હેપ્પી દિવાલી એન્ડ પ્રોસ્પરસ ન્યૂ યર…
મિત્રો, દિવાળી એ અંધકારને મિટાવીને ઉજાસ ફેલાવતું પર્વ છે. આપ સહુના જીવનમાં પણ અજ્ઞાન અને દુ:ખરૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાન અને સુખનો પ્રકાશ ફેલાય એવી અમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ… એ સાથે જ નૂતન વર્ષના મંગલ પ્રભાતે આપ સહુનાં સપનાંઓ અને ઇચ્છાઓ સાકાર કરવાનું સામર્થ્ય પ્રગટે અને જીવનને એક અર્થ આપી સૌ વ્યકિત અને માનવ તરીકેનું સામર્થ્ય પ્રગટાવો એવી શુભકામના!
ઝગમગ દીવડાથી સજ્જ થયેલ ધરતી પર જયારે તારા મઢયું આકાશ અંધકારભરી રાતને ચીરતું ધરતી પર ઝૂકે છે ત્યારે અમાસની રાત લઇને આવેલ દિવાળી લોકોના હૈયામાં ઉમંગ અને ઉત્સાહ છલકાવવાનો તહેવાર બની જાય છે. જી હા, આ તે જ નવાનકોર દિવસો છે કે જયાં અત્ર-તત્ર-સર્વત્ર બધું નવું નક્કોર જણાય છે અને અગર નવું ના હોય તો જૂનાને સાજ-સજાવી નવું બનાવી દેવાનું પર્વ એટલે જ… દિવાળી…
શેરીઓ, ગલીઓ કે સોસાયટીઓમાં જ નહીં બલકે દિલોમાં પણ અજવાળા પથરાવા જોઇએ. આ પર્વમાં ઘરનો કચરો તો સાફ કરીએ જ છીએ પણ મનમાં ભેગા થયેલ નિરાશા અને અંધકાર પણ આ નવા દિવસોમાં દીપમાળાઓના ચોતરફ ફેલાયેલ અજવાળાથી અજવાળવાના હોય છે.
નવું વર્ષ, નવો દિવસ!નવો સૂરજ! તો પછી નવું જીવન કેમ નહીં? નવા વિચારો કેમ નહીં? તહેવાર એટલે સંબંધોમાં સંવાદિતા, પરસ્પરની ચાહના, લાગણીની આપલે. ફૂલોની, મીઠાઇઓની તથા શુભેચ્છાઓની આપલે. આ બધામાં આનંદ મુખ્ય છે અને એ આનંદ પ્રાપ્તિ કયારે થાય? પરિવારની હૂંફ, મિત્રોનો સાથ, અને પાડોશીઓનો સહકાર જીવનમાં સાંપડે- એકબીજાને આપણે હૈયે વસતા રહીએ, ગમતાં રહીએ તો દિવાળીનો તહેવાર સુખમય બને… બસ આનંદ જ આનંદ જીવનમાં વર્તાય!
પણ આવો આનંદ બધાંનાં ઘરોમાં કયાં હોય છે?
સર્વત્ર આનંદ છે પણ અવંતિના મનને કોઇ આનંદ નથી. કારણ દિવાળીનું સાફસફાઇનું કામ પતતું જ નથી. પતિની પણ કોઇ મદદ નહીં. કારણ તેને પણ ઓફિસમાં એટલું જ કામ. બાળકો તો નાનાં કોઇ કામના નહીં, કામ વધારે પણ ઓછું ન કરે. અવંતિ કામમાં વ્યસ્ત હતી ત્યાં જ ઓફિસેથી નીલ આવ્યો. નીલને એમ કે ઘેર જઇને સરસ મજાની એક કપ ચા પીશ તો થાક ઊતરી જશે. પણ આ શું? તે ઘરે પહોંચ્યો ત્યારે ઘર અસ્તવ્યસ્ત હતું. અભરાઇ પરનો બધો સામાન નીચે વચ્ચોવચ્ચ પડયો હતો. સોફા, પલંગ, ટી.વી. બધું જ અસ્તવ્યસ્ત હતું. નીલ અવંતિ પર ખીજવાઇ ગયો. આ શું માંડયું છે?
‘‘અરે, દિવાળી આવે એટલે ઘરની સાફસૂફી તો કરવી જ પડે ને? ચાલો હવે મને મદદ કરો.’’ ‘‘અરે, તારી દિવાળી તો મારો જીવ લેશે’’ કંટાળીને નીલ બોલ્યો, તરત જ અવંતિ બોલી ‘મારી દિવાળી’ કેમ તમારી નહીં?’’ આ પ્રશ્ન ઘણાં કુટુંબોમાં થતો હોય છે. દિવાળી કોની? ઘરની સાફસૂફી વખતે ગૃહિણીની. બાળકો અને કુટુંબ માટેની ખરીદી કરતી વખતે સ્વામીની, ફટાકડા ફોડતી વખતે બાળકોની, દિવાળીમાં ફૂલફટાક થઇ ફરવા માટેની પુત્ર અને પુત્રવધૂની. દિવાળી આવી એટલે નીલ પોતાનાં અને બાળકોનાં કપડાં લઇ આવ્યો. અવંતિને કહેવા લાગ્યો ‘તારી પાસે તો બહુ સાડી છે, તારે લેવાની કયાં જરૂર છે?’ અવંતિ કશું જ બોલી નહિ, ચૂપચાપ સાંભળી રહી.
તો પણ એના મનમાં થયું કે બધાંને માટે નવાં કપડાં અને મારા માટે જ નહીં…? શું હું ઘરની સભ્ય નથી? પતિ તરીકે મારા માટે નવાં કપડાં લાવવાની એમની ફરજ નથી? દિવાળી સૌની છે. સૌના દિલમાં ખુશી પ્રગટે એ જોવાની સૌની ફરજ છે. છતાં હું બધું ભૂલીને હસીખુશીથી ઘરના સભ્યો માટેની અને ઘર માટેની બધી સામગ્રી ખરીદવા સાથે ગઇ. સ્ત્રી એ પરિવારનું કેન્દ્રબિંદુ છે. એની સૂઝબૂઝ અને આવડત જ તૂટતાં ઘરોને બચાવી શકે. એક સ્ત્રીએ કેટકેટલું કરવાનું છે. એના મનમાં મનોમંથન ચાલ્યું. નૂતન વર્ષે એક સ્ત્રીની પ્રાર્થના શું હોઇ શકે? સાહિત્યકાર શ્રી કુન્દનિકા કાપડિયાએ ‘પરમ સમીપે’ પુસ્તકમાં ખૂબ સુંદર વાત કરી છે- ‘હે પ્રભુ’ એક નાનકડા કુટુંબને મારી સંભાળમાં મૂકી મારામાં જે વિશ્વાસ પ્રગટ કર્યો છે એ વિશ્વાસને હું ઊજળો રાખી શકું એવા મને આશીર્વાદ આપો અને હૃદયની એ મોટપ આપો કે હે પ્રભુ!
આ નાનકડા ઘરને હું કિલ્લોલતું રાખું…! જયાં ફૂલની જેમ સૌ ખીલે અને સંગીતની જેમ સંવાદી રહે… જયાં સહુને મુકત અભિવ્યકિતનું આકાશ હોય. મારું ઘર સૌને માટે વિસામારૂપ બને. મારાં સંતાનોને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ, માનવપ્રેમ અને પરમાત્મા પ્રત્યે પ્રેમનો વારસો આપું! હે પ્રભુ! મને શકિત આપ, ભકિત આપ! દિવાળીના મંગલ દીવાની જેમ જલતા રહીએ. સમર્પણની ભાવના હૈયે સદાયે રહે. અમાસની અંધારી રાતની જેમ માણસના મનમાં પણ અનેક જાતના અંધારા હોય છે. અજ્ઞાનતાનું અંધારું, નફરતનું અને સ્વાર્થનું અંધારું, અસત્યનું અંધારું વગેરે. આ અંધકારને દૂર કરવા માટે આપણી ભીતરમાં એટલે કે દિલમાં પણ પ્રેમનો, માનવતાનો દીવો પ્રગટાવવાનો છે. કુટુંબ ભાવનાનો, સહકારનો દીવો પ્રગટાવીએ. એક પરિવારની વાત જોઇએ.
અમારા સંબંધી વૃધ્ધત્વને આરે. તેમના છોકરા-વહુ દેવાંગ અને દેવકીની વાત કરીએ તેઓ બે બાળકો સાથે શહેરમાં રહેતાં હતાં. વૃધ્ધ માતાપિતા ગામમાં રહેતાં હતાં. કારણ દેવકીને સાસુ-સસરા જોડે ફાવતું ન હતું. દેવાંગ દિવાળી ગામમાં માતા-પિતા સાથે કરવા ઇચ્છતો હતો પણ દેવકી દાદ દેતી નહોતી. દેવાંગ મનમાં સમસમી બેસી રહ્યો. દિવાળીના દિવસો હતા. મોટો પુત્ર જય મિત્રો સાથે રમવા ગયો હતો. જમવાનો સમય થયો. રાહ જોઇ જોઇને છેવટે જમવા બેઠાં, દેવકી બબડાટ કરતી હતી- ‘સવારમાં પણ નાસ્તો કર્યો નથી, ભૂખ્યા પેટે શું રમવાનું? મને એની ચિંતામાં ખાવાનું ય ભાવતું નથી. સપરમા દિવસે બધા સાથે બેસીને જમવાનું ત્યારે…! દેવકીના બબડાટથી દેવાંગનું મન વૃધ્ધ મા-બાપ પાસે પહોંચી ગયું. તેને મનમાં થયું કે જો દેવકીને પોતાના બાર વર્ષના પુત્ર વિના સપરમા દિવસે ખાવાનું ન ભાવતું હોય તો મારાં મા-બાપને મારા વગર જમવાનું ઝેર જેવું લાગતું હશે ને?
સાચી વાત છે. દિવાળી તો પ્રેમનો પ્રકાશ ફેલાવવાનું પર્વ છે. તહેવારને માત્ર એક વહેવાર તરીકે નહીં પણ જીવનના એક ભાગ તરીકે સમજીએ. દરેક પ્રકારના કલેશ-કંકાસ-કટુતાને વિદાય આપી જીવનને ચેતનવંતુ બનાવીએ. જીવનમાં કુટુંબ સાથે રહેવું એ મોટું સદ્ભાગ્ય છે! વડીલોના આશીર્વાદ નસીબદારને જ પ્રાપ્ત થાય છે. વર્ષ તો બદલાય છે પણ જીવન જીવવાની સમજ બદલીએ ત્યારે જ આપણું નવું વર્ષ સફળ કહેવાય. નવી જિંદગી, નવી દુનિયા ખડી કરવાનું આપણા સૌના હાથમાં છે. આ પર્વોમાં આપણા જીવનનાં બધાં મૂલ્યોને, પ્રત્યેક સોપાનને, હર્ષથી વધાવીએ. રંગોળીના રંગથી ભરી દઇએ, ફટાકડાના અવાજમાં હૃદયના નાદને ચૈતન્યથી ધબકતું રાખીએ. વાક્બારસે મા સરસ્વતીનું સ્વાગત કરીએ. ધનતેરસે મા લક્ષ્મીને આવકારીએ. કાળી ચૌદસે કકળાટને વિદાય આપી શાંતિનું સ્થાપન કરીએ. ભાઇબીજે બીજના ચંદ્રમાની જેમ પોતાનો ભાઇ કર્મયોગી બને એવી શુભેચ્છા પાઠવીએ. આ પાંચેય પર્વનો સંપુટ માનવીને પુન: ઉત્સાહ, ચેતના, આશા અને વિશ્વાસનો ખજાનો ભેટ આપે છે અને એ ભાથા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરે છે.
તો વાચક મિત્રો! દિવાળી અમરકૃતિનો અમર વારસો છે. આપણને સૌને આ ઉત્સવથી પ્રતીતિ થશે કે દિવાળીનો ઉજાસ, હોળીની રંગછોળ, શ્રાવણના મેળા, નવરાત્રિના તાલલય બધું આપણી ભીતર જ પડેલું હોય છે, તેને ઉજાગર કરીએ.
આપણા દેશ માટે, સૌ દેશવાસીઓ માટે આવનારું આ નવું વર્ષ શુભ-મંગલ બની રહે. સૌ જીવોની પ્રગતિ થાય. સૌ સુખી રહે અને ઉન્નતિથી મસ્તક સદાય ઊંચું રાખી માનવ કલ્યાણ કરતા સૌ એકબીજાને શાંતિ અર્પે એ જ નવા વર્ષની પ્રભુને પ્રાર્થના.
સાલમુબારક… હેપ્પી ન્યૂ યર
સુવર્ણરજ
‘સ્નેહથી સૌને સત્કારજો
વ્હાલથી સૌને વધાવજો,
પ્રેમપુષ્પોથી સન્માનજો,
મનની શાંતિ પામજો.’