Gujarat

રેમડેસિવિર ઇન્જેક્શનો કાળા બજારમાં મળી રહ્યા છે તેની જવાબદારી કોણ લેશે ?: હાઈકોર્ટ

રાજ્યમાં કોરોના વિસ્ફોટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર ગુરૂવારે હાથ ધરાયેલી વધુ સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા 61 પાનાનું સોગંદનામું રજૂ કરાયું હતું. જેમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરાઈ હતી કે, સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારની સોગંદનામાં કરાયેલી રજૂઆતો હાઇકોર્ટના ગળે ઊતરે તેમ નહોતી. જેથી હાઈકોર્ટે ફરી એક વખત રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ સમગ્ર સોગંદનામામાં રેમડેસિવિર ઇન્જેક્શન અંગે કોઈ ઉલ્લેખ કરાયો નથી. તેમ કહી સરકારને ફટકાર લગાવી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી ઉપર હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારીઆની ડિવિઝન બેન્ચે કોરોના સંક્રમણના મામલે ફરી એક વખત રાજ્ય સરકારનો ઉધરો લેવા સાથે વેધક પ્રશ્નો મારો કર્યો હતો. સાથે જ રેમજેસિવિર ઇન્જેક્શનના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેક્શન 900 રૂપિયામાં મળવા જોઈએ, તેના બદલે તેના મોટી રકમ લઈને કાળા બજાર થઈ રહ્યા છે. આ અંગે જવાબદારી કોણ લેશે ? તેવો વેધક પ્રશ્ન કર્યો હતો.

હાઈકોર્ટે કહ્યું હતું કે દિવસે દિવસે કોરોના કેસોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ સરકાર દ્વારા શા માટે ટેસ્ટિંગ ઓછું કરવામાં આવ્યું ? હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. સાથે જ એમ્બ્યુલન્સની પણ લાંબી લાઈનો જોવા મળી છે. બે- બે, ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સ મળતી નથી. આ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા હાઇકોર્ટ સરકાર તાકીદ કરી હતી. વધુમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે સખત નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અગાઉ વારંવાર ટકોર કરવા છતાં યોગ્ય પગલા નહીં લેવામાં આવતા હાલની સ્થિતિનું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇનનું કોઈ જ પાલન કરવામાં આવતું નથી.

વધુમાં હાઇકોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શન મામલે ડોક્ટરો દ્વારા અન્ય કોઈ વિકલ્પ કેમ આપવામાં આવતો નથી ? તે અંગે પણ સવાલો કર્યા હતા. 15 અને 16 માર્ચથી ગુજરાતમાં નવા કેસોમાં ઉછાળો આવ્યો હતો, તેમ છતાં ટેસ્ટિંગ કેમ ઓછું કરવામાં આવ્યું ? હાલમાં રેમડેસિવિર ઈન્જેકશન જાણે અમૃત હોય તેમ તે લીધા પછી લોકો બચી જશે તેમ માની રહ્યા છે. મોટા શહેરોમાં ટેસ્ટની વ્યવસ્થા ઉભી કરાઈ છે, પરંતુ નાના શહેરોમાં આરટી-પીસીઆર ટેસ્ટની શું સગવડ છે ? આ અંગે સરકાર કોઈ વ્યવસ્થા કેમ ઉભી કરતી નથી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ટેસ્ટ ડ્રાઈવ કરવાથી ગ્રામ્ય વિસ્તારોના ટેસ્ટિંગનો પ્રશ્ન ઉકેલાતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટ કરવામાં સરકારે શું વ્યવસ્થા કરી છે ? ફક્ત અમદાવાદની વાતો ન કરો આખા ગુજરાતની વાત કરો. આ ઉપરાંત હાઈકોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શન મામલે કહ્યું હતું કે નિષ્ણાત તબીબોની સૂચના અને સૂચનો પ્રમાણે ઇન્જેક્શનની આડ અસર અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે લોકોને માહિતગાર કરવામાં આવે.

હાલમાં ઓક્સિજનની અછત વર્તાય રહી હોવાના મામલે કહ્યું હતું કે ઓક્સિજનના પણ હવે કાળા બજાર થઈ રહ્યા છે. તો આ અંગે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરાવવામાં આવે. સાથે જ ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. તો વધુમાં હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે ઓક્સિજન ઉત્પન્ન કરતા એકમો પાસેથી 100 ટકા ઓક્સિજનનો જથ્થો આરોગ્યના વપરાશ માટે લેવા માટે હુકમ કરવામાં આવે.

દરમિયાનમાં સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે દરેક જિલ્લામાં આરટી- પીસીઆર લેબ હોવી જોઈએ. દરેક મનપામાં પણ ટેસ્ટિંગની ફેસીલીટી હોવી જોઈએ. આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં આરટી-પીસીઆર ટેસ્ટની બહુ તકલીફો જોવા મળી છે. આવા વિસ્તારોમાં હોસ્પિટલોમાં બેડ પણ મળતા નથી. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અછત વર્તાઈ રહી છે. તેના ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

સરકાર પક્ષે બચાવ માટે કરાયેલી દલીલો

  • રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે. આખીય મશીનરી કોવિડ-19 માટે ટોપથી બોટમ સુધી રાજ્ય સરકારની તમામ મશીનરી કોરોના નિયંત્રણ માટે લાગેલી છે. ગુજરાત સરકારે તમામ લેબોરેટરીઓને વિનંતી કરી છે કે પોતાના સ્ટાફમાં વધારો કરે અને પરિણામો 24 કલાકમાં જલ્દીથી જલ્દી આપે લેબોરેટરીઓએ પણ અમને ખાતરી આપી છે તેઓ દરરોજ 8 થી 12 હજાર ટેસ્ટ કરે છે.
  • રાજ્યમાં 1100 મે.ટન જેટલુ ઓક્સિજનનુ ઉત્પાદન થાય છે થોડા દિવસો પહેલા હોસ્પિટલોમાં 50 મે.ટનની જરૂર હતી. આજે 730 મે.ટન ઓક્સિજનની આવશ્યકતા છે આજે ગુજરાતમાં ઉત્પાદિત થતાં ઓક્સિજનનનો સંપૂર્ણ જથ્થો મેડીકલના ઉપયોગ માટે વાપરવાનો સરકારે નિર્ણય કર્યો છે. દર્દીઓ માટે ઓક્સિજનની અછત ન વર્તાય એટલે ગુજરાત સરકારે રાજ્ય બહારથી પણ ઓક્સિજન મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.
  • રેમડેસિવિર ઈન્જેકશન માત્ર ને માત્ર મેડીકલ ઓબ્ઝર્વેશન હેઠળ આપવાના છે. રેમડેસિવિર ઈન્જેકશન માત્ર હોસ્પિટલમાં જ વાપરી શકાય એવું દરેક કંપનીઓએ પોતાના ઈન્જેકશનના પેકીંગ પર લખેલું છે.
    ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પહેલા રેમડેસિવિર અપાઈ રહ્યા છે ત્યાર પછી કોવિડ ડેઝીગ્નૈટેડ હોસ્પિટલોમાં આ ઈન્જેકશન અપાઈ રહ્યા છે ઈન્જેકશનની ઉપલબ્ધી અનુસાર તેનું પ્રાયોરીટી પ્રમાણે વિતરણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાત તબીબો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે કે રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કયારે કરી શકાય?
  • તા.1 થી 12 એપ્રિલ દરમિયાન 7 ઉત્પાદકોએ પ્રતિ દિન 1 લાખ વાયલનું ઉત્પાદન કર્યુ છે. જે આખા દેશમાં વિતરીત કરાયું એટલે ઓછા ઉત્પાદન અને વધુ માંગને કારણે આ અછત સર્જાઈ છે અત્યારે ઉત્પાદન વધારવામાં આવ્યું છે અને વહેલામાં વહેલી તકે વધુ જથ્થો ઉપલબ્ધ થશે. 108 અને 104ની કાર્ય પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એટલે હવે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો ન લાગે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને આ અંગે એસઓપી બહાર પાડવામાં આવશે.

Most Popular

To Top