વલસાડ: (Valsad) વિકસિત રાજ્ય કહેવાતા ગુજરાતના (Gujarat) વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પસાર થતા ગુજરાત-મહારાષ્ટ્રને જોડતા નેશનલ હાઇવે ઉપર જોગવેલ નજીક ગુરુવારે બપોરે 2 વાગ્યાની આસપાસ 100 ટનથી વધુનું વજન ધરાવતી ક્રેનને લઈ જતું કન્ટેનર ઘાટવાળા માર્ગ ઉપર પલ્ટી મારી જતાં મહારાષ્ટ્રને જોડતા આ માર્ગ ઉપર 27 કલાક સુધી કન્ટેનર નહીં ખસેડાતા કપરાડા સુધી 10 કીમી. અને ધરમપુર સુધી 20 કી.મી. સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે આ મહત્વનો માર્ગ હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતાના પગલે કન્ટેનર હટાવવા કોઈ નક્કર પ્રયાસો ન કરાતા વાહન માલિકે વાપી અને અન્ય સ્થળોએથી 7 ક્રેન બોલાવવા છતાં કન્ટેનર નહીં હટતા 300 ટનની કેપેસિટી ધરાવતી ક્રેનને બોલાવ્યા બાદ પણ આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી સાંજ સુધી પણ સફળતા મળી ન હતી. જોગવેલની ઘટનાના પગલે નાના વાહનોને માંડવાથી વાયા વારોલી થઈ નાનાપોંઢા થઈ પારડી વલસાડ અને વાપી ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા.
અહી રોજ સર્જાતો ટ્રાફિક જામ
નાનાપોઢાથી કપરાડા માર્ગ હાઇવે ગણાતો હોવા છતાં પણ હાઇવે ઓથોરિટી દ્વારા 27 કલાક ટ્રાફિક જામ થયો હોવા છતાં કોઈ નક્કર સહયોગ નહીં અપાતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ માર્ગ ઉપર 3 મોટા ઘાટ આવે છે. જોકે ઢાળવાળી જગ્યા અને વણાંક હોઈ કુંભઘાટ, માંડવા અને જોગવેલ વિસ્તારમાં પ્રતિદિન અકસ્માત થતા કાયમી ટ્રાફિક સમસ્યાઓ હોવા છતા પોલીસ કે આરટીઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીની લાપરવાહીને લઈ અહી રોજ ટ્રાફિક જામ સર્જાઈ છે.
કપરાડા તાલુકામાં એસ.ટી સેવા 27 કલાકથી ઠપ
સમગ્ર ઘટનાને લઈ ધરમપુર એસ.ટી ડેપોની કપરાડા તરફ જતી અને વાપી જતી બસ રૂટ રદ કરી દેતા હજારો મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. ધરમપુર ડેપોની 1566 કી.મી.ની 40 ટ્રીપો રદ કરી દેવાની ફરજ પડી હતી. તો શુક્રવારે કપરાડા તાલુકામાં ગયેલી રાત્રિ રોકાણની બસો પણ આવી ન શકતા કપરાડા થોભાવી દેવાઈ હતી.
પોલીસ ગોઠવી દેવાઈ છે
નાનાપોંઢા પોલીસ મથકના પીએસઆઇ એન.સી.સગરે જણાવ્યું કે જોગવેલ નજીક કન્ટેનર પલ્ટી જવાની ઘટનામાં શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ક્રેન વડે કન્ટેનરને માર્ગ પરથી હટાવી દેવાયું છે. જેથી ટ્રાફિક શરૂ થયો છે. ટ્રાફિક જામ ન સર્જાય એ માટે માર્ગ ઉપર પોલીસ ગોઠવી દેવાઈ છે.