Comments

હિમાચલ પ્રદેશની આપત્તિ કુદરતી નથી પણ માનવસર્જીત છે

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની મોસમ દરમિયાન અવિરત વરસાદ અને ભૂસ્ખલનને પગલે ૩૨૮ લોકોનાં મોત થયાં છે. હિમાચલ પ્રદેશમાં આ વર્ષે બીજી વાર વરસાદની આપત્તિ આવી છે. પહેલી આપત્તિમાં મનાલી જેવું હિલ સ્ટેશન જળબંબાકાર થઈ ગયું હતું તો બીજી વખતની આપત્તિ હિલ સ્ટેશન સિમલા પર ત્રાટકી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પામેલી કાલકા-સિમલા ટોય ટ્રેનના પાટાઓ મૂળમાંથી ઉખડી ગયા છે. સિમલામાં છેલ્લાં સો વર્ષમાં કુદરતનો આવો કોપ જોવામાં આવ્યો નથી.

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને અચાનક પૂરની ૧૮૦ ઘટનાઓ પહેલાંથી જ અનુભવાઈ છે. વરસાદમાં થયેલો ૧૫૭ ટકાનો વધારો આ આફતો માટે મુખ્યત્વે જવાબદાર છે. મુશળધાર વરસાદે ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કર્યો છે અને માનવ વસાહતોની નીચેની જમીનને કાદવમાં ફેરવી નાખી છે, જે વધારાના ભૂસ્ખલનનું કારણ બની શકે છે. હિમાલયના પર્વતો, તેની માટી અને વૃક્ષો વધારાનું પાણી શોષી શકતા નથી, જેના કારણે ભૂસ્ખલન અને જમીનનું ધોવાણ થાય છે. હિમાચલ પ્રદેશનાં લોકોએ નવી આપત્તિ માટે તૈયાર રહેવું પડશે.

હિમાચલ પ્રદેશમાં જે આફત આવી છે તે કુદરતી નથી, પણ માનવસર્જીત છે. સિમલા, ધર્મશાલા, મનાલી અને મંડી જેવાં શહેરોમાં બાંધકામના કાયદાઓનું ઉલ્લંઘન કરીને ચાલી રહેલી અનિયંત્રિત બાંધકામ પ્રવૃત્તિઓને લીધે મકાનો પડી જાય છે અને ભૂસ્ખલન થાય છે. આનું મુખ્ય ઉદાહરણ હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનું બિલ્ડીંગ છે, જે ૧૧ માળનું ચણવામાં આવ્યું છે, જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ભલામણ મુજબના મહત્તમ ૨.૫ માળ કરતાં ક્યાંય વધુ છે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણ માટે બ્લાસ્ટિંગની પ્રવૃત્તિઓ અને રસ્તાઓ અને પાવર પ્રોજેક્ટ્સ માટે ટનલ ખોદવાથી ભૂસ્તરશાસ્ત્રીય સ્તર નબળું પડ્યું છે. રસ્તા પહોળા કરવાના કામકાજ દરમિયાન બિયાસ અને સતલજ નદીઓમાં કચરો નાખવાથી નદીના તટમાં પૂર આવવાથી કટોકટી સર્જાઈ છે.

તાજેતરના પૂરમાં હિમાચલ પ્રદેશમાં પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અંદાજિત રૂ. ૭,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. પીવાના પાણીની સેંકડો યોજનાઓ અને વીજ પુરવઠાની લાઈનો સહિત ૧,૪૦૦ થી વધુ રસ્તાઓ પ્રભાવિત થયા છે. રસ્તાઓ ધોવાઈ જવાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં બળતણ, શાકભાજી, દૂધ અને બ્રેડ સહિત આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે. ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અંદાજીત ૯૫૦ રસ્તાઓ ભૂસ્ખલન દ્વારા આંશિક રીતે ધોવાઇ ગયા છે.

આશરે ૨,૧૦૦ રૂટ પર ચાલતી હિમાચલ રાજ્ય પરિવહનની બસોને અસ્તવ્યસ્ત કરી નાખી છે અને સ્થાનિક લોકો ફસાયેલા છે. પ્રસિદ્ધ ભૂસ્તરશાસ્ત્રી પ્રોફેસર ઓ. એન. ભાર્ગવના મતે હિમાચલમાં આવેલી આપત્તિ કુદરતી કરતાં વધુ માનવસર્જીત છે. તેઓ દલીલ કરે છે કે નદીના કાંઠા પરના કોંક્રિટનાં માળખાં કુદરતી સીપેજ પ્રક્રિયાઓને અવરોધે છે, જેનાથી પૂર આવે છે અને નદીના પ્રવાહમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે બિયાસ નદીએ હિમાચલ પ્રદેશના કુલ્લુ અને મંડી જિલ્લામાં અનેક સ્થળોએ તાજેતરના પૂર દરમિયાન પોતાનો માર્ગ બદલી નાખ્યો હતો.

પ્રોફેસર ભાર્ગવ દુર્ઘટનામાં વધારો થવા માટે અવૈજ્ઞાનિક રીતે રસ્તાઓ પહોળા કરવાને અને નદીઓમાં કચરો નાખવાને પણ જવાબદાર ગણાવે છે. તેઓ નોંધે છે કે અગાઉ હિમાલયની નદીઓમાં બરફ ઓગળતી વખતે જ પૂર આવતાં હતાં, પણ હવે રસ્તા અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટના નિર્માણને કારણે ગમે ત્યારે પૂર આવે છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અનુમાન મુજબ હિંદુકુશ હિમાલયમાં તાપમાન વધી રહ્યું છે, જેના કારણે હિમવર્ષા ઘટી રહી છે અને ગ્લેશિયરો પીછેહઠ કરી રહ્યા છે.

ભગવાનની ભૂમિ કહેવાતા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જે તબાહી સર્જાઈ છે તે અણધારી નથી. પર્યટનનું કેન્દ્ર ગણાતા આ પહાડી રાજ્યે છેલ્લા કેટલાક દાયકાઓમાં વિકાસની દૃષ્ટિએ મેદાનોના માર્ગે ચાલવાનો પ્રયાસ કર્યો છે અને તેનું પરિણામ કુદરતી આફતોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. ભલે તે યોજના કાચા પહાડોમાં ફોર લેન હાઈવે બનાવવાની હોય કે હાઈડ્રો પ્રોજેક્ટ માટે ટનલ ખોદવાની હોય, જેના કારણે પહાડો અને પથ્થરો ખસે છે.

દરેક જગ્યાએ ભારે, આડેધડ અને અસુરક્ષિત બાંધકામો થઈ રહ્યાં છે અને બાંધકામનો કચરો નદીઓમાં અને તેની ઉપનદીઓમાં પહોંચી રહ્યો છે. આ બધાએ મળીને વરસાદની તબાહીમાં વધારો કર્યો છે. સિમલામાં અને મનાલીમાં નદીના પટમાં જે હોટેલો બાંધવામાં આવી હતી તે પૂરમાં પત્તાંના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ છે. હકીકતમાં માનવ જાતે પેદા કરેલો કચરો કુદરતે સાફ કરી નાખ્યો છે.

પર્યાવરણવાદીઓ માને છે કે હિમાચલ પ્રદેશની નદીઓના કારણે સર્જાયેલા વિનાશનું એક કારણ ખાસ કરીને સ્પષ્ટ છે અને બિયાસ નદીમાં આવેલાં પૂરની સરખામણી વર્ષ ૨૦૦૦માં સતલજ નદીમાં આવેલા પૂર સાથે કરી શકાય તેમ છે. આ પૂરે રામપુર શહેરમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જ્યાં ઘણાં લોકો નદીની નજીક બાંધવામાં આવેલાં મકાનોમાં રહેતા હતા. બિયાસ નદીની ખીણમાં પણ બાંધકામ નદીના પટની ખૂબ નજીક પહોંચી ગયું છે. અચાનક પૂરને કારણે નુકસાનનું જોખમ વધી ગયું છે.

બિયાસમાં તેજ ગતિએ આવતા પાણીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો અને મનાલી અને મંડી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ઘણાં મકાનો, વાહનો, પ્રાણીઓ અને કેટલાક ભાગો ધોવાઈ ગયા હતા. કોઈ પણ રીતે આ વિસ્તારમાં બિયાસ નદીની ગતિ ઝડપી છે અને પાણી રસ્તાથી દૂર નથી. પર્યાવરણ નિષ્ણાત સંજય સેહગલ કહે છે કે “આ પર્યટન સંચાલિત રાજ્યમાં આપણે વિકાસનું સાચું મોડેલ અપનાવવાનો સમય આવી ગયો છે, જે પર્યાવરણને અનુકૂળ હોય. આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી શકીએ નહીં. અવૈજ્ઞાનિક વિકાસનાં કામો માટે પહાડોનું બ્લાસ્ટિંગ અને બાંધકામના કાટમાળનું નદીમાં ડમ્પિંગ આફત લાવી શકે છે. પહાડી માર્ગો પર ચાલતાં વાહનોની અનિયંત્રિત સંખ્યા પણ પ્રતિકૂળ પરિણામો લાવી શકે છે. આપણે તેનો ખ્યાલ કરી શકતા નથી.’

જાણીતા પર્યાવરણવાદી કુલભૂષણ અભિમન્યુ કહે છે કે “પર્યાવરણવાદીઓ જાગૃત છે અને પર્યાવરણના રક્ષણ માટે લાંબા ગાળે મોટી ભૂમિકા ભજવવા માટે રાજકીય નેતૃત્વ તરફ જોઈ રહ્યા છે.’’ચંબા જિલ્લાના રહેવાસી અને ચિપકો ચળવળનો એક ભાગ અભિમન્યુ કહે છે કે “સમય આવી ગયો છે કે જ્યારે આપણે પ્રકૃતિના આ પ્રકોપમાંથી બોધપાઠ લઈએ. આ પર્યાવરણની કિંમતે કરાયેલા અસંતુલિત વિકાસનું પરિણામ છે. તેને કારણે કુદરતનો ગુસ્સો વધી રહ્યો છે.’’

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ૨૦૧૭ ના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કુલ ૧૧૮ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ છે, જેમાંથી ૬૭ ભૂસ્ખલન ઝોનમાં છે. જ્યારે કિન્નૌર, કુલ્લી અને રાજ્યના અન્ય ઘણા ભાગોના વનવાસી બહુલ જિલ્લાઓમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા હતા, ત્યારે પર્યાવરણવાદીઓ અને અસરગ્રસ્ત સ્થાનિક નાગરિકોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ઘણાં જાહેર આંદોલનો પણ હાથ ધરવામાં આવ્યાં હતાં, પરંતુ તત્કાલીન સત્તાધારી રાજકીય પક્ષોએ તેમની અવગણના કરી હતી. હવે જ્યારે હિમાલયમાં વાદળો ફાટવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ યોજનાઓ વિનાશક પુરવાર થઈ રહી છે.

Most Popular

To Top