મૂળ યુપીના ગાઝિયાબાદનો વતની પણ દિલ્હીમાં જન્મેલા હરીશ રાણા, ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી બીટેકમાં અભ્યાસ કરી રહ્યો હતો. 2013માં હોસ્ટેલના ચોથા માળેથી પડી જતાં થયેલી ઈજાને કારણે આખા શરીરમાં લકવો થઈ જતાં કોમામાં જતો રહ્યો. છેલ્લાં તેર વર્ષથી આ અસામાન્ય સ્થિતિ હોવાથી તેના માતા-પિતાએ તેનું ઈચ્છામૃત્યુ માંગ્યું હતું.આપણા દેશમાં 2005માં ‘કોમન કોઝ’ નામની એક બિનસરકારી સંસ્થાએ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અધિકારની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી.
જેના પર નવમી માર્ચ 2018ના રોજ તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળ છ જજોની બેન્ચે ઈચ્છામૃત્યુને કાયદેસરની માન્યતા આપતાં જણાવ્યું હતું કે જે કોઈ દર્દી અસાધ્ય રોગથી પીડાતો હોય અથવા માત્ર લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જીવતો હોય તો કુદરતી રીતે મૃત્યુ મેળવવા માટે તેની સારવાર બંધ કરી શકાય. તેને ઈચ્છામૃત્યુ નહીં પરંતુ સન્માન સાથેનું મૃત્યુ પામવાનો અધિકાર માનવામાં આવે છે. આ નિર્ણયને આધારે સુપ્રીમ કોર્ટે હરીશને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. આ જજમેન્ટને પગલે હવે દેશમાં મેડિકલના આધાર પર જો કોઈ દર્દી સારો થઈ શકતો ન હોય તો તે ઈચ્છામૃત્યુની મંજૂરી મેળવવા શક્તિમાન બન્યો છે.
વ્યારા – પ્રકાશ સી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.