અદાણી કંપની અંગેનો રિસર્ચ રિપોર્ટ જાહેર કરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવનાર અમેરિકન રિસર્ચ કંપની હિન્ડનબર્ગ કંપનીને તાળાં લાગી ગયા છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચ કંપની હવે બંધ થઈ ગઈ છે. કંપનીના ફાઉન્ડર નેટ એન્ડરસને આ જાહેરાત કરી છે. આ એ જ હિન્ડનબર્ગ રિસર્ચ છે જેણે જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપ સામે રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેના પછી અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
હિન્ડનબર્ગ રિસર્ચના વડાએ આ નિર્ણય કેમ લીધો?
નેટ એન્ડરસને તેમના નિવેદનમાં કહ્યું, મેં ગયા વર્ષના અંતમાં કુટુંબ, મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું હતું કે મેં હિન્ડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એન્ડરસને જણાવ્યું હતું કે, કંપનીના ઈન્વેસ્ટિગેટિવ વિચારોના કામો પૂર્ણ કર્યા પછી કંપનીને બંધ કરવાનો વિચાર હતો. હિન્ડેનબર્ગ રિસર્ચે તાજેતરમાં પોન્ઝી સ્કીમ્સને લગતા તેના છેલ્લા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા બાદ તેની પ્રવૃત્તિઓને અટકાવી દીધી હતી.
અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ મુક્યો હતો
અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ એલએલસીએ જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપના શેરનું શોર્ટ સેલિંગ કરતી વખતે દાવો કર્યો હતો કે અદાણી જૂથના શેર તેમના વાજબી મૂલ્યાંકન કરતાં 85 ટકા વધુ મોંઘા છે. હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલમાં જૂથ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ છેતરપિંડીનો આરોપ પણ મૂક્યો હતો.
આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના શેરનું માર્કેટ કેપ 10 લાખ કરોડ રૂપિયાથી વધુ ઘટી ગયું હતું. આ અહેવાલ બહાર આવ્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) રદ કરવી પડી હતી.
અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના જવાબમાં અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત અહેવાલથી અમે આશ્ચર્યચકિત છીએ કારણ કે તેમણે અમારો સંપર્ક કર્યા વિના કે સાચા તથ્યોની ચકાસણી કર્યા વિના આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.
અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે આ અહેવાલ પસંદગીયુક્ત ખોટી માહિતી અને વાસી, પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોનું દૂષિત મિશ્રણ છે જેનું ભારતની સર્વોચ્ચ અદાલતમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે અને કોર્ટે તેને નકારી કાઢ્યું છે. અદાણી ગ્રુપે રિપોર્ટના સમય પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
