કુહાડીનો ઘા પોતાના માથા પર લઇને ભગવાન વિષ્ણુએ ભરવાડને ગૌહત્યા પાતકમાંથી બચાવ્યો પણ ચોલ રાજાના ડરથી તે ગાયને મારતો હતો એટલે રાજા ચોલ પર વિષ્ણુજી ક્રોધિત થયા. પોતાનું નિજ સ્વરૂપ રાજાને બતાવીને શાપ આપ્યો, ‘રાજા, જા તું પિશાચ થઇને જંગલમાં ફરશે.’ ચોલ રાજા પ્રાર્થના કરે છે, ‘પ્રભુ! હું નિર્દોષ છું. મને ક્ષમા કરો, હે રક્ષણહાર! શાપ વિમોચન કરો.’ રાજા ચોલની પ્રાર્થના સાંભળીને શ્રી વિષ્ણુ બોલ્યા, ‘રાજન! મારો શાપ નિષ્ફળ થશે નહીં અને તે પાછો લઇ લેવાની મારી શકિત પણ નથી પણ તું શાપગ્રસ્ત બનીને તે શરીરને છોડીને પછી આવતા જન્મે તું ફરીથી આ જ ચોલ વંશમાં રાજાશ્રી તરીકે જન્મ પામીશ. રાજા ‘આકાશ’ નામે પ્રસિધ્ધ થઇશ. ત્યારે તારી પુત્રી સાથે મારા લગ્ન થશે.
ત્યારે તું મને એક ભવ્ય, દિવ્ય, અમૂલ્ય વજ્રનો મુગટ અર્પણ કરશે. તે મુગટને હું ફકત શુક્રવારે ધારણ કરતો રહીશ. તે સમયે મારું દર્શન કરીને તું મોક્ષને પ્રાપ્ત કરશે.’ એમ ભગવાન વિષ્ણુએ ભવિષ્ય કથન સાથે શાપ વિમોચન કર્યું. ભરવાડ પણ મૂર્છામાંથી ઊઠીને સાવધ બન્યો હતો અને ભૂલની માફી માગીને યાચના કરતો હતો. ત્યારે ભગવાને કહ્યું, ‘હે વત્સ! તું નિશ્ચિંત થા, તારો કોઇ અપરાધ નથી. આ ભૂલોકમાં તેં જ મારું પ્રથમ દર્શન કર્યું છે. તું ભાગ્યવાન છે. જ્યારે મારા મંદિરમાં તારા ક્ષેત્રમાંથી જનારો જ મારું પ્રથમ દર્શન લઇ શકશે.’ આ શ્રી હરિના વચનો સાંભળીને ભરવાડ આનંદિત બની ગયો. આજે પણ શ્રી હરિના વચન પ્રમાણે દર્શન પ્રથા ચાલુ છે.
શ્રી હરિના દર્શનનું મહત્ત્વ અને પ્રભાવ બહુ જ કલ્યાણકારી છે. પ્રાચીન કાળની વાત છે. સનક અને સનન્દન મહામુનિઓ શ્રી હરિના દર્શન માટે નવરૂપ ધારણ કરીને વૈકુંઠમાં ગયા હતા. ત્યાં જય – વિજય નામે બંને દ્વારપાળોએ મુનિને અટકાવ્યા. મુનિને આ વાત અપમાનસ્પદ લાગી અને મુનિએ તે બંનેને શાપ આપ્યો કે તમે બંને રાક્ષસ થાવ. ત્યારે જય – વિજયને પોતાની ભૂલ છે એવું લાગ્યું અને બંનેએ મુનિઓની ક્ષમા માગી અને પ્રાર્થના કરી. પ્રાર્થના સાંભળીને મુનિએ શાપ વિમોચનમાં કહ્યું, ‘સાંભળો તમે 3 જન્મ સુધી રાક્ષસ વંશમાં જ જન્મ લેશો અને તમને મૃત્યુ પણ શ્રી હરિના હાથે જ મળશે. પછી તમે વૈકુંઠમાં જ દ્વારપાળ થઇને રહેશો.
હવે તમે હિરણ્યાક્ષ અને હિરણકશ્યપુ રૂપે અવતરશો.’ હિરણ્યાક્ષ રાક્ષસ બહુ જ ક્રોધી, ક્રૂર અને માનવભક્ષી હતો. તે મુનિઓને, સાધુસંતોને, દેવતાઓને અને શ્રી હરિના ભકતોને ખૂબ જ રંજાડતો હતો. એક સમયે હિરણ્યાક્ષે અઘટિત કર્મ કર્યું. પૃથ્વી દેવીને ત્રસ્ત કર્યા. પૃથ્વી પર ઘોર પ્રહાર કરીને પાતાળમાં દબાવી દીધી. બધે જ હાહાકાર મચ્યો. સમસ્ત પૃથ્વી પરનો ભૂલોક ત્રાહિમામ પોકારતો થઇ ગયો. બધા જ નિરાધાર, અસહાય અને પરમ દુ:ખી બન્યા. દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીને ભૂલોકની દયનીય સ્થિતિનું વર્ણન કરાવ્યું. ભૂલોકની પ્રજાની હીન, દીન અવસ્થા સાંભળીને પ્રભુએ તેમને આશ્વાસન આપીને વિદાય કર્યા.
ભગવાન વિષ્ણુએ પોતે આપેલું આશ્વાસન પૂર્ણ કરવા વિચારને અંતે ‘શ્વેતવરાહ’ રૂપ અવતાર લીધો અને પાતાળમાં પ્રવેશ કરીને પોતાના પ્રચંડ મહાશકિતશાળી દાંતો પર પૃથ્વીને ઊંચકી લીધી. ભૂદેવીનું રક્ષણ કરીશ એમ આશ્વાસન ભગવાન શ્રી હરિએ આપ્યું હતું અને જ્યાં પૃથ્વીનું સ્થાન હતું, ત્યાં જ પૃથ્વીને સ્થિત કરીને કર્મરત કરી. એમ વિષ્ણુજીએ ત્રીજો અવતાર વરાહ રૂપે લીધો હતો અને રાક્ષસ હિરણ્યાક્ષનો સંહાર કર્યો. સર્વ ભૂમંડળમાં આનંદ થયો. વિજય દુંદુંભિ વાગી અને દેવતાઓએ, મુનિજનોએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી, હે ભકત વત્સલ કૃપાનિધિ, અશ્વાસનપૂરક!
જે ભૂદેવીને તમે બચાવી સમસ્ત લોકોનું રક્ષણ કર્યું અને પ્રગટ અવતાર ધારણ કર્યો ત્યારે શ્વેતવરાહ સ્વામી પ્રસન્ન થયા અને મુનિજનોની પ્રાર્થના સાંભળીને શેષાચલ પર્વત પર ‘વ્યંકટેશ્વર’ નામથી અવતાર લઇને ભકતોનું રક્ષણ કરવા લાગ્યા. ભૂલોકમાં અનેક શ્રી વરાહ સ્વામીના ભકતો છે. જેમને અનેક લીલાઓ કરીને ભકતોનું રક્ષણ તથા ભકતોને સહાય કરી છે. આ વ્યંકટેશ્વરનું ધ્યાન, પૂજન, અર્ચન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. વંશવૃધ્ધિ થતાં અનેક વિદ્વાન પંડિત અને પરોપકારી જીવો જન્મ લઇને વંશોધ્ધાર કરે છે. વ્યંકટેશ તિરુપતિ બાલાજી બહુ પ્રખ્યાત સઘન દૈવત છે. આરોગ્ય, ઐશ્વર્ય, વૈભવ અને દીર્ઘ આયુષ્યની આવશ્યક સંપદા આપવા માટે વ્યંકટેશ્વરના આશીર્વાદ જ ઉપયોગી પડે છે.
ગોવિન્દા શ્રી વ્યંકટેશ બાલાજી નમોસ્તુતે!