લખાઇ રહ્યું છે ત્યારે કર્ણાટક, હિજાબ, મુસ્કાન, ટોળાં, પ્રતિબંધ જેવું ઘણું બધું ચર્ચાઇ ચૂક્યું છે અને ચર્ચાઇ રહ્યું છે. બીજાં રાજ્યોમાં હિજાબ પર પ્રતિબંધની વાતો થઇ, પાછી ખેંચાઇ, રાજકીય ટિપ્પણીઓ આવી અને ઉહાપોહ હજી ચાલુ છે. ગયા મહિને કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાએ હિજાબ પહેરીની આવનારી મુસલમાન વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાની ના પાડી અને પછી તણખામાંથી ભડકો થયો. પહેલી વાત તો એ સમજવું રહ્યું કે તણખો પણ ચકમક ઘસવાથી પેદા થાય છે અને ભડકો કરાવવાના ઇરાદાથી જ ચકમક ઘસાય એવી નોબત ખડી કરાય છે.
પ્રજાસત્તાક દિવસે બંધારણની વાતો કરીને ફાંકા મારનારાઓએ બંધારણનો એક ફકરો પણ નહીં વાંચ્યો હોય કારણ કે એવું હોત તો ‘બિનસાંપ્રદાયિકતા’ની બહોળી વ્યાખ્યા તેમને ખબર હોત. બંધારણની કલમ 25(1)નો મૂળભૂત અર્થ એમ છે કે રાજ્યે તેની ખાતરી કરવી જોઇએ કે વ્યક્તિ ચાહે તે ધર્મનું પાલન કરી શકે અને તેમાં કોઇ દખલ ન આવે. જો કે બધા મૂળભૂત અધિકારોની માફક ધર્મના પાલનના અધિકાર પર રાજ્ય ત્યારે પ્રતિબંધ મૂકી શકે જ્યારે તેના થકી સભ્યતા, નૈતિકતા, સ્વાસ્થ્ય અને રાજ્યના બીજા હિતને નુકસાન થતું હોય. ભારત આઝાદ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હિજાબ પહેરનારી વિદ્યાર્થીનીઓને કારણે આવા કોઇ નુકસાન થયા હોવાનું સાંભળ્યું નથી (ધિક્કારને ગળે વળગાડનારાઓએ વિદ્યાર્થીનીઓની વાત થાય છે એટલું ધ્યાનમાં રાખવું).
હિજાબના વિરોધની શરૂઆત થઇ જ્યારે ઉડુપીની સરકારી કૉલેજમાં છ છોકરીઓને હિજાબ પહેરવા બદલ ક્લાસમાં પ્રવેશ ન આપ્યો. વાત પહોંચી ઉડુપી ભાજપાના ધારાસભ્ય સુધી અને પછી બેઠકો પછી ‘ડ્રેસ કૉડ’ અનુસરવાની વાત કરાઇ. હિજાબ પર પ્રતિબંધ મુકાતા આ છ છોકરીઓએ વિરોધ નોંધાવવા વર્ગ ન ભરવાનું નક્કી કર્યું, હાઇકોર્ટમાં અરજી કરી અને માનવ અધિકાર પંચનો સંપર્ક કર્યો. આ વિવાદને પગલે કુંડાપુરની સરકારી પ્રિ યુનિવર્સિટી કૉલેજમાં કેટલાક છોકરાઓ ભગવા રંગની શાલ પહેરીને આવ્યા અને હિજાબ પહેરેલી છોકરીઓનો તેમણે વિરોધ કર્યો. આ હતી ચકમકથી તણખો પેદા કરવાની શરૂઆત. કર્ણાટકની બે કૉલેજમાં આ બબાલ થઇ તો ચિકમંગલુરમાં સરકારી કૉલેજના વિદ્યાર્થીઓએ ભૂરા રંગની શાલ પહેરી જય ભીમના નારા લગાડી મુસલમાન વિદ્યાર્થિનીઓને ટેકો આપ્યો.
અહીં લઘુમતી, હાંસિયામાંના લોકોએ એક થવાની કોશિશ કરી અને બીજી તરફ સત્તાધીશોએ કૉલેજ માટે ડ્રેસકૉડનું દબાણ કર્યું. રાજકીય આંટીઘૂંટીઓને જરા બાજુમાં મૂકીએ તો આપણે ત્યાં શાળાઓમાં બાર વર્ષ સુધી યુનિફોર્મ પહેરનાર દરેક છોકરું કૉલેજમાં જવા થનગને છે કારણ કે ત્યાં યુનિફોર્મ કે ડ્રેસકૉડ નથી હોતો અને તેઓ પોતાની ઓળખ-પસંદ પ્રમાણે તૈયાર થઇ શકે. કૉલેજનું શિક્ષણ અને માહોલ વિદ્યાર્થીમાં સ્વતંત્રતાના વિચારને વિકસવાની છૂટ આપનારું જ હોવું જોઇએ. યુનિવર્સિટી કેમ્પસ અને કૉલેજિઝ હંમેશાંથી રાજકારણના અખાડા હોય છે કારણ કે ત્યાંથી ભવિષ્યના નેતાઓ ઘડાય છે. કોઇ જમણેરી હોય તો કોઇ ડાબેરી તો કોઇનો રાજકીય મત આ બન્નેની વચ્ચેનો હોય એવું પણ બને પણ એ વિકસે તે માટેની મોકળાશ માટે કોઇ પણ તરફના કટ્ટરવાદી દબાણમાં ન વિકસી શકે.
અત્યારે આપણા દેશમાં જે થઇ રહ્યું છે તેની પાછળ નકરું રાજકારણ છે અને તેની આગ પર પરસ્પર વિરોધી વિચારધારાના બન્ને તરફના ખેલંદાઓ પોતાની રોટલી શેકી રહ્યા છે. વળી ચૂંટણીનો માહોલ છે એટલે અત્યારે જ આ બધાં ગતકડાં કરવા જરૂરી છે. આ છોકરીઓ કંઇ તે દિવસે પહેલી વાર હિજાબ પહેરીને તો કૉલેજ નહીં ગઇ હોય? એ દિવસે અચાનક જ એવું તે શું થઇ ગયું કે વાત વણસી ગઇ અને હિજાબ સામે વાંધો પડ્યો? કૉલેજને તાત્કાલિક નવા નિયમો બનાવવાની શું જરૂર પડી? નવા નિયમો લાગુ કરાય તો વિદ્યાર્થીઓને તે જણાવવાની કોઇ યોગ્ય પદ્ધતિ હોય છે કે તે અચાનક જ જાહેર કરી દેવાય છે? તમને ખબર જ હશે કે વિદેશમાં શીખોને પાઘડી ન પહેરવા દેવાના મુદ્દે વિવાદ થયા છે અને જ્યારે શીખો પોતાના હક માટે લડ્યા અને જીત્યા છે ત્યારે આપણે પણ ખુશ થયા છીએ. કિરપાણ કૉલેજમાં ન લઇ જવા દેવાય, સમજી શકાય પણ કડું અને પાઘડી તેમની સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મનો એવો ભાગ છે.
જેનાથી બીજા કોઇને નુકસાન નથી થતું. હું જે સ્કૂલમાં ભણી ત્યાં મને યાદ છે કે અમુક વિદ્યાર્થીઓ દેરાસર જઇને આવે તો પીળો ચાંદલો કર્યો હોય, કોઇ સ્વામીનારાયણનો ચાંદલો પણ કરતા, અમુક વિદ્યાર્થીઓ જનોઇ પહેરતા અને તેમનો ક્યારેય કોઇ વિરોધ નહોતો થયો. હા છોકરીઓને શણગારના ભાગ રૂપે ચાંદલા કરવાની ના પડાતી પણ ધાર્મિક માન્યતાઓ પર પ્રહાર ક્યારેય નહોતો થયો. સ્કૂલમાં જ ગવડાવતા કે ‘મઝબહ નહીં સિખાતા આપસ મેં બેર રખના’ પણ માળું હવે બધે અવળી ગંગા ચાલી છે. આપણને ગમે કે ન ગમે પણ વાસ્તિવકતા એ છે કે ભાગલા પાડો અને રાજ કરો વાળું અંગ્રેજોનું ગણિત આપણા સત્તાધીશોને આજે પણ માફક આવે છે અને ખાસ કરીને ચૂંટણી ટાણે તો એ હાથવગું હથિયાર બની જાય છે. આ કોઇ એક પક્ષની વાત નથી, બધા ખેલાડીઓ આ સરકસમાં કૂદી પડે છે અને જેના ઠેકડામાં દમ હોય, જેની પાસે વધારે સત્તા હોય એનો ઘોંઘાટ વધુ મોટો હોય છે.
શિક્ષણ વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે હોય છે તેમનો હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે નહીં. વિદ્યાર્થીઓમાં જ વિભાજન થઇ રહ્યું છે. હિજાબ પહેરેલી એક છોકરી સામે ભગવી શાલ ઓઢેલા છોકરાઓનું ટોળું કેટલું બેહૂદું લાગતું હતું. હિજાબ તેની સભ્યતાનો હિસ્સો છે. શહેરોમાં એવી મુસલમાન છોકરીઓ પણ છે જેમણે ક્યારેય હિજાબ નથી પહેર્યો – ભલે તે તેમના ધર્મની નિશાની છે- આ તેમની અંગત પસંદગી છે. હિંદુમાં પણ એવી સ્ત્રીઓ કે યુવાન છોકરીઓ છે જેમાંથી કેટલીકને માથે ઓઢવાનું ગમે છે તો કેટલીક નથી ઓઢતી – તે તેમની સભ્યતા, જે શહેર, ગામ કે કુટુંબનો તે હિસ્સો છે તે પ્રમાણે અપનાવે છે- વળી આ માથે ઓઢવું હિંદુ ધર્મની ઓળખ નથી.પસંદગી પ્રમાણેનો પહેરવેશ સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક ભારત દેશના બંધારણનો હિસ્સો છે. પહેરવેશ કોઇને પ્રગતિશીલ કે પછાત નથી બનાવતો, માનસિકતા બનાવે છે. હિજાબ પહેરેલી છોકરીઓનો શિક્ષણનો હક છીનવી લેવાનું પગલું પછાત છે કે પ્રગતિશીલ એ તમે સારી પેઠે સમજો છો.
બાય ધ વેઃ
વિશ્વના અમુક દેશોમાં હિજાબ, નકાબ કે બુરખા પર નિયંત્રણ છે પણ તેનો સંબંધ સુરક્ષા સાથે છે, ધર્મ સાથે નહીં. કેમરૂનમાં બુરખા પહેરેલી સ્ત્રીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, શ્રીલંકામાં પણ આતંકી હુમલા પછી પ્રતિબંધ મુકાયો, ચીનમાં તો ધાર્મિકતા છતી કરતા કોઇ પણ પ્રકારના પોશાક પર શાળા અને સરકારી કચેરીઓમાં નિષેધ છે, આવો જ નિયમ ફ્રાંસમાં પણ છે અને નેધરલેન્ડમાં પણ છે. આ તમામ રાષ્ટ્રોમાં વાત સુરક્ષાની છે, ધર્મની નથી. વળી આ રાષ્ટ્રો પહેલેથી જ ભારત જેવા ‘વિવિધતામાં એકતા’ પ્રકારના છે એવું પણ નથી. બલ્ગેરિયા, રશિયા, બેલ્જિયમ બધા દેશોમાં ચહેરો ઢંકાય તેવા પહેરવેશને લઇને અમુક નિયમો છે જે આતંકવાદના ફેલાવા પછી છેલ્લાં દસ – પંદર વર્ષમાં લાગુ કરાયા છે.
ઇજીપ્ત અને સિરિયા જેવા મુસલમાન દેશોમાં પણ ચહેરો પૂરેપૂરો ઢાંકવાની મનાઇ છે. ભારતની વાત કરીએ તો એક રાષ્ટ્ર તરીકે આપણે ધિક્કારના રાજકારણની ઉપર ઊઠવું પડશે. સત્તા હાથમાં આવે પછી ચકમક પથ્થરો વાપરી તણખામાંથી ભડકો કરાવનારા રાજકારણીઓ આ પથ્થરો ખિસ્સામાં સંતાડી દેશે. રામ અને અલ્હાના નામનો ઉપયોગ નારા માટે કરનારાઓ થોડો વખત મળેલી વાઇરલ સ્પેસમાંથી બહાર ધકેલાઇ જશે. ‘ખુદા કે લિયે’ – એક પાકિસ્તાની ફિલ્મમાં નસીરૂદ્દીન શાહના પાત્રનો એક સંવાદ છે – દીન મેં દાઢી હૈ, દાઢી મેં દીન નહીં – એટલે કે ધર્મમાં દાઢીની માંગ છે પણ તેનો અર્થ એમ નથી કે જે બધા દાઢી રાખે છે તે ધાર્મિક છે. ધાર્મિક અને કટ્ટરવાદી શબ્દોનો ભેદ આપણે જાણવો રહ્યો.