ કરીને ભારતે ઓગસ્ટ 1947માં આઝાદી પ્રાપ્ત કરી ત્યાં સુધીનો વિગતવાર ઇતિહાસ રજૂ કર્યો છે. તેની સમજરૂપે સ્વાતંત્ર્ય સંગ્રામની રૂપરેખા બતાવી છે.
દક્ષિણ ગુજરાતનો સ્વાતંત્ર્ય સંગ્રામ લખવામાં છેક 1863માં સુરતમાં શરૂ થયેલ સુરત સમાચાર અને ત્યાર પછી ‘ગુજરાતમિત્ર’ (1864), ગાંડીવ, વીર ગર્જના, સ્વાતંત્ર્ય સંગ્રામ પત્રિકાઓ, સ્ત્રી શકિત, દાંડિયો (1937-39) ઉપરાંત સ્વરાજયને લગતા રાષ્ટ્રગીતોનો સમાવેશ થાય છે. સંશોધકે પરિશિષ્ટ-1માં લોકગીતોનો આશય સમજાવતા લખ્યું છે કે આ લોકગીતો રાષ્ટ્રવાદની ભાવનાથી ચકચૂર હતા અને અંગ્રેજ સરકારે તેને જપ્ત કર્યા હતા.
‘એવા સમયમાં જયારે ગુજરાત (બ્રિટિશ હિંદ યુધ્ધો)માં સમાચારપત્રો, સામયિકો, તેમ જ પ્રસાર માધ્યમના સાધનોનો નોંધપાત્ર પ્રમાણમાં વિકાસ થયો ન હતો, ત્યારે પત્રિકાઓ પ્રસિધ્ધ અને વિતરણ કરવાની પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ સાબિત થઇ હતી. આ ઉપરાંત પ્રભાતફેરી, સરઘસ-સભાઓ તથા મેળાવડાઓમાં ગવાતા લોકપ્રચલિત ગીતોએ નિ:શંક પ્રજાને આંદોલનમાં સક્રિય બનવા માટે ખૂબ જ નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. મેં આવું પ્રતિબંધિત સાહિત્ય ઘણી મહેનત કરીને દિલ્હીની નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયામાંથી પ્રાપ્ત કર્યું હતું જે અત્રે મોજૂદ છે.’ મહાનિબંધમાં આવા જપ્ત થયેલા ગીતોને સમાવવામાં આવ્યા છે. સંશોધકે અનેક સ્ત્રોતોનો ઉપયોગ કર્યો છે એટલું જ નહીં શકય હોય ત્યાં સુધી તેમાં ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે. લેખકે દિલ્હીની નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી, મુંબઇનું મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવ્સ, ગુજરાત વિદ્યાપીઠ લાઈબ્રેરી, ગોધરાની કોલેજની લાઈબ્રેરી, ભરૂચ સત સંગ્રામ પત્રિકા, ગાંડીવ, સ્ત્રી શકિત, ‘ગુજરાતમિત્ર’ વગેરેનો ઉપયોગ કર્યો છે. આજે ‘Source Book on Indian Freedom Struggle’ જેવા મૂળભૂત ગ્રંથોની જરૂર છે. માત્ર કલ્પના કે દંતકથાઓને આધારે કોઇ પણ ગંભીર ઐતિહાસિક ગ્રંથ લખી ના શકાય. આવા કારણોસર ડૉ. પીયૂષ અંજીરિયાનો ઉપર્યુકત Ph.D. ગ્રંથ જો પ્રકાશfત થાય તો તે માત્ર ઇતિહાસકારો માટે જ નહીં પણ સાહિત્યકારો, સમાજશાસ્ત્રીઓ, પત્રકારો, બૌધ્ધિકો તેમ જ જાગૃત જનતા માટે ઘણો ઉપયોગી થઇ પડશે.