વ્યારા: ડોસવાડા (Dosvada) ગામની સીમમાં પોખરણ પેટ્રોલપંપ સામે જીઆઇડીસીની જગ્યામાં વેદાંતા કંપની દ્વારા મેસર્સ હિંદુસ્તાન ઝીંક લિમિટેડ (Hindustan Zinc Ltd.) કંપનીનો પ્લાન્ટ સ્થાપિત કરવા સન્દર્ભે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની (GPCB) જાહેર લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીપીસીબીની સુનાવણી મોકૂફને બદલે કાયમી ધોરણે રદ કરવાની સાથે કલેક્ટર પાસે તેની લેખિત માંગ કરી હતી. જો કે, લેખિત ખાતરી ન આપતાં પ્રદર્શનકારીઓનું એક જૂથ નારાજ થયું હતું. ચક્કાજામ કરેલો ધોરી માર્ગને નહીં ખોલતાં મામલો ગરમાયો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરતાં પથ્થરમારો થયો હતો. જેમાં બંદોબસ્તમાં મુકાયેલ તાપી, નવસારી તથા સુરત જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સહિત ૧૪ જેટલા પોલીસકર્મીઓ ઘવાયા હતા. ૧૦ જેટલા પોલીસ વાહનોને તોડફોડ કરી નુકસાની પહોંચાડી હોય પોલીસે (Police) આ મામલે ૨૦૦થી ૨૫૦ જેટલા ઇસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
આદિવાસીઓનું કહેવું છે કે, ડોસવાડા જીઆઇડીસીમાં ૫મી જુલાઇએ રાખેલી આ લોક સુનાવણીનો આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તેમજ ડોસવાડા સહિતનાં ગામો, સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો. લોક સુનાવણી રદ ન કરવામાં આવે તો ૩૦મી જૂનથી ધરણાંની ચીમકી પણ આપી હતી. લોક સુનાવણીને તેઓએ એકતરફી પ્રક્રિયા ગણાવી હતી. લોક સુનાવણી સંદર્ભે કમિટીએ દર્શાવેલી પર્યાવર્ણીય અસરોની આકારણી/ મૂલ્યાંકનની નકલો રાજ્યનાં વહીવટી ભાષા એટલે કે, ગુજરાતી ભાષામાં ઉપલભ્ધ ન હોવાનું જણાવ્યું હતું. જે ન્યાયપ્રણાલી તથા કાયદા કાનૂનની વિરુદ્ધનું કૃત્ય ગણાવતા કોરોના કાળમાં આ લોક સુનાવણી રદ કરવા માટેનું આવેદન પણ આપ્યું હતું. પણ આવી તમામ બાબતોને ધ્યાને લીધા વિના લોક સુનાવણી યોજવામાં આવી હતી. જેને લઈ શરૂઆતથી જ પ્રદર્શનકારીઓમાં નારાજગી હતી.
બંદોબસ્ત પરના પોલીસકર્મીનાં મૃત્યુ નિપજાવવાના ઇરાદે પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરતાં ગુનાહિત બળ પણ વાપર્યુ હતું. આ લોક સુનાવણીમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખી આ બેદરકારીભર્યા કૃત્યમાં જાહેરનામાનો ભંગ થયો હોય, તેઓની વિરુદ્ધ ઇ.પી.કો. તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજિસ એક્ટ-૧૯૮૪ની કલમ ૩ મુજબનો ગુનો નોંધ્યો છે.
ગાડીઓ છોડાવવા પોલીસમથકે લોકોનું ટોળું ઊમટ્યું
વ્યારા: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જાહેર લોક સુનાવણી દરમિયાન પોલીસ અને એક ચોક્કસ જૂથ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં ભારે પથ્થરમારો થતાં ૧૪ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘવાયા હતા. રોષે ભરાયેલી પોલીસે ટીયર ગેસ છોડતાં પથ્થરમારા વચ્ચે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં ન્યાય માટે અહિંસક રીતે આંદોલન કરી રહેલા લોકોનાં વાહનો પણ પોલીસે કબજે લીધા હોય, પોતાનાં વાહનો પરત લેવા માટે લોકોનું ટોળું પોલીસ મથકે ઊમટી પડ્યું હતું. જો કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એકેય વાહનો છોડવાની પોલીસે સ્પષ્ટ ના પાડી હતી.