હથોડા: (Hathoda) પીપોદરા નજીક હાઇવે (Highway) પર ટ્રકચાલકે (Truck Driver) મોટરસાઇકલને અડફેટે લેતાં એકનું મોત થયું હતું. જ્યારે એકનો બચાવ થયો હતો. ઘટનાની વિગત એવી છે કે, પીપોદરા જીઆઇડીસી નજીક હાઇવે પરથી પસાર થતા બેકાબૂ બનેલા ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દઈને હાઇવે પરથી પસાર થતી મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ પર બે સવાર બે પૈકી એકનું મોત થયું હતું. જ્યારે પાછળ બેસેલા એકનો નાની-મોટી ઈજા સાથે બચાવ થયો હતો. મરનારની લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમ પર ખસેડી હતી. આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં થતાં નામ જાણી શકાયાં નથી.
ધારોલી ચોકડી નજીક કારચાલકે અડફેટે લેતાં બાઇકસવાર ઘવાયો
ઝઘડિયા: ઝઘડિયાથી વાલિયા રોડ પર ધારોલી ચોકડી નજીક એક ફોર વ્હીલ ગાડી અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇકચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ઝઘડિયા GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાલિયાના ચોરામલા ગામે રહેતો યુવાન પરેશ રમણભાઈ વસાવા ઝઘડિયા GIDCની એક કંપનીમાં નોકરી કરે છે. પરેશ વસાવા તા.૬ના રોજ સાંજના સવા પાંચ વાગ્યાના અરસામાં તેની બાઇક લઇને ઝઘડિયા GIDCમાં નોકરીએ જતો હતો. વાલિયાથી તલોદરા વચ્ચેના રોડ પરથી પસાર થતો હતો.
એ વેળા ધારોલી ચોકડી પાસે એક કારચાલકે પરેશ વસાવાની બાઇક સાથે કાર અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પરેશ બાઈક સાથે ફંગોળાઈ ગયો હતો. અકસ્માત બાદ ચાલક ભાગી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત પરેશે અકસ્માત બાદ ભાગી છૂટેલી ગાડીનો નંબર જોઈ લીધો હતો. ઈજાગ્રસ્ત પરેશને વાલિયા CHC કેન્દ્ર પર પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયો હતો. તેને જમણા પગના પંજામાં ફેક્ચર તેમજ કમર પર ડાબા ભાગે સામાન્ય ઈજા થઇ હતી. આ બાબતે ઈજાગ્રસ્ત પરેશ વસાવાએ ઝઘડિયા GIDC પોલીસમાં ભાગી છૂટેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.