ઘેજ : બલવાડા (Balvada) સ્થિત નેશનલ હાઇવેના (National Highway) ઓવરબ્રિજ પાસે હાઇવે ઓથોરિટિની બેદરકારીના પાપે અવાર-નવાર અકસ્માતો (Accident) સર્જાઇ રહ્યા છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લા મેજિસ્ટ્રેટની જેમ લોકોની સલામતી માટે નવસારી (Navsari) જિલ્લાનું વહીવટી તંત્ર પણ હાઇવે ઓથોરિટિના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી શાન ઠેકાણે લાવે તેવી માંગ ઉઠી છે.
- નેશનલ હાઇવેના ઓવરબ્રિજ પાસે હાઇવે ઓથોરિટિની બેદરકારીના પાપે અવાર-નવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે
- ઓવરબ્રિજની પેરાપેટ વાહન ચાલકોને નજરે નહીં પડતા તેનાથી સાવચેત થવાનો સમય પણ મળતો નથી
ચીખલી નજીકના બલવાડામાં ખરેરા નદીના બ્રિજ બાદ વળાંક સાથે ઓવરબ્રિજની શરૂઆત થાય છે ત્યારે વલસાડ-સુરત નેશનલ હાઇવે પર આ બલવાડાના ઓવરબ્રિજની શરૂઆતમાં છેડા ઉપર સૂચના દર્શક બોર્ડ, રેડિયમના પટ્ટા, રિફલેક્ટરનો અભાવ અને રાત્રિ દરમ્યાન લાઇટો પણ બંધ રહેતા ઓવરબ્રિજની પેરાપેટ વાહન ચાલકોને નજરે નહીં પડતા તેનાથી સાવચેત થવાનો સમય પણ નહીં મળતા અવાર નવાર નાના મોટા અકસ્માતો થઇ રહ્યા છે. ઉપરોક્ત સ્થિતિમાં વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હાઇવે ઓથોરિટિના અધિકારી સામે જે રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તે રીતે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ લોકોની સલામતી માટે આગળ આવી હાઇવે ઓથોરિટિના જવાબદાર અધિકારીઓ સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
ટોલટેક્ષમાં કરોડોની આવક પણ ચાલકોની સલામતી માટે વ્યવસ્થા નથી
હાઇવે તંત્ર એક તરફ વાહન ચાલકો પાસે તગડો ટોલટેક્ષ વસૂલી રહ્યું છે અને વર્ષ દહાડે કરોડો રૂપિયાની આવક મેળવે છે. પરંતુ વાહન ચાલકોની સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી નથી. ચીખલીમાં બલવાડામાં ઓવરબ્રિજ ઉપરાંત મજીગામ, થાલા, સમરોલીમાં અધૂરા સર્વિસ રોડ જેવી અનેક સમસ્યાઓ હાઇવે ઓથોરિટિના બેદરકારીભર્યા કારભારમાં લોકોએ વેઠવાની નોબત આવી છે. વાહન ચાલકોની સલામતીની વ્યવસ્થા પૂરી પાડવામાં હાઇવે ઓથોરિટિ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે.
ચાલકને અંધારામાં પેરાપેટનો ખ્યાલ નહીં આવતા કન્ટેનર પેરાપેટ પર ચઢી ગયું
ત્રણેક દિવસ પૂર્વે પણ એક મોટર સાયકલ ચાલક મોતને ભેટ્યો હતો. ગતરાત્રિ દરમ્યાન ટ્રક કન્ટેનરના ચાલકને પણ આ પેરાપેટનો અંધારામાં ખ્યાલ નહીં આવતા કન્ટેનર પેરાપેટ પર ચઢી ગયું હતું. આ સ્થળે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેમા હાઇવે ઓથોરિટિની બેદરકારી જવાબદાર હોવાનું જણાઇ રહ્યું છે.