SURAT

સુરતના કોર્ટ સંકુલમાં જૂનિયર મહિલા વકીલ અને તેના પતિએ સિનિયર વકીલને લાફા ઝીંકી દીધા

સુરત: કોર્ટ સંકુલમાં આજ રોજ હાઈવોલ્ટેજ ડ્રામા (High voltage drama) સર્જાયો હતો. કોર્ટ સંકુલમાં ચાની દુકાન પાસે પુરુષ સિનિયર વકીલ અને મહિલા જુનિયર વકીલ વચ્ચે ઝગડો થયો હતો. બંને વચ્ચે બોલાચાલી થતા મહિલા વકીલે તેના પતિ સાથે આવી સિનિયર વકીલને ગાળો આપીને માર માર્યો હતો. સેંકડો વકીલોની હાજરીમાં બે વકીલો બાખડતા ખાસ્સો તમાસો થયો હતો અને પોલીસને (Police) જાણ કરાતા ઉમરા પોલીસ આવી હતી. જોકે પોલીસ સ્ટેશનમાં બંને વચ્ચે સમાધાન થયું હતું પરંતુ આખો દિવસ કોર્ટમાં આ બબાલની ચર્ચા રહી હતી.

  • અસીલ પાસેથી પૈસાથી લેવાની ખરાઈના મામલે બંને વકીલો જાહેરમાં બાખડયા
  • ઉમરા પોલીસ કોર્ટ આવી બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ, છેવટે સિનિયર વકીલોની હાજરીમાં સમાધાન થયું

કોર્ટ સંકુલમાંથી મળતી માહિતી અનુસાર સિનિયર વકીલ રાકેશ( નામ બદલ્યું છે) ઘણા સમયથી પ્રેક્ટિસ કરે છે. તેમની સાથે તેમની જુનિયર રૂપાલી( નામ બદલ્યું છે) ઘણા સમયથી પ્રેક્ટિસ કરતી હતી. છેલ્લા એકાદ મહિનાથી રૂપાલી રાકેશની જુનિયર તરીકે કામ નહોતી કરતી. બે દિવસ પહેલા રાકેશને ખબર પડી કે કોઈ અસીલ પાસેથી રૂપાલીએ રૂપિયા લીધા છે. તે માટે રાકેશે તે બાબતે રૂપાલીને ફોન કર્યો હતો. રૂપાલીએ કહ્યું કે તેને રૂપિયા નથી લીધા. આ મુદ્દે ફોન પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આજ રોજ બપોરે કોર્ટ સંકુલમાં ચાની દુકાન પાસે એડવો. રાકેશ બેઠો હતો.

તે સમયે રૂપાલી તેના પતિ સાથે કોર્ટ સંકુલમાં આવી હતી અને પછી રાકેશ સાથે અસીલની ફી બાબતે ઝગડો કરીને ઝપાઝપી કરી હતી. આ બોલાચાલી દરમિયાન રૂપાલી અને તેના પતિએ રાકેશને તમાચા મારી દીધા હતા. જેથી રાકેશે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરતા ઉમરા પોલીસની પીસીઆર વેન કોર્ટ સંકુલમાં આવી અને રાકેશ તથા રૂપાલી અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બીજા ઘણા સિનિયર વકિલો પણ ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં બંને પક્ષોને સમજાવતા બંનેએ પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી લીધું હતું. કોર્ટ સંકુલમાં આખો દિવસ આ હાઈવોલ્ટેજ ડ્રામા અને તેની ચર્ચા ચાલતી રહી હતી.

Most Popular

To Top