હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) રાજ્યસભાની બેઠકો માટે મંગળવારે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી (Election) યોજાઈ હતી. તેમજ તેના પરિણામોએ સૌને ચોંકાવી દીધા હતા. ચૂંટણીમાં ભાજપના (BJP) ઉમેદવાર હર્ષ મહાજન (Harsh Mahajan) અને કોંગ્રેસના (Congress) ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને સમાન મતો મળ્યા હતા. તેમજ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ (Voting) કર્યું હતું. દરમિયાન ભાજપે ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં 6 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે. આ હોબાળા વચ્ચે રાજ્ય સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે પણ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ ભાજપના સંપર્કમાં છે. હવે વિક્રમાદિત્ય સિંહે પોતે આગળ આવીને ભાજપમાં જોડાવાની અટકળોનો જવાબ આપ્યો છે.
હું જે કહું તે હંમેશા…- વિક્રમાદિત્ય સિંહ
હિમાચલ પ્રદેશ સરકારના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે ભાજપમાં જોડાવાની અટકળોનો જવાબ આપ્યો છે. વિક્રમાદિત્યએ કહ્યું હતું કે હું જે પણ કહું છું તે હંમેશા તથ્યો અને સંજોગો આધારિત પુરાવા પર આધારિત હોય છે. તેમજ રાજ્યમાં સીએમ સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર છે. તેમજ આજે ફાયનાન્સ બિલ પાસ થઈ ગયું છે.
વિક્રમાદિત્યએ સીએમ સુક્ખુ પર આરોપ લગાવ્યો
વિક્રમાદિત્ય સિંહે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ પર ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી. વિક્રમાદિત્ય સિંહે કહ્યું, ‘ધારાસભ્યો સાથે ક્યાંકને ક્યાંક ઉપેક્ષા થઈ છે. ધારાસભ્યોના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે આજે અમે આ કિનારે ઊભા છીએ. તેમણે કહ્યું કે હાલના સંજોગોમાં આ સરકારમાં જોડાયેલા રહેવું મારા માટે યોગ્ય નથી. તેથી હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું આવનારા સમયમાં આગળના પગલાઓ પર વિચાર કરીશ.
પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમાદિત્ય ભાવુક થઈ ગયા હતા
વિક્રમાદિત્ય સિંહે આરોપ લગાવ્યો કે તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પ્રતિમા માટે બે ગજ જમીન પણ આપવામાં આવી નથી. આ કહેતાં તે ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે તેના આગામી પગલા વિશે કંઈપણ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે હવે બોલ હાઈકમાન્ડના કોર્ટમાં છે અને તેમણે નિર્ણય લેવો જોઈએ.