હમણાં પચાસ વર્ષો સંગ્રહેલાં અંગત પત્રોનું વ્યવસ્થાપન કરવામાં પડયો છું. આ પત્રોમાંથી પસાર થતાં સહુથી વધુ આશ્ચર્ય થયું હોય તો તે મોટાભાઇ અને પિતાના પત્રોથી. મારી એકસઠ વરસની ઉંમર સુધી અમે સાથે રહ્યા પણ તેમનું આ પાસું તો અજાણ્યું જ રહ્યું – તે તેમના લખાણમાંથી ડોકાતી પ્રૌઢિ અને સંવેદનશીલતા. દાદાના અને અમારા ઘરમાં લાઈબ્રેરીનાં પુસ્તકો લેંગ લાઈબ્રેરીમાંથી નિયમિત લઇ આવતાં તે પુસ્તકો વાંચન એક અજબ પ્રૌઢિ આપશે તે નહોતી ખબર. એ સાક્ષાત્કાર તેમનાં પત્રોથી થયો. એક પત્ર તેની સાક્ષી પૂરે એવો હતો.
આ પત્ર તેમણે મારી માને લખેલો (૧૯૭૫ ની ઓગણીસમી નવેમ્બરે) – લગભગ 65 વર્ષ પહેલાં. આમ જુવો તો પતિએ પત્નીને લખેલો પત્ર. તેથી અંગત જ કહેવાય છતાં વાંચતા એવું લાગ્યું કે આ તો સાર્વજનિક છે. એક સ્વપ્નિલ ગદ્ય છે, એક સાહિત્યરસિક સંવેદનશીલ વ્યકિતએ લખેલું. પિતાજી ઓફિસના કોઇ કામે બિહાર મુઝફ્ફરપુર ગયેલાં અને ત્યાંથી કાઠમંડુ દર્શન કરી પાછા ફરતાં લખેલા આ પત્રમાં તેમની સ્થૂળ મુસાફરી અને સમાંતરે ચાલતી તેમની મનોયાત્રા સ્વપ્નાયાત્રાનો ચિતાર આપ્યો. એ મનોયાત્રામાં તેમને મળેલાં પાત્રો તે રાની ચંદાની ‘પૂર્ણકુંતી’ નવલનાં પાત્રો અને શરદબાબુની ‘શ્રીકાંત’ અને ‘વિચ્છેદ’ નવલકથાનાં પાત્રો.
મુઝફ્ફરપુર તા. ૧૯-૧૧-૭૫ ‘પ્રિય ભાનુ, કાઠમંડુ જઇ આવ્યો. વખતના અભાવે મુઝફ્ફરપુર પહોંચતા જ અડધો લખેલો પત્ર – હજી નથી પૂરો કરી શકયો, તે આજે લખું છું. પ્લેનની મુસાફરીમાં કંઇ રોમાંચનું તત્ત્વ ન હતું કેમ કે તેનો અનુભવ પહેલાં થઇ ગયો હતો – પુન:લગ્નમાં પ્રથમ લગ્નની મુગ્ધતા અને સુકુમારતા નથી જોવા મળતી તેમ. એક કલાકમાં જ દિલ્હી પહોંચી ગયો હતો. રસ્તામાં અલ્હાબાદ આવ્યું. ત્રિવેણી સંગમ પર નિર્મોક્ષનંદજીના અખાડાની ધજા ફરકતી દેખાતી હતી. કુંભમેળાની એ સંહારલીલા તાદૃશ્ય થઇ – અરે જાણે પેલાનો રોટલો થઇ ગયો – તે સામે ધડ વગરનું માથું રખડતું હતું – સૌને ભીડમાંથી દૂર રાખતી અને નાવમાં મધ્ય નદીમાં લઇ જતી વિનોદિની દેખાઇ – કેતનને પણ જોયો – કંઇક કરી નાખવાની તમન્નાવાળો કે જેથી વિનોદિનીની નજરમાં તે ઊંચો ઊઠે. રસ્તામાં કાનપુર પણ આવ્યું – કાનપુર ૧૮૫૦ ના બળવાની એક અગ્રભૂમિ…. અરે જુઓ મધ્ય નદીમાં અંગ્રેજ સ્ત્રી અને બાળકોને ડુબાડી દેવાયા – તાત્યા ટોપે અને નાના સાહેબની એ ‘જેવા સાથે તેવા થવાની વાત’ કદી રાજશેખરને માન્ય નથી રહી… સ્ત્રીઓ બાળકો અવધ્ય છે. અને શેખર સુભગા અને એમીલી સ્મરણપટ પર આવ્યાં.
એમીલી! નહિ કે હું હિંદુ છું તેથી પણ આ હૃદય સિંહાસને એક બીજી નારી બિરાજમાન છે તેથી તારો એ પ્રેમ નથી સ્વીકારી શકતો…. જા આજે તું રાંધજે અને હું જમીશ – તારી સાથે છૂતાછૂતને કારણે નથી બંધાતો એમ નથી પણ એ સ્થાન ખાલી નથી.. પણ… પણ…. છતાંયે જયારે કંઇ મારી જરૂર પડે ત્યારે સંભારજે અને હું આવી પહોંચીશ. મુગલસરાઇ…. કાશી પડખામાં જ રહ્યું અને મન કુદકો મારી કાશી વિશ્વનાથના દર્શને જઇ ચડયું… કાપાલિકોની એ પૂજા નીહાળી અને ભકિતભાવથી વિનોદિનીના કંઠે ગવાતી કાશીવિશ્વનાથની સ્તુતિ સાંભળી…. રસ્તામાં પેલા શાસ્ત્રીજી મળી ગયા તેમની બીટીયાં વિનોદિનીને ગૃહસ્થધર્મ અંગે સુવર્ણ શીખામણ આપી તે સાંભળી લ્હાવો મળ્યો અને આગળ જતાં પટણા આવ્યું. સ્ટેશન પર જ રતન મળી ગયો. શ્રીકાંતની બર્માયાત્રા પહેલાંની એ મુલાકાત…. ગોળમાંથી એક શુભ્રવસ્ત્ર ધારીણી લાલ કિલરની સાડી પહેરીને ઊભી છે…. આવજો પણ કહી શકતી નથી અને રોકાવ તેમ પણ કહી શકતી નથી.
સ્નેહ અને સમાજ વચ્ચે ભીંસાઇને ઊભી છે. એ અશ્રૂપૂર્ણ આંખો અને વિષાદમય મોં કદી નહીં ભૂલાય. અહીં કેમ મોં સીવાઇ જાય છે! ભળભળીયો રતન પણ મૌન છે – રાજલક્ષ્મી કરતાં રતનની એ સ્વામીભકિત જરા પણ ઊતરતી નથી. એક બીજું દૃશ્ય…. એ જ ઘર છે. આ એ જ ઘર છે ને ચીજ બધી એ જ છે.
તો યે દીસે ભુખર ઘર સૂમસામ સર્વ. આ એ જ ઘર છે! કે સાધ્વીઓનો અખાડો! કયાં ગયાં એ હાંડી ઝુમ્મર અને મશકની તબાહીઓ? કાળાં ભમ્મરવાળવાળી રાજલક્ષ્મીને જોવા ટેવાયેલી આંખો તેના શ્વેત વસ્ત્રો અને ટુંકા વાળ જોઇને – આઘાત પામી – કયાં ગઇ જાજવલ્યમાન એ રાજલક્ષ્મી! મરી ગઇ! હા મરી ગઇ. જીવતાં ચામડી ઉતરડી નાખવા જેવું એ કઠીન કાર્ય કરી રહી છે – ભૂતકાળની એ સ્મૃતિને તોડીફોડી ફેંકી દેવા દફનાવી દેવા માંગે છે. સમાજની કે ક્રુરતાનો એ ભોગ બની છે તેમનાં જ નીતિનિયમો તે પાળવા મથે છે. જો તેને ગાનારી બજાવનારી બનવું પડયું તે વાંક કોનો? સામાજિક વ્યવસ્થાનો કે હિન્દુ કન્યા કુંવારી ન રહી શકે. એણે રાજકુમારના સહવાસ દરમ્યાન તેની એ આપવીતી આપણને કહી હતી જ – જે સમાજે તેને અન્યાય કર્યો છે તે સમાજમાં સ્થાન પ્રાપ્ત કરવા એ મથી રહી છે – તેમની જ ફૂટપટ્ટીએ મપાવા અને તેમના જ કાટલે તોળાવા એ તૈયાર થઇ છે. આજ એની કરુણતા છે… અને એ ઘેલછામાં એ પોતાના પ્રિયજનને ખોઇ બેસવાની અણી ઉપર હોય છે. ગંગા માટીના શ્રીકાંતના એ દિવસો કેટલાં એકલવાયા અને વિષાદમય હતા! રાજલક્ષ્મી તેનું ઘરમાં અસ્તિત્વ જ ભૂલી જાય છે – ઉનાળાની એ બપોરે લૂ ઝરતી ધીખતી બપોરે બારી પાસે એકલો શૂન્યમનસ્ક બેઠો જ હોય છે…. હા વચ્ચે આનંદ આવે ત્યારે કંઇક ફેર પડે છે.
અરે – આતો બરેલી આવી ગયું. સાથેનો સાથી કહે છે ‘ઉઠો દવે સાહેબ અલ્હાબાદ – કાનપુર – પટણા તો રાતમાં જ પસાર થઇ ગયા’…. ત્યારે શું મને સ્વપ્ન આવ્યું? આ બધાં આવી મળી ગયા તે સ્વપ્ન હતું? જે હો તે મને તો તેમની કંપની માણવા મળી – તમને પણ એ સ્વપ્નકથા લખી જણાવી. ભાગીદાર બનાવવાનું મન થયું અને લખી નાખ્યું.
‘વિચ્છેદ’ (નવલકથા) ફરી વાંચી નાખી. મદામ સિન્ટોની વિષાદમય મૂર્તિ નજર સામેથી ખસતી નથી. અને ન્યુમેનની એ સગપણ તૂટી ગયા પછીની સ્વસ્થતા દાદ માંગી લે છે. વર્ષ બે વર્ષે વાંચીએ છીએ ત્યારે એવી જ મજા આવે છે. કાઠમંડુથી લખેલ પત્ર અને મોકલેલ બિલીપત્ર મળી ગયાં હશે – તે યાત્રા વિષે પણ કંઇક લખી રાખ્યું છે – વખત મળશે તો શબ્દદેહ અપાશે – નહીંતર રૂબરૂ. ગૌરાંગ ગયો હશે. શુક્રવારે દિલ્હી પહોંચીશ. રવિવારે ત્યાંથી નીકળી સોમવારે અમદાવાદ પહોંચીશ.
સૌ કુશળ હશો લિ. રમેશ દવે તા. 19-11-75 પિતાજી લેખક ન હતા. હતા તો એક સાહિત્યરસિક સંવેદનશીલ માણસ. તેમણે વાંચેલી ઉત્તમ નવલકથાના કાલ્પનિક પાત્રો અને તેમની સંવેદના વરસો પછી પણ એવી તો જીવંત છે કે વાંચ્યા પછી એ પાત્રો તેમના મનોજગતના અંતેવાસી બની ગયાં. આ પત્ર ન મળ્યો હોત તો પિતાજીનું આ પાસું હજુ પણ મારી જાણ બહાર જ રહ્યું હોત. ટ્રેનની સ્થૂળ યાત્રાની સમાંતરે ચાલતી તેમની સ્વપ્નિલ મનોયાત્રા તમને પણ ગમી ને?