પલસાણા: (Palsana) નેશનલ હાઇવે નં.53 (National Highway) ઉપર હજીરાથી પલસાણા થઈ બારડોલી સુધી 200થી વધુ દુકાનદાર, હોટલ સંચાલકો દ્વારા દબાણો કરાતાં હાઈવે ઓથોરિટીએ (Highway Authority) અગાઉ દૂર કરવા માટે નોટિસ ફટકારાઈ હતી. આપેલી મુદત પૂરી થતાં હાઈવે ઓથોરિટીએ દબાણો દૂર કરવા માટે સપાટો બોલાવતાં દસ દિવસમાં હજીરાથી સચિન પલસાણામાં કેટલીક દુકાનો પર બુલડોઝર (Bulldozer) ફેરવવામાં આવ્યું હતું. હાઈવે ઓથોરિટીએ આંખ લાલ કરી ઝુંબેશ શરૂ કરતાં દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. હજીરાથી પલસાણા થઈ બારડોલી જતા નેશનલ હાઈવે નં. 53 ઉ૫૨ ઘણી દુકાનો અને હોટલોના સંચાલકો દબાણ કરી રોડ નજીક પહોંચી ગયા હતા. આથી અકસ્માતો થતા હોય છે અને જેની જવાબદારી હાઇવે ઓથોરિટીના માથે નાંખી દેતા હોય છે.
દુકાનો અને હોટલોના સંચાલકો દબાણ કરી રોડ નજીક પહોંચી ગયા હતા
એ માટે હાઈવે ઓથોરિટીએ સમગ્ર ગુજરાતમાં ઝુંબેશના ભાગરૂપે હજીરાથી બારડોલી સુધીના રોડ પર 200થી વધુને નોટિસ આપી હતી. તેમની મુદતો પૂરી થતાં હાલ કોરિડોર કંટ્રોલ એન્ડ સેફ્ટી મેનેજર સંજય ચૌધરીએ હજીરા, સચિન તેમજ પલસાણામાં ડિમોલિશન હાથ ધર્યું છે. છેલ્લા દસ દિવસમાં કેટલીક દુકાનો ઉપર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે. વર્ષોથી ધંધો કરનાર વેપારીઓમાં ફફડાટ સાથે દુકાન ખોવાનો રંજ પણ દેખાઈ રહ્યો છે. આવનારા દિવસોમાં દબાણવાળી મોટા ભાગની દુકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે તેમ હાઇવેના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન
રાજપીપળા: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (2020-21) હેઠળ નાંદોદનાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે અંદાજે રૂ.50 લાખના ખર્ચે નિર્માણાધિન વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટીને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરાતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ માર્ગના નિર્માણ થકી હવે વડિયા, કરાઠા, થરી, લાછરસ વગેરે ગામોને આવાગમન માટે વધુ લાભ મળશે. નાંદોદના વડિયા ખાતે થઈ રહેલા નિર્માણાધિન રોડથી 32 સોસાયટીના લોકોને મદદરૂપ થશે. આ ખાતમુહૂર્ત વેળાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નર્મદા જિ.પં. પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદ તા.પં. પ્રમુખ હરેશભાઈ વસાવા, નાંદોદ તા.પં. કારોબારી અધ્યક્ષા અશ્વિનીબેન વસાવા, ગામનાં સરપંચ બિંદિયાબેન વસાવા, ડે.સરપંચ વિરેન્દ્રસિંહ એન. સુણવા, તલાટી તનુજાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.